સુપ્રિયા કે અજિત કોણ કરશે ધડાકો ? બન્નેમાંથી એક એનસીપીના ધારાસભ્યો સાથે કમળ તરફ વળે તેવી શક્યતા
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ભૂકંપના એંધાણ વર્તાઈ રહ્યા છે. કારણકે શિવસેનાના ટુકડા બાદ હવે ફરી એનસીપીના કટકા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે ભાજપ ગેલમાં આવી ગયું છે. સુપ્રિયા કે અજિત બન્નેમાંથી એક એનસીપીના ધારાસભ્યો સાથે કમળ તરફ વળે તેવી શક્યતા હાલ નિષ્ણાંતો વ્યક્ત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના રાજકારણમાં ટૂંક સમયમાં કેટલીક મોટી ઘટનાઓ જોવા મળી શકે છે. મહાવિકાસ અઘાડીના સૂત્રોએ દાવો કર્યો છે કે શરદ પવારની પાર્ટી એનસીપીના 13 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. આ તમામ ધારાસભ્યો ભાજપમાં જોડાવાનું વિચારી રહ્યા છે. સૂત્રોએ દાવો કર્યો છે કે આ ધારાસભ્યો પર એનસીપી છોડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. એવા પણ સમાચાર છે કે શરદ પવારે આ ધારાસભ્યોને મનાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ હજુ સુધી મામલો થાળે પડ્યો નથી.
મહાવિકાસ આઘાડીના સૂત્રોએ જણાવ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે આ ધારાસભ્યો ભાજપમાં જોડાવાનો નિર્ણય લેશે. મહાવિકાસ આઘાડીના તમામ નેતાઓ નાગપુર રેલી માટે એકઠા થયા હતા. તે દરમિયાન ઠાકરે સેના અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ અજિત પવારને તેમની અમિત શાહ સાથેની મુલાકાત અંગે પ્રશ્નો પૂછ્યા હતા. ત્યારે અજિત પવારે કહ્યું હતું કે તમામ સમાચાર ખોટા છે. હું ન તો દિલ્હી ગયો કે ન તો અમિત શાહને મળ્યો, હું એનસીપીમાં જ રહીશ.
જે રણનીતિએ શિવસેનાને તોડી હતી, હવે એનસીપીને તોડવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે જ્યારે અમે શરદ પવારને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે જે રીતે ઇડી, સીબીઆઈ અને પોલીસનો ઉપયોગ કરીને શિવસેનાને તોડવામાં આવી હતી તે જ રણનીતિ હવે એનસીપીને તોડવા માટે વપરાશે. એનસીપીના ધારાસભ્યો પર દબાણ છે, તેમને ધમકી આપવામાં આવી રહી છે. કેટલાક લોકો દબાણમાં પાર્ટી છોડી શકે છે તે તેમનો વ્યક્તિગત નિર્ણય હશે પરંતુ એનસીપી પાર્ટી તરીકે અમે ભાજપ સાથે નહીં જઈએ. રાઉતે કહ્યું કે નાગપુર રેલીમાં અજિત પવાર અમારી સાથે હતા. મને લાગે છે કે અજિત પવાર એનસીપી નહીં છોડે.
ઉલ્લેખનીય છે કે હાલની પરિસ્થિતિ જોતા નિષ્ણાંતો જણાવે છે કે શરદ પવારની પુત્રી સુપ્રિયા અથવા તો અજિત પવાર કમળ તરફ વળે તેવી શક્યતા છે. આમાં શરદ પવારના પણ છુપા આશીર્વાદ હોય તો નવાઈ નહિ.