સ્વ.રાજકુમારસિંહજી ક્રિપાલસિંહજી પરમાર મેમોરીયલ રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો જામ્યો રંગ
કાળો કોર્ટ પહેરીને દિવસ દરમિયાન ભારેખમ શબ્દો અને કાયદાકીય ભાષામાં દલીલો કરતાં વકીલોએ હવે બેટ અને બોલ પકડીને ચોગ્ગા – છગ્ગાની રમઝટ બોલાવી રહ્યા છે. રાજકોટ બાર એસોસિએશન અને વોઇસ ઓફ લોયર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે સ્વ. રાજકુમારસિંહજી ક્રિપાલસિંહજી પરમાર મેમોરીયલ આયોજિત રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ – 2023નું રાજકોટની ભાગોળે પરાપીપળીયા ગામ ખાતે ક્રિષ્ના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
ત્રિ દિવસય ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેમીફાઇનલ સહીત કુલ 15 મેચ અને અંતિમ ફાઇનલ મેચ રમાનાર છે. કુલ 15 ટીમો વચ્ચે ક્રિકેટનો મહાસંગ્રામ યોજાઈ રહ્યો છે. જેના પ્રથમ દિવસે કુલ 5 મેચ યોજાયા હતા. ટુર્નામેન્ટના પ્રારંભથી જ વકીલોમાં ભારે ઉત્સાહની હેલી જોવા મળી હતી. ટુર્નામેન્ટની ઓપનિંગ સેરેમનીમાં રાજકોટ-સૌરાષ્ટ્રના દિગ્ગજ ધારાશાસ્ત્રીઓ સહિતના વકીલો મોટી સંખ્યાના હાજર રહ્યા હતા.
ટુર્નામેન્ટના પ્રારંભે યોજાયેલી ઓપનિંગ સેરેમનીમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ યુ. ટી. દેસાઈ, એડિશનલ સેશન્સ જજ જે ડી સુથાર, એડિશનલ સેશન્સ જજ પ્રશાંત જૈન, એડિશનલ સેશન્સ જજ જે આઈ પટેલ, એડિશનલ સેશન્સ જજ બી બી જાદવ, એડિશનલ સેશન્સ જજ વી કે ભટ્ટ, રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ લલિતસિંહ શાહી સહીત સમગ્ર ટીમ તેમજ વિવિધ બાર એસોસિએશનના હોદેદારો, રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ પટેલ, હાઇકોર્ટના ધારાશાસ્ત્રી પ્રવીણભાઈ ગોંડલીયા, ક્ષત્રિય અગ્રણી પ્રવીણસિંહ સહિતના મહાનુભાવો તેમજ વકીલો હાજર રહ્યા હતા.
ટુર્નામેન્ટનો પ્રથમ મેચ એમ. એ. સી. પી. ઇલેવન અને ફ્રેન્ડસ એન્ડ બુલ ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં ફ્રેન્ડ્સ એન્ડ બુલ ઇલેવન 10 વિકેટે વિજેતા થઇ હતી. બીજો મેચ એલ. એસ. એફ. (બી) અને પ્રશાંત ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં પ્રશાંત ઇલેવન 22 રનથી વિજેતા થઇ હતી. ત્રીજો મેચ યંગ સ્ટાર ઇલેવન અને કલેકટર રેવન્યુ ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં કલેકટર રેવન્યુ 22 રને વિજેતા થઇ હતી. ચોથો મેચ કોર્ટ સ્ટાફ- રાજકોટ અને ટીમ ઇન્ડિયા ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં ટીમ ઇન્ડિયા ઇલેવને 10 વિકેટે ભવ્ય જીત મેળવી હતી. પ્રથમ દિવસનો અંતિમ મેચ રેવન્યુ બાર અને કેપ્ટન ઇલેવન વચ્ચે રમાયો હતો જેમાં રેવન્યુ બાર 37 રને વિજેતા થઇ હતી.
ત્રિ-દિવસય ક્રિકેટ ટુર્નામેન્ટ ‘અબતક’ના ડિજિટલ માધ્યમો પર જીવંત નિહાળી શકાશે
રાજકોટ બાર એસોસીએશન અને વોઇસ ઓફ લોયર્સ એસોસિએશન આયોજિત શ્રી રાજકુમારસિંહજી ક્રિપાલસિંહજી પરમાર મેમોરિયલ રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટના તમામ મેચો અબતકના ડિજિટલ માધ્યમો પર જીવંત નિહાળી શકાશે. ટુર્નામેન્ટના પ્રથમ દિવસે અબતકના માધ્યમ પર તમામ મેચનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું અને આ પ્રસારણના સૌરાષ્ટ્રભરના વકીલોએ તેમજ લોકોએ જીવંત નિહાળ્યું હતું.
આજે 9 ટીમો વચ્ચે ખરાખરીનો જંગ
આજે ટુર્નામેન્ટના બીજા દિવસે સાંજે 5:30 વાગ્યે પ્રથમ મેચ અને ટુર્નામેન્ટના છઠ્ઠા મેચમાં ગોંડલીયા ઇલેવન અને એડ્રોઈટ ઇલેવન વચ્ચે યોજાનાર છે. ત્યારબાદનો મેચ સબ રજીસ્ટ્રાર રેવન્યુ ઇલેવન અને અમીધારા ઇલેવન વચ્ચે રમાનાર છે. ત્યારબાદ એલ. એસ. એફ. ઇલેવન(એ), ફ્રેન્ડ્સ એન્ડ બુલ ઇલેવન વચ્ચે રમાનાર છે. ત્યારબાદ પ્રશાંત ઇલેવન અને કલેકટર રેવન્યુ વચ્ચે યોજાશે જયારે દિવસનો અંતિમ મેચ ટીમ ઇન્ડિયા ઇલેવન અને ટુર્નામેન્ટના છઠ્ઠા મેચમાં વિજેતા થનારી ટીમ વચ્ચે યોજાશે.
પાંચેય મેચના શ્રેષ્ઠ ખેલાડીઓને ટ્રોફી આપી સન્માનિત કરાયા
પ્રથમ દિવસે યોજાયેલા પાંચેય મેચના શ્રેષ્ઠ ખેલાડીઓને મેન ઓફ ધ મેચની ટ્રોફીથી નવાજવામાં આવ્યા હતા. પ્રથમ મેચમાંથી ફ્રેન્ડસ એન્ડ બુલના સાગર હપાણીને 3 ઓવરમાં ફકત 9 રન આપી 4 વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. જયારે બીજા મેચમાંથી પ્રશાંત ઇલેવનના તેજસ ખારચરીયાએ 2 ઓવરમાં 10 રન આપી 2 વિકેટ લેવા માટે મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. ત્રીજા મેચમાં કલેકટર રેવન્યુના પુષ્પરાજસિંહ ચૌહાણને ફકત 28 બોલમાં અડધી સદી ફાટકારવા બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે અંતિમ મેચમાં રેન્વ્યું બાર વતી 3 ઓવરમાં ફકત 10 રન આપી 6 વિકેટ લેવા બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.