જીવનનું અંતિમ સત્ય ઈશ્વર છે: જીવનમાં બનતી તમામ ઘટનાઓ કર્મને આધીન છે
વિશ્વ આખામાં અંધશ્રદ્ધા આજે પણ ફેલાયેલી જોવા મળે છે.ભારત પણ અંધશ્રદ્ધાથી ભરેલો દેશ છે.ભારતીય સમાજમાં અંધશ્રદ્ધા કોઈ નવી વાત નથી.પ્રાચીન કાળથી જ ભારતમાં અંધશ્રદ્ધા પ્રવર્તે છે.અંધશ્રદ્ધા એ સામાજિક દુષણ છે.ભારતમાં અંધશ્રદ્ધા એ ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે. શિક્ષણના અભાવે લોકો અંધશ્રદ્ધામાં સપડાય એ તો જાણે સમજ્યા,પરંતુ પ્રવર્તમાન સમયમાં શિક્ષિત કે અર્ધશિક્ષિત લોકો પણ તાંત્રિકોની માયાજાળમાં ભરમાય છે.વિશ્વ જ્યારે 21મી સદીમાં પ્રવેશી ચૂક્યું છે,ટેકનોલોજી રોકેટ ગતિએ વિકસી રહી છે અને વિજ્ઞાને રહસ્યના સીમાડાઓ છેદી નાખ્યા છે,ત્યારે પણ અંધશ્રદ્ધાની ઘટનાઓ બનતી જોઈને સૌ કોઈ આંચકો અનુભવે છે.
તાજેતરમાં જસદણ તાબાના વીંછિયા ગામનો બનાવ તાજો છે.પતિ – પત્નીએ એક સાથે પોતાના માથા હોમી દીધા.કંપારી છૂટી જાય એવી આ ઘટના છે.આ લોકો કોઈ આર્થિક મુશ્કેલીમાં હોય,એવું પણ બહાર આવ્યું નથી.તો વળી સંતાન પ્રાપ્તિની ઈચ્છા જેવી બાબત પણ પ્રકાશમાં આવી નથી.સંતાનો તો છે.ક્ષુલ્લક કારણ આપીને આવું અવિચારી પગલું ભર્યું છે.માથા કપાઈને હવનકુંડમાં જ પડે તેવી યાંત્રિક ગોઠવણી કરી હતી.તેની મક્કમતા અને મોત વહાલું કરવાની હિમ્મતને દાદ દેવી પડે.
થોડા સમય પહેલાં જૂનાગઢ જિલ્લાના તાલાળા તાલુકામાં બનેલી ઘટના પણ તાજી છે.આ ઘટના એવી હીચકારી હતી કે પાષાણ હૃદયનો માનવી પણ હલબલી જાય.સગો બાપ થઈને એક માસુમ દીકરી ઉપર કોઈ કપોળ કલ્પિત હિત સાધવા માટે આવું જઘન્ય કૃત્ય આચરે એ સમાજના બૌદ્ધિકો,સમાજશાસ્ત્રીઓ અને ચિંતકોને વિચારતા કરી મૂકે એવી ઘટના છે.આવી ઘટનાઓ જ્યારે બને ત્યારે એમ થાય કે જો આ ઘટના છેલ્લી હોય તો સારું.પરંતુ છાશવારે આવી ઘટનાઓ બન્યા જ કરે છે.એ સૌ કોઈ માટે ચિંતાની બાબત છે.
આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની છે.મૂળ મધ્યપ્રદેશના ગોંડલમાં મજૂરી કામ કરતા શ્રમિકે પોતાની બે માસની બીમાર બાળકીને દવા લેવાને બદલે દાહોદના કરતાર ગામે લઈ જઈ ભુવા પાસે ડામ દેવડાવ્યા હતા.પોરબંદરના કાટવાણા ગામે પણ આવો કિસ્સો બન્યાના સમાચાર બહુ જૂના નથી.કહેવાતા તાંત્રિકો પર ભરોસો મૂકી તેમના ઈશારે બધું કરવામાં આવતું હોય છે.સંતાન પ્રાપ્તિ કે પછી બીમારી માટે તબીબી સલાહ લેવાની બદલે તાંત્રિક ભુવા કે ફકીરને મળવા જવાની માનસિકતા આજે મોટા ભાગના વર્ગમાં જોવા મળે છે.દોરા – ધાગા જેવી પ્રવૃત્તિઓ ગામડામાં જ નહીં,નાના શહેરમાં પણ જોવા મળે છે.સ્માર્ટફોન ભલે ગામડાં સુધી પહોંચી ગયો હોય,તેમ છતાં વૈજ્ઞાનિક અભિગમનો અપનાવતા નથી.ઓરી અછબડા જેવી બીમારીમાં પણ લોકો ડોક્ટરનો સંપર્ક કરવાને બદલે અંધશ્રદ્ધા ભર્યા પ્રયોગો કરતા હોય છે.
ભારત જન વિજ્ઞાન જાથા,રાજકોટની સંસ્થા દ્વારા ઉપરોક્ત દરેક ઘટનાઓમાં સમયસર પહોંચી જઈ, સ્ટિંગ ઓપરેશન કરી ઉપરોક્ત ઘટનાઓ બનતી અટકાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.જરૂર પડે ત્યાં પોલીસને પણ સાથે રાખીને સમજાવટ કરીને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવા સોગંદનામાં કરીને અંધશ્રદ્ધા ઘટાડવાના પ્રયત્નો જનવિજ્ઞાન જાથા દ્વારા કરવામાં આવી રહ્યા છે.એક એવી માન્યતા છે કે કાળી ચૌદસના દિવસે કકળાટ દૂર કરવા માટે ચાર ચોકમાં કુંડાળા કરી,તેમાં વડા મૂકવાથી કકળાટ દૂર થાય છે.આ અંધશ્રદ્ધા સામે જન વિજ્ઞાન જાથા આ દિવસે સ્મશાનમાં જઈને ભજીયા ખાવાનો પ્રોગ્રામ બનાવીને લોકોમાં અંધશ્રદ્ધા દૂર કરવાના પ્રયત્નો કરે છે.
ભારતમાં આજે પણ અંધશ્રદ્ધાની અનેક ઘટનાઓ બનતી આપણે જોઈ રહ્યા છીએ.અનેક સ્ત્રીઓને ડાકણ માનીને તેના પર અત્યાચાર ગુજારવામાં આવે છે અથવા તો તેને મારી નાખવામાં આવે છે.કેટલાક અસામાજિક તાંત્રિકો કે ભુવા ભરાડીઓ લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવી તકનો લાભ લેતા હોય છે.અલૌકિક શક્તિઓમાં એક પ્રકારની આંધળી માન્યતા છે.જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક સમજુતી નથી,તેમ છતાં કેટલાક પંડિતો કે નકલી બાબાઓ આજે પણ ભારતમાં ધર્મના નામે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે.વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિ સાથે ભારતે ઘણો વિકાસ કર્યો છે,તેમ છતાં અનેક પ્રકારની અંધશ્રદ્ધા આજે પણ જોવા મળે છે.જેવી કે,મુસાફરી દરમિયાન બિલાડીનું આડે ઉતારવું એ દુર્ભાગ્ય લાવી શકનારું ગણવામાં આવે છે.
ઘુવડનો અવાજ સાંભળવાથી બીમારી આવી શકે છે.જમણા હાથની હથેળીમાં ખંજવાળ આવવી એ ફાયદો થવાની સંભાવના બતાવે છે.છત પર કાગડાનું બોલવું એ મહેમાન આવવાના સંકેતો દર્શાવે છે.કેટલાક લોકો આજે પણ માને છે કે ભૂતનું અસ્તિત્વ છે.તો વળી કેટલાક લોકોએ અઠવાડિયાના સાતે સાત દિવસોને અલગ શ્રેણીમાં વર્ગીકૃત કર્યા છે. તેઓ માને છે કે મંગળવાર અને શનિવાર એ શુભ કાર્ય કરવા માટેના દિવસો નથી.આ દિવસે વાળ ન કપાવાય અથવા શેવિંગ ન કરાય.ભેટની રકમમાં એક રૂપિયાનો સિક્કો ઉમેરવો જોઈએ.દુકાનમાં મરચા અને લીંબુ લટકાવવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે.13 નંબર અશુભ છે.તૂટેલા અરીસામાં જોવું ખરાબ નસીબ લાવી શકે છે.
આ અને આવી અનેક અંધશ્રદ્ધાઓ ભારતમાં પ્રવર્તી રહી છે.ખરેખર આ એક ગંભીર ચિંતાનો વિષય છે.શિક્ષણ અને ટેકનોલોજી વધવા છતાં પણ આ પ્રકારની અંધશ્રધ્ધાની ઘટનાઓ ઓછી થતી નથી.દેશમાં અને ગુજરાતમાં આર્ય સમાજ,ભારત જન વિજ્ઞાન જાથા,લોક જાગૃતિ મંડળો કે પછી કોઈ વ્યક્તિગત રેશનાલિસ્ટ લોકો અંધશ્રધ્ધા નિવારણ માટે ઘણી મહેનત કરતા જોવા મળે છે.આ લોકો શાળા,કોલેજ, સોસાયટીઓ કે જાહેર સ્થળો પર જઈ ’ચમત્કારથી ચેતો’ જેવા કાર્યક્રમો કરીને લોક જાગૃતિનું કાર્ય કરી રહ્યા છે.એકના ડબલ,હાથમાંથી કંકુ કે ભસ્મ કાઢવા,જીભની આરપાર ત્રિશૂળ નાખવું,પૈસાનો વરસાદ વરસાવવો જેવા કાર્યક્રમો કરી ધતિંગનો પર્દાફાશ કરવાનું કામ આ લોકો કરી રહ્યા છે.
ગોધરામાં ડો.સુજાત વલી નામના એક ડોક્ટર અંધશ્રદ્ધા નિવારણ માટે પ્રયત્નો કરી રહ્યા છે.વ્યવસાયે ગાયનેકોજિસ્ટ છે,પરંતુ વર્ષોથી લોકો વચ્ચે અંધશ્રદ્ધા નિર્મૂળ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે તે માટે કામ કરી રહ્યા છે.ડો.સુજાત વલીમાં એમબીબીએસના અભ્યાસકાળ દરમિયાન જ રેશનાલિસ્ટ થવાના બીજ રોપાયા હતા.પોતે શેરી નાટકો કરતા,પુસ્તકો કે પત્રિકાઓ દ્વારા લોકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવાની સમજણ કેળવવાની વાતો કરતા.વિજ્ઞાનનું મહત્વ સમજાવતા. ડો.વલી કહે છે કે ભૂતકાળમાં લાખો લોકો શીતળાનો ભોગ બન્યા હતા.અનેક લોકો મૃત્યુ પામ્યા હતા.તો અમુક લોકો અનેક ખામીઓ જેવી કે અંધાપો અને બહેરાશનો ભોગ બન્યા હતા.જ્યારે આ રોગની સામે રસી શોધવામાં આવી,ત્યારબાદ આપણે શીતળાને સંપૂર્ણ રીતે નાબૂદ કરી શકયા.રેશનાલીસ્ટની કામગીરી કરનાર લોકોને કેટલીક વખત રોષનો ભોગ પણ બનવું પડતું હોય છે.ઘણી વખત આવા લોકો ઉપર લે ભાગુ માણસો હુમલાઓ પણ કરે છે,તો ક્યારેક પોલીસ કેસ પણ કરવામાં આવતા હોય છે.
તાજેતરમાં જ આપણે સૌ જાણીએ છીએ તેમ કોરોના કાળમાં ઘણા અંધશ્રદ્ધાળું લોકો રસી લેવાનો વિરોધ કરતા હતા.ઘણા ગામમાં તો રસી આપનારના પ્રવેશ સામે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આવા લોકોને રસી લેવા માટે સમજાવવા તંત્રને પણ અઘરું બન્યું હતું.ઘણા ગામમાં નાળિયેરના તોરણ બાંધીને કે અમુક ભુવા ભરાડીની સુચના મુજબના ઉપાયો કરવાની સલાહ આપવામાં આવી હતી.પરંતુ રસી તો ન જ લેવા માટે સતત સમજાવવામાં આવતું હતું.જો કે પરિણામ આપણી સામે જ છે.ભારતમાં સમયસરની રસીનો ડોઝ લેવાથી વિશ્વના વિકસિત દેશોની સરખામણીમાં ભારતનો મૃત્યુ દર ઘણોજ નીચો જોવા મળ્યો છે.
વહેમ,અંધશ્રદ્ધા કુરિવાજો,ગેર માન્યતાઓ, ભુવા સ્થાપવાની પ્રથા વગેરે બંધ કરવાની જરૂર છે.પોતાના જે ઇષ્ટદેવને માનતા હોય તે ઇષ્ટદેવને સીધા જ શ્રદ્ધાથી અનુસરવું જોઈએ.વચેટિયાઓ ગુમરાહ કરે છે.ચમત્કારથી કોઈ સમસ્યાઓ ઉકેલી શકાય નહીં.ધર્મગુરુઓની વૈભવી લીલાઓ ઝડપથી પ્રગતિ કરે છે.આપણું ઘર ઝડપથી મહેલ બને તે માટે પુરુષાર્થ કરવો જોઈએ. આડંબરો ફગાવી દઈ વિજ્ઞાન અને ટેકનોલોજીને અપનાવવા જોઈએ. દુનિયામાં ભૂત – પ્રેત,છાયો,મામો,ખવીશ,ચુડેલ,ડાકણ,મેલી વિદ્યા,આસુરી શક્તિ કે અદ્રશ્ય શક્તિ જેવું કશું જ નથી.
વિજ્ઞાન જાથા એવું માને છે કે અમોને કોઈ શ્રદ્ધાની સામે વાંધો નથી,પરંતુ અમે લોકો સ્પષ્ટ માનીએ છીએ કે મૃત્યુ પછીની તમામ ક્રિયાઓ તદ્દન અવૈજ્ઞાનિક તાર્કિક અને અવાસ્તવિક છે.માણસને માનસિક હતાશા તરફ દોરી જાય છે.ખર્ચના ખાડામાં ઉતારીને દેણું કરીને લોકો વિધિ કરાવે છે.જો ખરેખર પિતૃઓને સંતુષ્ટ કરવા હોય તો કોઈ સારા કાર્યમાં સ્કૂલમાં કે સંસ્થામાં પૈસા આપવા જોઈએ.જે લોકો માને છે એને જ આ બધું નડે છે,જે લોકો નથી માનતા તેને કંઈ નડતું નથી.માનસિક નબળા લોકો આ બધું કરે છે.મૃત્યુ પછીની બધી વિધિ ખોખલી વાત છે.તેને કોઈ વૈજ્ઞાનિક સમર્થન નથી.પિતૃઓ માત્ર શું હિન્દુઓને જ છે ? અન્ય ધર્મમાં આવી કોઈ વિધિ નથી થતી.તેને શું પિતૃ નથી નડતા ?
મનુષ્યનો જન્મ અને મૃત્યુ કોઈ સમય જોઈને થતાં નથી.રાહુ કાળમાં જન્મેલી વ્યક્તિ સફળ જીવનશૈલી જીવતા જોવા મળે છે.અભિજિત નક્ષત્રમાં જન્મેલી વ્યક્તિ નિષ્ફળ રહ્યાના ઉદાહરણો જોવા મળે છે.સાધુ,સંતો,મહંતોના આશીર્વાદથી થયેલા લગ્નના છૂટાછેડા થાય છે.જ્યારે કાળ ચોઘડીએ,કમુહૂર્તમાં કે અમાસમાં યોજાયેલા લગ્ન સફળ થાય છે.જીવનનું અંતિમ સત્ય ઈશ્વર છે. કુદરત છે.માટે શ્રદ્ધા જરૂરી છે.જીવનમાં બનતી તમામ સારી નરસી ઘટનાઓ કર્મને આધીન છે.શ્રીમદ્ ભગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે: ’અંતિમ સત્ય હું જ છું.તમે ફક્ત કર્તા છો.કર્મ કરો ફળની આશા ન રાખો.સારું ખરાબ મારા ઉપર છોડો.