10થી 12 મુદત પડી હોવા છતાં કેસનો નિકાલ ન થયો હોય તેવા 60 કેસોનો તાકીદે નિકાલ કરવા કવાયત: રજાના દિવસમાં પણ અપીલ શાખાનો તમામ સ્ટાફ કામે લાગ્યો
કલેકટર પ્રભવ જોશીએ ચાર્જ સંભાળ્યા બાદ હવે જિલ્લાની સ્થિતિ જાણી સટાસટ્ટી શરૂ કરી છે. સૌ પ્રથમ જિલ્લા કલેકટરે અપીલ બોર્ડમાંથી પડતર કેસોની સાફસૂફી કરવાનું નક્કી કર્યું છે. જેથી આ દિશામાં હાલ કલેકટર તંત્રએ કવાયત શરૂ કરી દીધી છે.
જિલ્લા કલેકટર તરીકે 3 એપ્રિલના રોજ ચાર્જ સંભાળનાર પ્રભવ જોશીએ હાલ સુધી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું છે. હવે દશેક દિવસ પરિસ્થિતિ જાણ્યા બાદ તેઓ એક્શન મોડમાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. સૌ પ્રથમ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અપીલ બોર્ડને નિટ એન્ડ ક્લિન રાખવાની નેમ વ્યક્ત કરી છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ અપીલ બોર્ડના કેસોની વિગતો સ્ટાફ પાસે મંગાવી હતી. જેમાં 10થી 12 જેટલી મુદત પડી હોવા છતાં કેસમાં ચુકાદો ન આવ્યો હોય તેવા 60 જેટલા કેસો નીકળ્યા હતા. પહેલા તો આ 60 કેસોનો નિકાલ કરવા જીલ્લા કલેકટરે નિર્ણય લીધો છે.
જિલ્લા કલેકટરના આ નિર્ણયને પરિણામે આજે અપીલ સ્ટાફ હોંશભેર રજાના દિવસે પણ ફરજમાં જોડાયો હતો. જિલ્લા કલેકટર દ્વારા આજે અપીલ શાખાના સ્ટાફ પાસેથી વધુ વિગતો મેળવી આ 60 કેસમાં સંબંધિત અરજદારોને સમન્સની બજવણી કરવાના પણ આદેશો આપવામાં આવ્યા છે.વધુમાં મળતી માહિતી પ્રમાણે 10થી 12 મુદત પડી હોવા છતાં 60 કેસોમાં ચુકાદો ન મળતા અનેક અરજદારો ન્યાયની વાટ જોઈ રહ્યા છે. આવા અરજદારોને તાકીદે ન્યાય આપવા જિલ્લા કલેકટર તંત્ર સજ્જ બન્યું છે. ત્યારબાદ પણ અપીલના કેસોમાં ભરાવો ન થાય તેની ચીવટ રાખવામાં આવનાર છે.