શોભાયાત્રા અને પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા: જય ભીમના નાદ ગુંજી ઉઠયાં
બંધારણના ઘડવૈયા, ભારત રત્ન દલીતોના મસિહા, મહામાનવ ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની 13રમી જન્મ જયંતિની આજે રાજકોટ સહીત સૌરાષ્ટ્રભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. દલીત સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ સમાજના આગેવાનો દ્વારા ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ દેશવાસીઓને આંબેડકર જયંતિની શુભકામના પાઠવી હતી.
બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની 13રમી જન્મ જયંતિ નીમીતે ગામે ગામે અનેક વિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં સિવીલ હોસ્પિટલ ચોક સ્થિત ડો. બાબા સાહેબની પ્રતિમાને આજે સવારથી વિવિધ સમાજના લોકો, રાજકીય પાર્ટીના અગ્રણીઓ, સામાજીક સંગઠનોના કાર્યકરો દ્વારા પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.
‘જબતક સુરજ ચાંદ રહેગા બાબ સાહેબ આપકા નામ રહેગા’, જય ભીમ, બાબા સાહેબ અમર રહો ના ગગન ભેદી નાદથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. શોભાયાત્રામાં તમામ અઢારેય વરણના લોકો ભારે ઉત્સાહ સાથે જોડાયા હતા. રાજકોટ શહેર ભાજપ દ્વારા તમામ વોર્ડમાં આજે બાબા સાહેબની તસ્વીરને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા આજે ડો. આંબેડકર જયંતિના પાવન દિવસથી યુવા જોડો અભિયાનનો આરંભ કરવામાં આવ્યું હતું.
ડો. બાબા સાહેબ આંબેકડરજી દ્વારા ભારત સંવિધાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મહા માનવની દિર્ધદ્રષ્ટિના કારણે 140 કરોડ ભારતવાસીઓ વિશ્ર્વના સૌથી મોટા લોકશાહી રાષ્ટ્રમાં આઝાદીની અદભુત અનુભુતિ કરી રહ્યા છે. હકક આપવામાં આવ્યો છે. આંબેડકર જયંતિની પૂર્વ સેવાઓ સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. રાજકોટમાં નીકળેલી આંબેડકર જયંતિની શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રાનું સિવીલ હોસ્પિટલ ચોક ખાતે સમાપન થયું હતું. જયાં ડો. બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરજીની જયંતિ નિમિતે સવારે સુરત ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં ડો. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા, માનદરવાજા, રીંગ રોડ ખાતે “પુષ્પાંજલિ” અર્પણ કરાયા હતા.