બાબાસાહેબ તરીકે જાણીતા ભીમરાવ રામજી આંબેડકરને ભારતીય બંધારણના પિતા કહેવામાં આવે છે. અસ્પૃશ્યતા અને જાતિ પ્રતિબંધો જેવા સામાજિક દુષણોને નાબૂદ કરવાના આંબેડકરના પ્રયાસો નોંધપાત્ર હતા. બાબાસાહેબે દિલતોના ઉદ્ધાર માટે નોંધપાત્ર પ્રયાસો કર્યા જેથી તેઓને દલિતોના તારણહાર તરીકે પણ ઓળખવામાં આવે છે, ખરા અર્થમાં તેઓ રાષ્ટ્રના તારણહાર.
1913માં વડોદરાના મહારાજાએ તેમને કોલંબિયા યુનિવર્સિટીમા અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપી. આથી, તેઓ અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ અને પીએચડી પૂર્ણ કરવા અમેરિકા ગયા. બાદમાં, તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં પ્રવેશ મેળવ્યો જ્યાં તેમણે ડોક્ટરલ થીસીસ પર કામ શરૂ કર્યું. બાબા સાહેબ જીવનમાં ધાર્મિક શિક્ષણ અને ધર્મનું મહત્વ અતિજરૂરી છે તેવું તેઓ દ્રઢપણે માનતા હતા. બુદ્ધિશાળી ભીમરાવ આંબેડકરનું બાળપણ ખુબ જ મહેનતુ હતું. તે સમયે પ્રવર્તતી અસ્પૃશ્યતા નામની સામાજિક બીમારીની વિકૃતિ આંબેડકરને ખુંચતી હતી.
ભારત પરત ફર્યા બાદ તેઓ મુંબઈમાં રાજકીય અર્થશાસ્ત્રના પ્રોફેસર બન્યા. 1919 મા આંબેડકરે સરકાર પાસેથી અસ્પૃશ્ય અને અન્ય પછાત સમુદાયો માટે અનામતની માંગણી કરી. આંબેડકરે વ્યવસાયની સાથે સમાજ સુધારકની ઉમદા ભૂમિકા અદા કરી. 1927 સુધીમાં, આંબેડકરે ઘણી જાહેર ચળવળો અને કૂચ સાથે અસ્પૃશ્યતા વિરુદ્ધ સક્રિય ચળવળો શરૂ કરવાનું નક્કી કર્યું. અસ્પૃશ્ય સમુદાયમાં આંબેડકરની આગવી ઓળખ અને લોકપ્રિય સમર્થનને કારણે, તેમને 1932માં લંડનમાં ગોળમેજી પરિષદમાં હાજરી આપવા આમંત્રણ આપવામાં આવ્યું હતું અને દલિતો માટે અમુક અનામતની ખાતરી આપવામાં આવી.
15 ઓગસ્ટ 1947ના રોજ ભારતની આઝાદી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની નવી સરકારે આંબેડકરને દેશના પ્રથમ કાયદા પ્રધાન તરીકે સેવા આપવા આમંત્રણ આપ્યું જે તેમણે સ્વીકાર્યું. 29 ઑગસ્ટના રોજ, તેઓ બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા અને ભારતનું નવું બંધારણ બનાવાની સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા અને આંબેડકરે દેશને સર્વશ્રેષ્ઠ બંધારણ આપ્યું.
આંબેડકર વિદેશમાં અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય હતા. તેમના જણાવ્યા મુજબ ઔદ્યોગિકીકરણ અને કૃષિ ઉદ્યોગની વૃદ્ધિ રાષ્ટ્રની અર્થવ્યવસ્થાને વધારી શકે છે. તેમણે રાષ્ટ્રની પ્રગતિ માટે સમાજના આર્થિક અને સામાજિક વિકાસને ટેકો આપ્યો હતો.
બાબા સાહેબ મૌલિક ચિંતક તથા તેજસ્વી વક્તા હતા. પીડિતોને જોઈને તેમનું મન હંમેશા વ્યથિત રહેતું અને માનવતા માટે લડનારા એક ભારતમાતાના અપ્રતિમ યોધ્ધા હતા. ડો. આંબેડકર શૂન્યમાંથી શિખર પર પહોંચ્યા હતા. બાબા સાહેબના વિરાટ વ્યક્તિત્વથી દેશના અનેક યુવાનોને પ્રકાશ અને દિશા મળી છે.
બાબા સાહેબ યુવાનોને વારંવાર કહેતા કે “નોલેજ ઇઝ પાવર” જ્ઞાન એ મહાન શક્તિ છે. વિદ્યાર્થીઓએ જ્ઞાનના સહારે આપણા રાષ્ટ્રનો ઉદ્ધાર અને વિકાસ કરવા માટે વિશ્ર્વ વિદ્યાલયમાં ધ્યાન આપવું જરૂરી છે. વિદ્યાનું મહત્વ સમજાવતા બાબા સાહેબ કહેતા કે વિદ્યા સિંહણનું દૂધ છે જેને પીવા મળ્યું તેનામાં નવો ઉત્સાહ, નવું તેજ અને નવી સ્ફૂર્તિ ઉત્પન્ન થાય છે. જ્યાં નૈતિકતા છે, જ્યાં સમાનતા છે, જ્યાં સામુહિકતા છે, ત્યાં સત્ય છે. આ બાબા સાહેબના વાક્યો હંમેશા માટે લોકોના હૃદયમાં સચવાયેલા રહેશે. આંબેડકર માનતા કે તુકારામ, વાલ્મીકી, રોહિદાસ જેવા અછુતોએ હિન્દુ ધર્મનું પુન:સ્થાપન કરેલ છે. ધર્મની રક્ષામાં હજારો અછુતોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે, તો પછી હિન્દુ ધર્મના નામે બનેલા મંદિરો પર અછુતોનો હક્ક છે તેટલો જ બાકીના લોકોનો છે, અછુતો સમાજના નોકર નથી એ પણ હિન્દુ છે. બાબા સાહેબે અછુતો માટેના સમાન અધિકારની માંગણી માટે હિન્દુ ધર્મનો પવિત્ર ગ્રંથ ગીતાને આધાર બનાવી કહ્યું કે માનવતા એ ધર્મનું બીજું નામ છે.
આંબેડકરે મહિલાઓ માટે વ્યાપક આર્થિક અને સામાજિક અધિકારો માટે દલીલ કરી હતી અને તેના માટે વિધાનસભાનું સમર્થન પણ મેળવ્યું હતું. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના સભ્યો માટે સિવિલ સર્વિસીસ, શાળાઓ અને કોલેજોમાં નોકરીઓ માટે આરક્ષણની સિસ્ટમ દાખલ કરાવી.
લાંબા સમય સુધી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાતા આંબેડકરનું 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હીમા તેમના ઘરે લાંબી નિંદ્રામાં પોઢી ગયા. તેમના જન્મદિવસને આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. 1990માં તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત કરાયો.
મહામાનવ ડો. આંબેડકરને વંદન ….. જય ભીમ…. નમો બુદ્ધાય….
સંકલન: ડો.રવિ ધાનાણી
સંશોધન અધિકારી,
બાબા સાહેબ ડો.બી.આર.
આંબેડકર ચેર-સેન્ટર