માધાપર ચોકડી બ્રિજનું કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે, તેવો તંત્રનો વાયદો ખોટો પડ્યો : હજુ બ્રિજ નિર્માણમાં મહિનાઓ વીતી જશે

રાજકોટના પ્રવેશદ્વાર એવા માધાપર ચોકડીએ પળોજણ ક્યારે પતશે? તેવો પ્રશ્ન સૌ કોઈ સૌરાષ્ટ્રવાસીઓને ઉદભવી રહ્યો છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે. રાજકોટના ટ્રાફિકનો પ્રશ્ન એ માત્ર રાજકોટના લોકો પૂરતો નથી. અહીં દરરોજ આવતા મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના લોકોને આ હાડમારી સહન કરવી પડે છે.

માધાપર ચોકડીએ રૂ. 70 કરોડના ખર્ચે  1200 મીટર લંબાઈના હાઈલેવલ બ્રિજનું કામ હાલ ચાલી રહ્યું છે. આ બ્રીજમાં કૂલ 24 પિયર છે. માધાપર ચોકડી મહત્વનો વિસ્તાર છે. અહીં ટ્રાફિક વ્યવસ્થા ખૂબ જરૂરી છે.જો કે માધાપર ચોકડી બ્રિજનું કામ એપ્રિલ સુધીમાં પૂર્ણ થઈ જશે, તેવો તંત્રએ અગાઉ અનેક વખત દાવો કર્યો છે પણ આ દાવો હવે ખોટો પડી રહ્યો છે. હજુ પણ આ બ્રીજને તૈયાર થવામાં મહિનાઓ વીતી જાય તેમ છે.અગાઉ રાજકોટના અન્ય એક પ્રવેશદ્વાર એવા ગોંડલ ચોકડી ખાતેના બ્રીજને તો તંત્ર દ્વારા ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે.

પરંતુ માધાપર ચોકડી ખાતેના બ્રીજને ક્યારે ખુલ્લો મુકાશે તે અંગે પ્રશ્નો સર્જાયા છે. હાલ માધાપર ચોકડી બ્રીજના નિર્માણની કામગીરી માટે અનેક ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. દરરોજ ટ્રાફિકના પ્રશ્નો સર્જાય છે.

અધૂરામાં પૂરું સાંઢીયા પુલના નિર્માણ માટે પણ મોટા વાહનોને તે રૂટમાં નો એન્ટ્રી આપી દેવામાં આવી છે. એટલે હજુ અમુક વર્ષો તો હાડમારી સહન કરવી જ પડશે તે નિશ્ચિત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.