સરકારી ટેક્નિકલ કોલેજોમાં શિક્ષકોની સંખ્યામાં ‘અડધો અડધ’ ઘટ!!!
વર્ષ 2016-17માં 15,398 શિક્ષકો હતા, કોલેજો વધી તેમ છતાં વર્ષ 2022-23માં શિક્ષકોની સંખ્યા ઘટીને 7,755 થઈ ગઇ, આમ શિક્ષકોની સંખ્યામાં છેલ્લા છ વર્ષમાં 50 ટકાનું ગાબડું પડ્યું
ગુજરાતને ભણવું છે પણ ભણાવે કોણ ? આ પ્રશ્ન અત્યારે ગંભીર બન્યો છે કારણકે પ્રાથમિક થી લઈ માધ્યમિક સુધી અને ઉચ્ચ માધ્યમિકથી લઈ અનુ. સ્નાતક સુધીના તમામ અભ્યાસમાં શિક્ષકોની ઘટ સતત ભણતરમાં રોડા નાખી રહી છે. વિધાનસભામાં મુકાયેલા અહેવાલ મુજબ સરકારી ટેક્નિકલ કોલેજોમાં શિક્ષકોની સંખ્યામાં ’અડધો અડધ’ ઘટ છે.
એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના અસોસિએટ પ્રોફેસરે કામના ભારણના કારણે સોમવારે આત્મહત્યા કરી લીધી. આ ઘટના ગુજરાત સરકાર સંચાલિત ટેક્નિકલ કોલેજોના શિક્ષકોની દયનીય સ્થિતિને ચાડી ખાય છે. વર્ષ 2022-23ની ગુજરાતની આર્થિક-સામાજિક સમીક્ષા પરથી જાણવા મળ્યું કે, પાછલા છ વર્ષમાં આ કોલેજોમાં ટીચિંગ સ્ટાફ લગભગ અડધો થઈ ગયો છે. પરિણામે જે ચાલુ શિક્ષકો છે તેમના પર કામનું ભારણ વધી ગયું છે. જેની અસર તેમના માનસિક સ્વાસ્થ્ય અને સામાજિક જીવન પર પડી રહી છે. સરકાર સંચાલિત ટેક્નિકલ કોલેજોમાં 2016-17માં 15,398 શિક્ષકો હતા જે ઘટીને 2022-23માં 7,755 થઈ ગયા હતા. આમાંથી કેટલીય કોલેજોમાં શિક્ષકોને વહીવટી વિભાગનું કામ પણ કરવું પડે છે. તેમને અકાઉન્ટ્સ જોવાના, ક્લેરિકલ વર્ક ઉપરાંત એડમિશન અને ફી ઉઘરાવવા જેવી કામગીરી પણ શિક્ષકોના માથે આવી પડી છે.
સ્ટાફની અછતને પગલે અનેક સંસ્થાઓમાં શિક્ષકોને વહીવટી કામ પણ કરવા પડે છે!
કેટલીય કોલેજોમાં વહીવટી સ્ટાફની તંગી છે જેના લીધે ટીચિંગ સ્ટાફને ભણાવવા ઉપરાંત પણ કામ કરવા પડે છે. સરકારી આંકડા દર્શાવે છે કે, ક્લાસ 1, 2 અને 3માં અનુક્રમે 276, 189 અને 310 પોસ્ટ ખાલી છે. આ સ્ટાફની તંગીને કારણે શિક્ષકો સતત દબાણમાં રહે છે. જેની સીધી અસર વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ પડે છે.
શિક્ષણનું સ્તર કથળ્યું: 42 વર્ષ પૂર્વે એક સંસ્થા દીઠ 64 શિક્ષકો હતા, જે હવે માત્ર 33 જ રહ્યા
રાજ્યમાં 1980-81માં આવી ટેક્નિકલ શિક્ષણ આપતી 10 સંસ્થાઓ હતી જેમાં 2,339 બેઠકો હતી અને ફુલ ટાઈમ સ્ટાફની સંખ્યા શૂન્ય હતી. આજે રાજ્યમાં 230 કોલેજો, 76,668 બેઠકો અને 7,755 શિક્ષકો છે. ડેટા પ્રમાણે, 2016-17માં 238 ઈન્સ્ટીટ્યૂટ હતી જ્યાં મહત્તમ સ્ટાફની સંખ્યા 15,398 હતી એટલે કે, પ્રતિ સંસ્થા સરેરાશ 64.7 શિક્ષકો હતા. 2019-20માં સંસ્થાઓ વધીને 242 પરંતુ શિક્ષકોની સંખ્યા ઘટીને 10,342 થઈ ગઈ હતી.2022-23 સુધીમાં સંસ્થાઓની સંખ્યા ઘટીને 230 થઈ ગઈ હતી જ્યારે ટીચિંગ સ્ટાફ ઘટીને 7,755 થયો હતો. એટલે કે, પ્રતિ ઈન્સ્ટીટ્યૂટ 33.6 શિક્ષકો હતા. શિક્ષકોની કુલ સંખ્યામાં 49.6 ટકાનો ઘટાડો થયો હતો.
છ વર્ષમાં મહિલા શિક્ષકોની સંખ્યા 51%ઘટી ગઈ
સરકાર મહિલા સશક્તિકરણ માટે અનેકવિધ પગલાં લઈ રહી છે. પણ ચોંકાવનારી વાત એ છે કે આ પગલાં ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે બિનઅસરકાર રહ્યા છે. આ સંસ્થાઓમાં મહિલા શિક્ષકોની સંખ્યા 51 ટકા સુધી ઘટી ગઈ. છ વર્ષમાં મહિલા શિક્ષકો 4,915થી ઘટીને 2,415 થઈ ગયા છે. આમ મહિલા શિક્ષકો હવે આ ક્ષેત્રમાં ધીમે ધીમે ઓછા થઈ રહ્યા છે.
કામના ભારણ અને કારકિર્દીની ચિંતાને લઈને શિક્ષકો ખાનગી સંસ્થાઓમાં જઈ રહ્યા છે!
આ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનું કહેવું છે કે, વધુ ને વધુ સેલ્ફ ફાઈનાન્સ કોલેજો ખુલી રહી છે જેથી વધુ સારી તક અને પગારની અપેક્ષાએ શિક્ષકો સરકારી કોલેજોમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે. આ સ્પષ્ટ સંકેત છે કે, સરકારે વધુ ભરતી કરવી જોઈએ અને ફુલ ટાઈમ સ્ટાફ રાખવો જોઈએ પરંતુ એમ કરવાના બદલે તેઓ ફિક્સ પગાર પર શિક્ષકોને રાખે છે, તેમ સૂત્રોનું કહેવું છે. 2021-22માં સ્થિતિ આનાથી પણ ખરાબ થઈ હતી કારણકે 231 કોલેજો વચ્ચે 6,567 શિક્ષકો હતા. શિક્ષકોની અછતના કારણે શિક્ષણની ગુણવત્તા પર પણ અસર થઈ છે તેમ શિક્ષણવિદોનું કહેવું છે.
દર 15 વિદ્યાર્થીએ એક શિક્ષક જરૂરી, તેને બદલે અત્યારે દર 45 વિદ્યાર્થીએ એક શિક્ષક
ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે, સરકારી એન્જિનિયરિંગ કોલેજોમાં 2021-22માં ખાલી બેઠકોની સંખ્યા 21.31 ટકા હતી જે 2022-23માં વધીને લગભગ 50 ટકાની નજીક પહોંચી હતી. એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ એમ.એન. પટેલે કહ્યું, “દર 15 વિદ્યાર્થીઓએ એક શિક્ષક હોવા જોઈએ પરંતુ કેટલીક સંસ્થાઓમાં તો 1 શિક્ષક 45 વિદ્યાર્થીઓને સંભાળે છે. શિક્ષકોની નિમણૂક કરવામાં તો વિલંબ થાય જ છે સાથે સ્ટાફને પ્રમોશન આપવામાં પણ મોડું કરવામાં આવે છે. શિક્ષકો પ્રમોશન માટે યોગ્ય હોવાના માપદંડો પણ સરકાર દ્વારા આપવામાં નથી આવતા.”