શનિવાર સુધીમાં પારો 43 થી 44 ડિગ્રીએ આંબી જશે
સૌરાષ્ટ્રમાં સોમવારે ગરમીનો મહાપ્રકોપ જોવા મળ્યો હતો. એપ્રીલમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર થઇ ગયો હતો. આજે સવારે વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું હતું. આગામી શનીવાર સુધીમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર થઇ જશે. દરમિયાન આગામી બે દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય માવઠાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. ગઇકાલે અમરેલીનું તાપમાન 42 ડિગ્રીએ પહોંચી જવા પામ્યુ હતું. અમરેલી રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. ચૈત્રી દનૈયા જે રિતે તપી રહ્યા છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ચોમાસુ સારૂ રહેશે.
સુર્યનારાયણે આકાશમાંથી અગ્નીવર્ષા શરૂ કરતા હવે ઉનાળાએ બરાબર જમાવટ કરી છે. એપ્રીલ માસમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચી ગયો છે. આગામી ત્રણ થી ચાર દિવસમાં 43 ડિગ્રીએ આંબી જવાની પણ સંભાવના છે. ગઇકાલે અમરેલીનું તાપમાન રાજ્યભરમાં સૌથી વધુ 42 ડિગ્રી નોંધાયુ હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગર 41.6 ડિગ્રી સાથે સૌરાષ્ટ્રમાં બીજા નંબરનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજકોટમાં પણ સોમવારનો દિવસ ઉનાળાની સિઝનનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. શહેરનું મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી નોંધાયુ છે.
ભાવનગરનું તાપમાન 39.5 ડિગ્રી, દ્વારકાનું તાપમાન 32.2 ડિગ્રી, ઓખાનું તાપમાન 35.6 ડિગ્રી, પોરબંદરનું તાપમાન 32 ડિગ્રી, વેરાવળનું તાપમાન 32.1 ડિગ્રી, દિવનું તાપમાન 33.5 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 41.6 ડિગ્રી, મહુવાનું તાપમાન 38.8 ડિગ્રી અને કેશોદનું તાપમાન 39.5 ડિગ્રી નોંધાયુ હતું. આ ઉપરાંત અમદાવાદનું મહત્તમ તાપમાન 41.9 ડિગ્રી, ડિસાનું તાપમાન 38.8 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 39.7 ડિગ્રી, વડોદરાનું તાપમાન 40.2 ડિગ્રી, સુરતનું તાપમાન 39.5 ડિગ્રી, વલસાડનું તાપમાન 37 ડિગ્રી, દમણનું તાપમાન 33.2 ડિગ્રી, ભૂજનું તાપમાન 38 ડિગ્રી, નલીયાનું તાપમાન 34.4 ડિગ્રી અને કંડલાનું તાપમાન 40.3 ડિગ્રી નોંધાયુ છે. આગામી બે થી ત્રણ દિવસમાં તાપમાનનો પારો 43 ડિગ્રીએ પહોંચી જશે.
એક તરફ આકાશમાંથી અગ્નીવર્ષા થઇ રહી છે. બીજી તરફ આજે સવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ઝાકળવર્ષા થવા પામી હતી. ધુમ્મસના કારણે વાદળર્છાંયુ વાતાવરણ છવાયું હતું. આજે અને આવતીકાલે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.