બેડલાના સરપંચ દ્વારા પાણીના બોરમાં ગેરરીતી અંગે ટીડીઓ અને પાણી પુરવઠા વિભાગમાં કરેલી અરજીના કારણે હુમલો કરી લૂંટ કર્યાનો આક્ષેપ
એક શખ્સ રિવોલ્વર સાથે કુવાડવા પોલીસ મથકમાં હાજર થયો: સરપંચના ભાઇ સહિત ત્રણની શોધખોળ
ચોટીલાના પૂર્વ ધારાસભ્ય સ્વ.પોપટભાઇ જીંજરીયાના ભાઇ પર બેડલાના સરપંચના ભાઇ સહિત ચાર શખ્સોએ લોખંડના પાઇપ સાથે હુમલો કરી રિવોલ્વર, રુા.25 હજાર રોકડા અને સોનાના ચેનની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. બેડલા ગામે પાણીના બોરમાં થયેલી ગેરરીતી અંગે ટીડીઓ અને પાણી પુરવઠા વિભાગમાં કરાયેલી અરજીના કારણે હુમલો કરી લૂંટ ચલાવ્યાનો ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. લૂંટ અને હુમલાના ગુનામાં સંડોવાયેલા ચાર શખ્સો પૈકી એક રિવોલ્વર સાથે કુવાડવા પોલીસ મથકમાં હાજર થઇ ગયો છે. પોલીસે સરપંચના ભાઇ સહિત ત્રણ શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ તાલુકાના બેડલા ગામે રહેતા ભગવાનજીભાઇ સવજીભાઇ જીંજરીયાએ તેના ગામના સરપંચ અજય સોરાણીના ભાઇ ભરત સોરાણી, પિતરાઇ અશોક સોરાણી, બચુભાઇ અને બે અજાણ્યા શખ્સોએ કુવાડવા ગામ પાસે શ્રી રામ માર્બલ પાસે પાઇપથી હુમલો કરી રિવોલ્વર, સોનાનો ચેન અને રુા.25 હજારની લૂંટ ચલાવ્યાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બેડલા ગામે પાણીનો બોર કરવામાં આવ્યો હતો. તેમાં નવી મોટરના બદલે જુની મોટર ઉતારી રુા.2.50 લાખની ગેરરીતી થયા અંગેની ભગવાનજીભાઇ જીંજરીયાએ ટીડીઓ અને પાણી પુરવઠા વિભાગમાં લેખિત ફરિયાદ આપી હતી. આ અંગે તપાસ થતા સરપંચ અજય સોરાણીના પરિવારજનો ઉશ્કેરાયા હતા અને બંને વચ્ચે અદાવત ચાલે છે.
ભગવાનજીભાઇ જીંજરીયા ગઇકાલે જીયાણા ગામે સંબંધીને ત્યાં ગાંડુભાઇ સાથે લૌકિકે ગયા હતા ત્યારે તેમનું બાઇક કુવાડવા રોડ પર શ્રીરામ માર્બલ પાસે પાર્ક કર્યુ હતું. સાંજના તેઓ પોતાનું બાઇક લેવા આવ્યા ત્યારે અગાઉથી જ તૈયારી કરી બેઠેલા ભરત સોરાણી, તેનો પિતરાઇ અશોક સોરાણી, બચુભાઇ અને બે અજાણ્યા શખ્સોએ પાઇપથી હુમલો કરી લૂેંટ ચલાવ્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ગંભીર રીતે ઘવાયેલા ભગવાનજીભાઇ જીંજરીયાને રાજકોટની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ. રાણા સહિતના સ્ટાફે બેડલાના સરપંચના ભાઇ સહિત ચાર સામે હુમલો અને લૂંટ અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી હતી તે દરમિયાન એક શખ્સ રિવોલ્વર સાથે પોલીસ મથકમાં હાજર થતા તેની ધરપકડ કરી અન્ય શખ્સોની પી.એસ.આઇ. એસ.આર.વળવી સહિતના સ્ટાફ શોધખોળ કરી રહ્યા છે.