ડરો મત સાવચેતી જરૂરી: આગમચેતીરૂપે ટેસ્ટિંગ વધારવાની પહેલથી થોડો સમય કોરોના કેસ વધવાની સંભાવના
આજથી બે દિવસ દેશભરમાં કોરોનાની મોકડ્રિલ યોજવા જઈ રહી છે. રાજ્યની તમામ સરકારી-ખાનગી હોસ્પીટલ સહીત દેશભરમાં મોકડ્રિલ યોજાશે જેમાં હોસ્પિટલમાં બેડની ઉપલબ્ધતા, દવાનો જથ્થો, ઓક્સિજન પુરવઠો સહીતની બાબતોએ રિહર્સલ યોજાશે. દેશમાં એક તરફ ખરાબ વાતાવરણને કારણે જયારે લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે સરકાર ટેસ્ટિંગ વધારવા જઈ રહ્યું છે.
અગાઉ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાજ્યોને ટેસ્ટિંગ વધારવા આહવાન કરી ચૂક્યું છે ત્યારે ટેસ્ટિંગ વધતા કોરોના કેસોમાં એકાએક વધારો આવવાની તીવ્ર સંભાવના હોવાથી લોકો ભયભીત પણ ન થાય અને સમય રહેતા જ કોરોનાનું નિદાન કરી શકાય તેવા વિઝન સાથે દેશભરમાં મોકડ્રિલ યોજી હોસ્પીટલમાં તમામ સુવિધાઓની ઉપલબ્ધતાની ખરાઈ કરી લોકોને ભયભીત નહીં થવા દેવા મોકડ્રિલ યોજાનાર છે.
છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં પણ સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે સાથે સાથે એક્ટિવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. રાજ્યનું આરોગ્ય તંત્ર પણ સતત વધતા કેસોના કારણે ચિંતત છે. કોરોનાની કોઈપણ વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સરકારી કે ખાનગી હોસ્પટલો કેવી રીતે સજ્જ રહેશે તે માટે રાજ્ય સરકાર આજે મોકડ્રીલ યોજશે. ગાંધીનગર સિવિલ હોસ્પિટસલ ખાતે 12 વાગે મોકડ્રીલ યોજાશે. અચાનક કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થાય તે માટે તંત્ર અને હોસ્પિટલ તંત્ર તૈયાર છે તેની સમીક્ષા કરાશે.
દેશભરમાં ઘાતક કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ઘણા રાજ્યોએ તો સખ્ત નિયમો પણ લાગું કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા કેસ વચ્ચે હોસ્પિટલોમાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે કેન્દ્રની મોદી સરકારે 10 અને 11 એપ્રિલે આખા દેશમાં મોક ડ્રિલનું આયોજન કર્યુ છે. તેમાં સરકારી અને ખાનગી બંને પ્રકારના સ્વાસ્થ્ય કેન્દ્રો સામેલ કરવામાં આવે તેવી શક્યતાઓ છે. રાજ્યના સ્વાસ્થ્યમંત્રીઓને હોસ્પિટલની મુલાકાત લેવા તથા મોક ડ્રી લનું નિરીક્ષણ કરવાનો આગ્રહ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ તેમને 8 અને 9 એપ્રિલે જિલ્લાતંત્ર અને સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરવાની પણ સલાહ આપી હતી. તેમણે રાજ્યોને સાવચેત રહેવા, ટેસ્ટિંગ તથા જીનોમ સિક્વન્સિંગ વધારવા, હોસ્પિટલોને તૈયાર રાખવા અને દવાઓનો સ્ટોક જાળવી રાખવા કહ્યું હતું.
હાલ દેશમાં કોરોનાનો પોઝિટિવ રેટ 3%!!
રવિવારે દેશભરમાં નવા 5357 કોરોના સંક્રમિતો નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં હાલ પોઝિટિવ રેટ 3% છે પણ જયારે ટેસ્ટિંગ વધારવામાં આવે તો કદાચ પોઝિટિવ રેટ વધવાની શક્યતા છે. કોરોનાને લીધે છેલ્લા 6 માસના રેકોર્ડ તૂટી ચુક્યા છે અને કેસો સતત વધી રહ્યા છે. અનેક રાજ્યોમાં પોઝિટિવ રેટ 10%ને આંબી ગયો છે ત્યારે અનેક રાજ્યો માસ્ક સહીતની બાબતોને ફરજીયાત કરી રહ્યા છે.
રવિવારે રાજ્યમાં કોરોનાના 218 દર્દીઓનો ઉમેરો: અમદાવાદમાં એક મોત
રવિવારે રાજ્યમાં કોરોનાના નવા 218 દર્દીઓનો ઉમેરો થયો છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 98 દર્દીઓ નોંધાયા છે જયારે વડોદરામાં 25 નવા દર્દીઓ સંક્રમિત થયાં છે. સુરત શહેરમાં 22 નવા દર્દીઓ જયારે રાજકોટ ખાતે 4 નવા દર્દીઓનો ઉમેરો થયો છે. રાજ્યમાં રવિવારે અમદાવાદ શહેરમાં કોરોનાને લીધે 1 મોત નોંધાયું છે. હાલ રાજ્યમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 2013ને આંબી ગઈ છે. જો કે, હાલ રાજ્યમાં સતત દર્દીઓમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.
કોરોના ભરડો લે તે પહેલા જ ડામી દેવા તૈયારી
અગાઉની લહેરમાં કોરોનાએ ભરડો લીધો હતો તેની પાછળ ક્યાંક તૈયારીનો અભાવ હતો. હોસ્પિટલોની ક્ષમતા, દવા-ઓક્સિજનની ઉણપ સહીતની બાબતોને લીધે મૃત્યુ આંક વધ્યો હતો ત્યારે હવે અગાઉથી જ તૈયારીઓ કરી લેવામાં આવી છે તેમજ કોરોનાને લીધે દર્દીની સ્થિતિ ખરાબ થાય તે પૂર્વે જ પ્રારંભિક તબક્કામાં જ નિદાન કરી લેવા માટે ટેસ્ટિંગ પર જોર મુકાઈ રહ્યું છે.