કાઠી ક્ષત્રિય મોતી મહોત્સવ-1 ચલાળાથી શ્રી ગણેશ બાદ શરૂ થશે નવો અધ્યાય
ગુજરાતમાં મોતીકળાને પ્રદર્શિત કરતા કેટલાક મ્યુઝિયમો રહેલા છે. પરંતુ ઘણા કાઠી દરબારગઢોમાં પણ જૂનવાણી, મોતીમાંડના ઓરડાઓ કલા પ્રેમી માણસને નાચતો કરી દે એવી સુંદર રીતે ગોઠવાયેલા છે જેમાં જસદણ, બળધોઈ, કાતર, રેશમિયા, ભમોદરા વગેરે નામો ગણાવી શકાય. ત્યારે આવી મોતી કલાને ઉજાગર કરવા અને મોતી કલા અંગે માર્ગદર્શન અને પ્રોત્સાહન માટે અમરેલી જિલ્લાના ચલાલા ગામે એક કાઠી ક્ષત્રિય મોતી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતભરના 30 ગામના 35 ચુનંદા સર્જક બહેનો સહભાગી થશે.
કાઠી ક્ષત્રિય મોતી મહોત્સવ -1ના ચલાળા ખાતે શ્રી ગણેશ મંડાવાના છે. તાિ16 એપ્રિલ 2023ને રવિવારના રોજ અંશાવતાર પૂ.દાનબાપુની જગ્યામાં મહંત વલકુબાપુની નિશ્રામાં આ વિશિષ્ટ અને સંસ્કૃતિ દર્શક, સંસ્કૃતિ રક્ષક મોતી મહોત્સવ યોજાનાર છે. જેમાં 30 વિવિધ ગામોથી 35 ચુનંદા સર્જક બહેનો ભાગ લેવાના છે. જેમનું અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ તરફથી બહુમાન કરવામાં આવશે. આ મહોત્સવમાં સર્જક બહેનોને પોતાની આ કળા કેવી રીતે વિસ્તરે ફુલેફાલે એના અંગે વિસ્તૃત માહિતી તથા માર્ગદર્શન પણ મળનાર છે. ઘણી વખત સર્જક બહેનો આ વિષયની ઝીણીઝીણી તમામ બાબતો જાણતા ન હોય તેવી વાતો, રૂઢિ પરંપરાથી તેમને અવગત કરવામાં આવશે. જેમ કે મોતીના તોરણના પાન એકી સંખ્યામાં જ રાખવાના હોય, ગણેશ સ્થાપનમાં ગણેશજી ડાબી સૂંઢના જ બનાવવાના હોય છે. આ ઉપરાંત મોતીકળાના સર્જકોને પોતાના માર્ગમાં આવતા વિઘ્નોને દૂર કરવાનો નમ્ર પ્રયત્ન સમજણપૂર્વક કરવામાં આવશે.
આ એક મહોત્સવ સફળ થયા બાદ સમયાંતરે બીજા, ત્રીજા અને ચોથા મોતી મહોત્સવનું આયોજન બહેનો દ્વારા જ કરવામાં આવશે એવી આશા છે. આથી મોતી મહોત્સવને વધુ બળ મળે અને મોતી મહોત્સવમાં કસબી બહેનો વધુ જોડાય એના માટેના ખાસ પ્રયત્નો આગામી સમયમાં કરવામાં આવનાર છે. જેમ જેમ સમાજ મોતી મહોત્સવની અગત્યતા વધુ સમજતો થશે એમ એમ મોતી મહોત્સવને ઉચ્ચ કક્ષાએ મોટા આયોજનમાં લઈ જવાની આશા સેવવામાં આવી છે.
આ મહોત્સવમાં 30 ગામોમાંથી 35 ચુનંદા બહેનો જોડાનાર છે. આ બહેનો વેળાવદર, સુડાવડ, ચાણપા, મેવાસા, થાનગઢ, ખંપાળા, ખાટડી, દહીડા, રાજુલા, તુરખા, દેવરાજિયા, શેલણા, રાજકોટ, બોટાદ, છોટાઉદેપુર, ગોંડલ, વીરનગર, દેવગામ, મોટા આંકડિયા, ટીંબલા, લુંઘીયા, નાની ખોડીયાર, પીપળલગ, ભાડ વાંકિયા, ભુવા, ઉમરાળા, મોટા દડવા, બરવાળા ઘેલાશા,ચલાળા વગેરે ગામોમાંથી ઉપસ્થિત રહેનાર છે.
ઘર એટલે ધરતીનો છેડો એ ઘરને શણગારનાર બહેનો માટે એક અનેરા ઉત્સવનું આયોજકે આયોજન કરી તેમના 20 ઉદ્દેશો જાહેર કર્યા છે. આ મહોત્સવથી મોતીકળાને બળ મળશે અને આ દિશામાં બધા મોતી મહોત્સવના આયોજન બહેનો જ સંભાળે એવું પ્લેટફોર્મ તેમણે ઊભું કર્યું છે.