માનસિક અશાંતિ દુર કરવા અને પરિવારી સુખ-શાંતિ માટે તાંત્રિકે વિધીના બહાને કરી છેતરપિંડી
21મી સદીના ડીઝીટલ ટેકનોલોજીના યુગમાં પણ તાંત્રિક બાબાની વાતમાં ફસાઇ કોઠારિયા રોડ પરની મહાત્મા સોસાયટીની મહિલાએ માનસિક શાંતિ દુર કરવા અને પરિવારમાં સુખ-શાંતિ માટે તાંત્રિક પાસે વિધી કરવા રુા.2.73 લાખ ઓન લાઇન ટ્રાન્સફર કર્યા બાદ તાંત્રિક બાબાએ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોઠારિયા રોડ પર આવેલા નિલકંઠ પાર્ક પાસે મહાત્મા સોસાયટીમાં રહેતી ભાવનાબેન કનુભાઇ વાઘેલા નામની મહિલાએ ઇશ્ર્વર રાધા વલ્લભ જોષી નામના ચમત્કારિક તાંત્રિકને માનસિક અશાંતિ દુર કરવા અને પરિવારમાં સુખ શાંતિ માટે તાંત્રિક વિધી માટે કટકે કટકે ઓન લાઇન રુા.2.73 લાખની છેતરપિંડી કર્યાની ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભાવનાબેન વાાઘેલાને પાંચેક વર્ષ પહેલાં અકસ્માત થયો હોવાથી તેને વધુ ગરમી કે વધુ ઠંડીની સિઝન હોય ત્યારે તેને માનસિંક અશાંતિ રહેતી તેમજ પરિવારમાં સુખ શાંતિ મળી રહે તે માટે ટીવી ચેનલમાં આવતી તાંત્રિક વિધી અને ચમત્કાર અંગેની જાહેરાતમાં આપેલા મોબાઇલ નંબર પર સંપરર્ક કર્યો હતો ત્યારે તેને સૌ પ્રથમ વિધી કરવા માટે રુા.2500 મગાવ્યા હતા ત્યાર બાદ કટેક કટકે રુા.2.73 લાખ તાંત્રિક બાબાએ ઓન લાઇન પોતાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવી લીધા હતા.
ભાવનાબેન વાઘેલાએ પોતાના પતિ અને પુત્રની જાણ બહાર પોતાના સોનાના ઘરેણા પર લોન મેળવી કટકે કટકે રુા.2.73 લાખ ચમત્કારિક તાંત્રિક બાબાને ચુકવવા છતાં માનસિક અશાંતિ દુર થઇ ન હતી તેમજ પરિવારમાં સુખ શાંતિ ન હોવાથી ચમત્કારિક તાંત્રિક બાબાને રુબરુ મળવાનું કહ્યું ત્યારે તેને ભરુચ રેલવે સ્ટેશન આવી પોતાને ફોન કરવા જણાવ્યું હતું. ત્યારે બાદ ચમત્કારિક તાંત્રિક બાબાનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો હતો.
આથી ભાવનાબેન વાઘેલાએ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાા પી.આઇ. સરવૈયા, પી.એસ.આઇ રોહડીયા અને નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે તાંત્રિક બાબનું બેન્ક એકાઉન્ટ સિઝ કરી દીધું હતું પરંતુ તેના બેન્ક એકાઉન્ટમાં માત્ર 20 હજાર જમા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેમજ તાંત્રિક બાબાએ મોબાઇલનું સીમ કાર્ડ પણ ડમી નામે કઢાવ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.