સુરેન્દ્રનગર જિલ્લાને ખૂલ્લામાં શૌચમુક્ત જિલ્લો ગણાવાય છે પણ…!!
આખો સુરેન્દ્રનગર જિલ્લો શૌચાલયયુક્ત બની ગયો હોવાના તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવી રહ્યાં છે, ત્યારે આજેય રણમાં મીઠું પકવતી અગરિયા મહિલાઓને ડબલા સાથે ખાટલો અને ધુંસો (શાલ) લઇ ખુલ્લામાં શૌચાલયે જવું પડે છે. જેમાં રણમાં વર્ષોથી મીઠું પકવતા 2,000 અગરિયા પરિવારો માટે સમ ખાવા પુરતું એક પણ શૌચાલય બનાવાયું નથી. રણની 2,000 અગરિયા મહિલાઓને શૌચ કર્મ માટે ઓઠું ન મળતુ હોવાથી ખુલ્લામાં શૌચક્રિયા જવા માટે ડબલાની સાથે ખાટલો પણ ઉપાડીને લઇ જવો પડે છે, જે ગતિશીલ ગુજરાતની વરવી તસ્વીર છે.
રણકાંઠાની અગરિયા મહિલાઓ પોતાના પરિવારજનો સાથે વર્ષના સાતથી આઠ મહિના રણમાં રહીને મીઠું પકવે છે. સામાન્ય રીતે ખાટલાનો ઉપયોગ આરામ કરવા કે સૂવા માટે થતો હોય છે. પરંતુ જરૂરિયાત અને અભાવ માણસને બધું જ શીખવી દે છે. એ ઉક્તિ મુજબ મીઠાના અગરમાં ખાટલાની આડશ ઉભી કરી ખાટલા ઉપાડીને શૌચકર્મ માટે જતી અગરિયા મહિલાઓ વિકાસના મોડલમાં ધબ્બા સમાન છે.
રણમાં અગરિયા મહિલાઓને ખાટલો ના ઉપાડવો હોય તો રાત્રિના અંધારાનો લાભ લઇને શૌચક્રિયાએ જવું એ જ એક માત્ર ઉપાય છે. એમાય ખાસ કરીને રણમાં મહિલાઓ તથા અગરિયા ભુલકાઓ બિમાર પડે ત્યારે ટોઇલેટ બાબતે ખૂબ જ અગવડતા પડે છે. એ વાત સાચી કે સિમેન્ટને ખારૂ અગર ટકવા દેતું નથી. પરંતુ પ્લાસ્ટિકના પાયખાનાઓ બનાવીને પણ અગરિયા મહિલાઓને ખાટલામાંથી મુક્તિ આપવાનો વિકલ્પ પુરો પાડવો જોઇએ.સુરેન્દ્રનગર જિલ્લાના દશેય તાલુકાઓમાં થઇને કુલ 1,53,942 શૌચાલયો બનાવવાનો લક્ષ્યાંક હતો.
જેમાં ઝાલાવાડમાં 100 % સિધ્ધી સાથે અત્યાર સુધીમાં દરેક તાલુકાઓમાં શૌચાલયો બનાવી લેવાયા હોવાનો તંત્ર દ્વારા દાવાઓ કરાય છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ પાટડી તાલુકામાં 27,254 શૌચાલયો બનાવવાના લક્ષ્યાંક સામેં 100 %થી પણ વધારે કામગીરી સાથે અત્યાર સુધીમાં કુલ 27,404 શૌચાલયો બનાવાયા છે. જેમાં રણમાં આઝાદી પહેલાં વર્ષોથી પરંપરાગત રીતે મીઠું પકવતા 2,000 અગરિયા પરિવારો માટે રણમાં સમ ખાવા પુરતુ એક પણ શૌચાલય બનાવાયુ નથી. એ પણ નરી વાસ્તવિકતા છે.
મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા 98% મજૂરો ચામડીના રોગથી પીડાય છે
ગુજરાતના મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા 98% મજૂરો અને અગરિયાઓ ચામડીનાં રોગથી પીડાય છે. આથી અગરિયાઓના પગ એવા લાકડા જેવા સંવેદનહિન થઇ જાય છે કે, ભારતના એકમાત્ર સમુદાય એવા અગરિયાના મોત બાદ એમના પગ સળગતા ન હોવાથી દાટવા પડે છે. આથી અગરિયાના જીવનમાં એક ડોકીયું કરી એમની આંખના આંસુ લૂંછવાનો પ્રયાસ પણ થવો જરૂરી છે.
ભારત દેશના કુલ મીઠા ઉત્પાદનનું 70% મીઠું ગુજરાતમાં પાકે છે. એમાંથી 35% મીઠું તો ઝાલાવાડના હળવદ, કુડા, ખારાઘોઢા અને ઝીંઝુવાડા રણમાં પાકે છે. રણકાંઠાના હજારો અગરિયા પરિવારો રણમાં કંતાનનું ઝુપડું બાંધી રાત-દિવસ મીઠું પકવવાનું કામ કરે છે. એમને રોજના 12થી 15 કલાક સતત પાણીમાં કામ કરવું પડતુ હોવાથી મીઠું પકવતા 98% અગરિયાઓ ચામડીના રોગથી પીડાય છે. મીઠાના દ્રાવણમાં ઉઘાડા પગે અને હાથમાં રબરના મોજા નહીં પહેરવાના કારણે તેમના પગ તો લગભગ સંવેદનહીન થઇ જાય છે.