કારના પૈસાની માંગણી કરી યુવાનને ગોંધી રાખી માર માર્યાનો આક્ષેપ
રાજકોટથી પરિવાર સાથે હરિદ્વાર ગયેલો યુવક પરત ફરતી વખતે સુરત રહેતા માસીના ઘરે ગયો હતો જ્યાં યુવકે અગાઉ લીધેલી કારના રૂપિયાની ઉઘરાણી કરી આઠેક જેટલા શખ્સોએ અપહરણ કરી ગોંધી રાખી રૂ.1.80 લાખની માંગણી કરી યુવકને માર માર્યો હોવાનો અને યુવકને બાદમાં રાજકોટ મૂકી ગયા હોવાના આક્ષેપ સાથે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના કાલાવડ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા ફેનીલ મુકેશભાઈ દાફડા નામનો 22 વર્ષનો યુવાન રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં સુરત ખાતે આવેલી કામરેજ ચોકડી પાસે હતો. ત્યારે શક્તિદાન ગઢવી, પરમસિંહ ઝાલા, પારસ ગોસ્વામી અને કાના સહિતના આઠ જેટલા શખ્સોએ કારમાં અપહરણ કરી ઝઘડો કરી છરી વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત ફેનીલ ગત તા.29મી માર્ચના રોજ પરિવાર સાથે હરિદ્વાર ગયો હતો અને જ્યાંથી પરત ફરતી વખતે તા.7 એપ્રિલના રોજ ફેનિલ અમદાવાદ ઉતરી ગયા બાદ સુરત રહેતા તેના માસીના ઘરે ગયો હતો. જ્યાં શનિવારે રાત્રિના તેને તેના મિત્રનો ફોન આવતા સુરત મળવા ગયો હતો. ફેનિલ દાફડાએ આરોપી કાના પાસેથી અગાઉ રૂ.3 લાખમાં આઇ-20 કાર લીધી હતી જેના રૂ.1.20 લાખ રોકડા આપી દીધા હતા જ્યારે રૂ.1.80 લાખ બાકી હતા. આરોપી કાર પરત ખેંચી ગયો હતો તેમ છતાં તે રૂપિયાની ઉઘરાણી માટે ફેનિલનું અપહરણ કરી ગોંધી રાખી ઢોર માર મારી પરિવારને ફોન કરી તમારા છોકરાને છોડવો હોય તો રૂ.1.80 લાખ આપવા પડશે તેમ જણાવતા પરિવારે પોલીસને જાણ કરતા અંતે અપહરણ કરનાર શખ્સોએ યુવકને રાજકોટ આવી મૂકી ગયા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે તાલુકા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.