કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ
રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને કુપોષણમુક્ત ભારત અભિયાન અંતર્ગત સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની જિલ્લાકક્ષાની યોજનાકીય ત્રિમાસિક સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ બેઠકમાં ગ્રામ્યકક્ષાએ આંગણવાડી કેન્દ્રોની કામગીરી, બાળશકિત, પૂર્ણાશક્તિ અને માતૃશક્તિના ટેક હોમ રાશનની વિતરણ વ્યવસ્થા, ખાસ અંગભુત યોજનાના લાભાર્થીઓની સંખ્યા, બાળકો, કિશોરીઓ, સગર્ભાઓ અને ધાત્રી માતાઓના પોષણ સ્તરની સમીક્ષા કરાઈ હતી.
જિલ્લા કલેકટરએ બાળકો, કિશોરીઓ તથા માતાઓના પોષણ સ્તરને વધારવા એક્શન પ્લાન બનાવવા તાકીદ કરી હતી.વધુમાં, કલેકટરએ સામાન્ય, મધ્યમ અને અતિ કુપોષિત બાળકોમાં કુપોષણને નાબૂદ કરવા ભૂખ પરીક્ષણ, મિલેટ્સ આધારિત વાનગી સ્પર્ધા યોજવા સહિતના આવશ્યક સૂચનો આપ્યા હતા. તથા કોલ અને મેસેજ થકી પોષણ અંગે જનજાગૃતિ લાવવા ઉપર ભાર મૂક્યો હતો.
તેમજ 11 તાલુકાના 12 ઘટકની કચેરીનું મકાન, મહેકમ, ગ્રાન્ટ, ઠરાવ, ન્યુટ્રિગાર્ડન, પોષણ ટ્રેકર એપ્લિકેશન, આંગણવાડીમાં પાણી, શૌચાલય, વીજળીની સુવિધા સંબંધિત ચર્ચા કરી હતી. આ બેઠકમાં પ્રોગ્રામ ઓફિસર સાવિત્રીબેન નાથજી, ગોંડલ બાળ વિકાસ યોજના અધિકારી કોમલબેન ઠાકર સહિતના વિવિધ તાલુકાઓના બાળ વિકાસ યોજના અધિકારીઓ, શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.