છેલ્લી ઓવરનો છેલ્લો દડો પણ રોમાંચ આપી શકે!!
અંતિમ ઓવરમાં રિંકૂ સિંઘે લાગલગાટ પાંચ છગ્ગા ફટકારી કોલકાતા નાઈટ રાઈડર્સને શાનદાર જીત અપાવી જમાવટ કરી દીધી
આઈપીએલમાં ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ગઈકાલે ટક્કર થઈ હતી. આ મેચ છેલ્લી ઓવરના છેલ્લા દડા સુધી રોમાંચિત રહ્યો હતો. અંતિમ ઓવરમાં રિંકૂ સિંઘે લાગલગાટ પાંચ છગ્ગા ફટકારી જમાવટ કરી દીધી હતી. આ પાંચેય છગ્ગા વડે કોલકાતાએ મેચ ગુજરાતના હાથમાંથી છીનવી લીધી હતી.ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રસાકસીનો મુકાબલો થયો હતો. ટોસ જીત્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન રાશિદ ખાને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. સાઈ સુદર્શન અને વિજય શંકરની ફિફ્ટીના દમ પર ટીમે 4 વિકેટે 204 રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા ખરાબ તબિયતના કારણે કોલકાતા સામેની આ મેચમાં રમ્યો નહોતો. તેની જગ્યાએ ઓલરાઉન્ડર વિજય શંકરને પ્લેઈંગ ઈલેવનમાં રમાડવામાં આવ્યો હતો અને તેને બેટિંગમાં પણ ડેવિડ મિલરની આગળ મોકલવામાં આવ્યો હતો. આ બેટરે માત્ર 21 બોલમાં અડધી સદી ફટકારી હતી. છેલ્લી ઓવરમાં સિક્સરની હેટ્રિક ફટકારીને તેણે સ્કોર 204 રન સુધી પહોંચાડ્યો હતો.ગુજરાતની ટીમ માટે બેટિંગમાં વિજય શંકરે છગ્ગાની હેટ્રિક ફટકારી હતી, તો બોલિંગમાં રાશિદ ખાને હેટ્રીક લીધી હતી.
ઓલ રાઉન્ડર આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને શાર્દુલ ઠાકુરની સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લઈને તેણે હેટ્રિક લેવાનો રેકોર્ડ બનાવ્યો હતો. કમનસીબે ગુજરાતની આ બે બે હેટ્રિક બાદ પણ ગુજરાતની ટીમનો પરાજય થયો હતો.છેલ્લી ઓવરમાં કેપ્ટન રાશિદ ખાને યશ દયાલને બોલિંગ કરવાનો ચાન્સ આપ્યો હતો. કોલકાતાની ટીમને 6 બોલમાં 29 રનની જરૂર હતી અને પ્રથમ બોલ પર માત્ર 1 રન થયો હતો જે ઉમેશ યાદવે નોંધાવ્યો હતો. ત્યાર પછી સ્ટેડિયમમાં અને ઘરે બેસીને મેચ જોનારાઓ ગુજરાતની જીતને ક્ધફર્મ સમજી ગયા હતા. પણ અહીંથી સ્ટ્રાઈક પર આવેલા રિંકુ સિંહે મેચનો નકશો બદલી નાખ્યો અને એક પછી એક સતત 5 સિક્સર ફટકારીને 30 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.
રિંકૂ સિંઘે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જબરદસ્ત છગ્ગા ફટકારીને મેચમાં વિજય જ નહીં પરંતુ પોઈન્ટ્સ ટેબલમાં જબરો ફાયદો કરાવ્યો છે. કોલકાતા હવે વધુ ઉપરના સ્થાન પર પહોંચ્યુ છે, જ્યારે ગુજરાતની ટીમ નિચે સરકી છે. ડબલ હેડર દિવસની બીજી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં હૈદરાબાદે જીત સાથે સિઝનમાં જીતનુ ખાતુ ખોલ્યુ હતુ.
ગુજરાતની ટીમને રવિવારે નંબર 1 સ્થાન પર પહોંચવાનો મોકો સર્જાયેલો હતો, પરંતુ રિંકુ સિંઘે સપનાઓ પર અંતિમ ઓવરમાં પાણી ફેરવી દીધુ હતુ. ગુજરાત ટાઈટન્સ આ મેચ પહેલા ત્રીજા સ્થાને હતુ. એક મેચમાં જીત સાથે જ ગુજરાત ટીમ ટોચના સ્થાને પહોચી શકી હોત. પરંતુ મોં એ આવેલો કોળીયો છીનવવા રુપ રવિવારને મેચ રિંકૂએ કોલકાતાને નામે કરાવી દીધી હતી. આ જીત સાથે રિંકૂ દુનિયાભરમાં ચર્ચાઓમાં છવાઈ ચૂક્યો છે.