ઇન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, આર્ટ ગેલેરી, સિન્થેટીક એથ્લેટિક ટ્રેક સહિતના સ્થળોની મુલાકાત કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા થઇ રહેલી વિકાસલક્ષી કામગીરીને વધુ વેગ આપવા તથા શહેરીજનોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવા ઉમદા આશય સાથે જુદા જુદા તબક્કે રહેલ પ્રોજેક્ટની સમીક્ષા અર્થે મ્યુનિ. કમિશનર આનંદ પટેલે રેસકોર્ષ સંકુલમાં સ્થિત શ્રી શ્યામા પ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, ઇન્ડોર સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, સિન્થેટીક એથ્લેટિક ટ્રેક તેમજ આર્ટ ગેલેરી અને વોર્ડ નં.7માં આવેલ શ્રી અરવિંદભાઈ મણિયાર હોલની પણ મુલાકાત લીધી હતી.
રેસકોર્ષ ખાતે આવેલ આર્ટ ગેલેરીને નવી આધુનિક બનાવવાનાં પ્રોજેક્ટ અનુસંધાને કમિશનરએ આ આર્ટ ગેલેરીને ગ્રીન બિલ્ડિંગ ક્ધસેપ્ટ મુજબ સ્ટેટ ઓફ ધ આર્ટ મોડર્ન સ્વરૂપ આપવા તથા જ્યુબિલી ગાર્ડન ખાતે આવેલ શ્રી અરવિંદભાઈ મણિયાર હોલને નવા ઇન્ટીરિયર સાથે આધુનિક બનાવવા સુચના આપી હતી.
વધુમાં મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે, ઇન્ડોર સ્ટેડિયમ બન્યું ત્યારથી નાંખવામાં આવેલ રૂફિંગ સિસ્ટમને અપડેટ કરી નવી રૂફિંગ સિસ્ટમ નંખાશે અને જુના થઇ ગયેલા સિન્થેટીક ફલોરિંગનાં સ્થાને વૂડન ફલોરિંગ ફીટ કરવામાં આવશે. રેસકોર્સ સ્વિમિંગ પૂલમાં નવો બોર બનાવી તેમજ શહેરના તમામ જાહેર બોર રીચાર્જ કરવામાં આવશે.વિઝિટમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, સિટી એન્જી. એચ. એમ. કોટક, બી. ડી. જીવાણી, ડાયરેક્ટર – ગાર્ડન એન્ડ પાર્કસ એલ. જે. ચૌહાણ, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ દવે, આસી. મેનેજર દિપેન ડોડીયા, બી. એલ. કાથરોટીયા, ડેપ્યુટી સિટી એન્જી. બગથરીયા, અતુલ રાવલ વિગેરે હાજર રહ્યા હતા.