મારા-તારા નહિ પરંતુ સારા હોય તેવા લોકોની હવે શિક્ષણ સમિતિના સભ્ય તરીકે નિયુક્તિ કરવાની માંગ: આઠ કોંગી અગ્રણીઓની અટકાયત
ભ્રષ્ટાચારનો પર્યાય બની ગયેલી શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ 15 સભ્યોને ગઇકાલે ઘરભેગા કરી દેવામાં આવ્યા છે. દરમિયાન આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાની આગેવાનીમાં કાર્યકરોએ કરણપરા સ્થિત નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની કચેરી ખાતે ગંગાજળનો છંટકાવ કરી કચેરીનું શુધ્ધિકરણ કર્યું હતું. એ-ડિવિઝન પોલીસ દ્વારા આઠ કોંગી કાર્યકરોની અટકાયત કરી લેવામાં આવી હતી.
શિક્ષણ સમિતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોની ફરિયાદ હાઇકમાન્ડ સુધી પહોંચતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા આકરી કાર્યવાહી કરવામાં આવી હતી. ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત તમામ 15 સભ્યોના રાજીનામા લઇ લેવામાં આવ્યા હતા. ગઇકાલની આ ઘટના બાદ આજે કોંગ્રેસ દ્વારા કરણપરામાં આવેલી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની કચેરી ખાતે શુધ્ધિકરણનો કાર્યક્રમ આપી નવત્તર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરોએ સમગ્ર કચેરી માં ગંગાજળનો છંટકાવ કર્યો હતો અને શુધ્ધિકરણ કર્યું હતું. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સંજય અજુડીયાએ એવી માંગણી કરી હતી કે શિક્ષણ સમિતિની શાળાઓમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના બાળકો અભ્યાસ કરતા હોય છે ત્યારે સમિતિના સભ્ય તરીકે મારા-તારા નહિં પરંતુ જે ખરેખર શિક્ષણ જગત માટે સારા છે.
તેઓની નિયુક્તિ કરવી જોઇએ. સત્તાના મદમાં ભાજપના શાસકો એવા ચકચૂર થઇ ગયા છે કે મોટાભાગના કામોમાં ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે.
શિક્ષણ સમિતિની કચેરી ખાતે ગંગાજળનો છંટકાવ કરનાર શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સંજય અજુડીયા, અશોકસિંહ વાઘેલા, પૂર્વ કોર્પોરેટર દિલીપ આશવાણી, કેતન તાળા, હરેશ વાશદેવાણી, દિપક જાવરી, દિલીપ ઘરસેંડીયા અને ઠાકર ખાનચંદાણીની અટકાયત કરી દેવામાં આવી હતી.