છેડતીનો વીડિયો વાયરલ થયા બાદ તંત્ર હરકતમાં : એલસીબી સહિતની પોલીસ ટીમોએ લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવ્યું
મોરબી સુપર માર્કેટમા વહેલી સવારે અભ્યાસ માટે આવતી દીકરીઓની સરા જાહેર છેડતીની ગંભીર ઘટનામાં ધારાસભ્ય કાંતિલાલ મેદાને આવતા જ ગઈકાલે મોરબી એલસીબી સહિતની પોલીસ ટીમે સાત લુખ્ખાઓને ઉપાડી લીધા હોવાનું ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ જાહેર કરી મોરબીમાં એક જ દાદો એ હનુમાન દાદો હોવાનું આગવા અંદાજમાં આજે મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે મોરબીની સુપર માર્કેટમાં ગત તારીખ 18 એપ્રિલના રોજ બનેલ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા. આ સીસીટીવી ફૂટેજમાં મોરબીની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના ચીથડાં ઉડતા હોય તેવી સ્થિતિમાં બહારગામથી અભ્યાસ માટે આવતી દીકરીઓની ચારથી પાંચ લુખ્ખાઓ સરાજાહેર રસ્તો આંતરિક છેડતી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મોરબીના તમામ મીડિયાઓએ સવાલો ઉઠાવતા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ તુરંત જ તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી પોતે ગાંધીનગરથી આવી સવારમાં સુપર માર્કેટમાં બનાવ સ્થળનું નિરીક્ષણ કરશે અને એક પણ લુખ્ખાને નહીં છોડવામાં આવે તેવું જાહેર કર્યું હતું.
https://www.facebook.com/watch/?v=254926056888891
દરમિયાન આ ગંભીર ઘટનામાં મોરબી એલસીબી સહિતની પોલીસ ટીમોએ પણ આ ગંભીરતા પૂર્વક સીસીટીવીનું બારીકાઇ ભર્યું નિરીક્ષણ કરી તપાસનો ધમધમાટ શરૂ કરી ગઈકાલે રાત્રેજ મોરબી અને ટંકારા પંથકના સાતેક લુખ્ખા અને ટપોરીઓને ઉપાડી લઈ બરાબર રીતે કાયદાનું ભાન કરાવ્યું હોવાનું મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયાએ જાહેર કરી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે આ તમામ ટપોરીઓના વાલીઓને પણ બોલાવી ઠપકો આપવામાં આવનાર હોવાનું આજે સુપરમાર્કેટની મુલાકાત દરમિયાન મીડિયા સમક્ષ જાહેર કર્યું હતું.
ગમે તેવો ચમરબંઘીનો દીકરો હશે, છોડીશું નહિ : કાંતિલાલ અમૃતિયા
મોરબીની પ્રતિસ્ઠાને ઠેસ પહોંચાડતી સુપર માર્કેટની છેડતીની ઘટનાને લઈને ધારાસભ્ય કાંતિલાલ મેદાને ઉતર્યા છે. તેઓએ હુંકાર કર્યો છે કે ગમે તેવો ચમરબંધીનો દીકરો હશે તોય છોડીશું નહિ. મોરબીની સુપર માર્કેટમાં ચાર લુખ્ખા તત્વો શાળા-કોલેજે જતી દીકરીઓની છેડતી કરતા હોય તેવા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. આ બનાવ અંગે જાણ થતાં જ મોરબી-માળિયાના ધારાસભ્ય કાંતિલાલ હરકતમાં આવ્યા છે. તેઓ આજે ગાંધીનગરથી નીકળી સીધા સવારે 9 વાગ્યે સુપર માર્કેટ પહોંચયા હતા અને બનાવ સ્થળની મુલકાત લીધી હતી.