યુજીસી દ્વારા તમામ યુનિ.ઓને પરિપત્ર કરીને આ બાબતે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી: સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપીને અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે જોડીને કેન્દ્ર સરકાર 2035 સુધીમાં એનરોલમેન્ટ રેશિયો વધારીને 50 ટકા સુધી લઈ જવા માંગે છે
હવે દરેક યુનિ.એ અંગ્રેજી માધ્યમના કોર્સમાં પણવિદ્યાર્થીને ગુજરાતી કે પોતાની માતૃભાષામાં જવાબો લખવાની છુટ આપવી પડશે. યુજીસી દ્વારા તમામ યુનિ.ઓને પરિપત્ર કરીને આ બાબતે ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપીને અને વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સાથે જોડીને કેન્દ્ર સરકાર 2035 સુધીમાં એનરોલમેન્ટ રેશિયો વધારીને 50 ટકા સુધી લઈ જવા માંગે છે. હાલ ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો માત્ર 27 ટકા જ છે જેને હવે કેન્દ્ર સરકાર વધારવા માંગે છે.
યુજીસીના ચેરમેન પ્રો.એમ. જગાદેશ કુમારે તમામ યુનિ.ઓને પરિપત્ર કરીને જણાવ્યું છે કે હાલ દેશમાં શૈક્ષણિક માળખા અને પદ્ધતિ મુજબ સામાન્ય પણે અંગ્રેજી માધ્યમ જ કેન્દ્ર સ્થાને છે. પરંતુ જો ટીચિંગ, લર્નિંગ અને પરીક્ષા મૂલ્યાંકન સ્થાનિક ભાષામાં થશે તો વધુને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ સાથે જોડાશે. જેથી વિદ્યાર્થી અંગ્રેજી માધ્યમમાં ભણતો હોય તો પણ અને યુનિ.અંગ્રેજી માધ્યમના જ કોર્સ ઓફર કરતી હોય તો પણ વિદ્યાર્થીને પોતાની માતૃભાષામાં જ પરીક્ષા આપવા દેવાની-ઉત્તરવહીમાં જવાબો લખવાની છુટ આપવામા આવે.ઉપરાંત મૂળ લખાણના સ્થાનિક ભાષામાં થયેલા અનુવાદને પ્રોત્સાહન આપવામા આવે અને યુનિ.ઓમાં ટીચિંગ અને લર્નિંગની પ્રક્રિયામાં સ્થાનિક ભાષાનો ઉપયોગ કરવામાં આવે. નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલોથી માંડી કોલેજો-યુનિ.ઓમાં અને મેડિકલ-ઈજનેરી સહિતના પ્રોફેશનલ-ટેકનિકલ કોર્સમાં પણ માતૃભાષાને મહત્વ આપી રહી છે ત્યારે યુજીસીએ તમામ યુનિ.ઓને સ્થાનિક ભાષાને પ્રોત્સાહ માટે અપીલ કરી છે.