જૂનાગઢ યાર્ડમાં કેસરની આવકમાં સતત વધારો પણ સ્વાદમાં મજા નથી
માવઠાના કારણે આ વર્ષે કેરી 15 દિવસ વહેલી બજારમાં આવી ગઈ છે, અને એકી સાથે મોટા પ્રમાણમાં કેરી માર્કેટમાં આવતા જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં કેરીના 10 કિલોના બોક્સ રૂપિયા 400 થી 800 માં હરાજીમાં બોલાતા સામાન્ય લોકો માટે આ વર્ષે આ સમયમાં કેરી સસ્તી થઈ ગઈ છે. જો કે સાનુકૂળ વાતાવરણમાં કેરીનો વિકાસ યોગ્ય ન થયો હોવાના કારણે માર્કેટમાં વેચાતી કેરીની ગુણવત્તા યોગ્ય ન હોય, કેરીનો અસલી સ્વાદ ન આવતો હોવાનું સ્વાદ રસિયાઓ જણાવી રહ્યા છે.
જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા પાંચેક દિવસથી કાચી અને પાકી કેરીની આવકમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. ગુરુવારે જૂનાગઢની માર્કેટિંગ યાર્ડમાં 260 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. જ્યારે ગઈકાલે 1 ક્વિન્ટલ આવક નોંધાઈ હતી અને જેના ભાવ 400 થી 1200 રૂપિયા રહેવા પામ્યા હતા. જ્યારે ગુરુવારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં પાકી કેરી એક ક્વિન્ટલ આવી હતી. અને ગઈકાલે શુક્રવારે 496 જેટલા બોક્સ માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતા અને તેના હરાજીના ભાવ 500 થી 1 હજાર રૂપિયા રહેવા પામ્યા હતા.
આમ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા બે દિવસમાં કેરીના ભાવ તળિયે રહેતા, પાકી કેરી રૂપિયા 50 થી 100 ના ભાવે વેચાઈ હતી. જ્યારે કાચી કેરીના 40 રૂપિયાથી 120 ભાવ રહેવા પામ્યા હતા. જે છેલ્લા ઘણા વર્ષોની સરખામણીએ ખૂબ ઓછા ભાવ છે. અને હજુ આગોતરી કેરી લગભગ પંદરેક દિવસ આવતી રહેશે, જેના કારણે કેરીના ભાવ ગત વર્ષ કરતાં આ સમયમાં ઓછા રહેશે.
જો કે સામાન્ય રીતે એપ્રિલ મહિનાના અંતમાં કેસર કેરીની આવક જોવા મળતી હોય છે, અને માર્ચ મહિનાના આકરા તાપ આંબે રહેલ ખાખડી માટે મહત્વના હોય છે અને આ સમયમાં ખાખડીનો વિકાસ તથા કેરી બનવાની પ્રક્રિયાઓ થાય છે, અને ફળ મોટું થવાની પ્રક્રિયા ચાલતી હોય છે. પરંતુ આ વર્ષે માવઠા અને વારંવાર વાતાવરણમાં આવેલા પલટાના કારણે આંબાવાડીયામાં ભારે તારાજી સર્જાઇ હતી અને કેરીમાં અનેક રોગોની સાથે ફળ ખરણની સમસ્યા જોવા મળી હતી. જેના કારણે આ વખતે કેરીની ખેતી કરતાં ખેડૂતોએ વહેલા કેરીના ઉતારા કરવાનું આયોજન કર્યું હોવાની અને તે સાથે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવા પામ્યો હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે
જુનાગઢ માર્કેટિંગ યાર્ડના વેપારીઓના જણાવ્યા અનુસાર, દર વર્ષની સરખામણીએ આ વર્ષે આ સમયમાં 25 થી 30 હજાર જેટલા કેરીના બોક્સની આવક છેલ્લા થોડા દિવસોથી નોંધાઈ રહી છે અને 10 કિલો પાકી કેરીના ભાવ 500 થી 1 હજાર રૂપિયા જેટલા બોલાઈ રહ્યા છે તથા 400 થી 1200 રૂપિયા કાચી કેરીના બોલાવી રહ્યા છે. જેના કારણે છેલ્લા ઘણા વર્ષોની સરખામણીએ આ વર્ષે આ સમયે કેરીના ભાવ ખૂબ તળીયે ચાલી રહ્યા છે. અને હજુ આગોતરી ઉતારી લેવાયેલ કેરીની આવક લગભગ અઠવાડિયા થી 15 દિવસ સુધી રહેશે જેના કારણે કેરીના ભાવ આ સમયમાં લગભગ 500 થી 1 હજાર 1 બોક્સના રહેશે.
જો કે, વિસાવદર તાલુકાના ગીર પંથકના ગામો અને વંથલી તાલુકાના ગામોમાં વરસાદે તારાજી સર્જાયા બાદ સોરઠના અમુક આંબાવાડીઓમાં બાદમાં મોર આવ્યા હતા અને આ મોર ઉપર હાલમાં ખાખડી બાદ કેરીના ફળની વિકાસની પ્રક્રિયા ચાલી રહી છે. આમ આ વર્ષે કેરીની સીઝન હવે જો બીજો કોઈ વાતાવરણમાં પલટો નહિ આવે તો, લાંબી ચાલશે અને પાછોતરી કેરીના ભાવ ઉચકાશે તેવું વેપારીઓ જણાવી રહ્યા છે.
બીજી બાજુ વરસાદના કારણે બાગનો ઈજારો રાખનાર ઇજારાદારો અને ખેડૂતો આ વર્ષે કેરીનું ઉત્પાદન ગુણવત્તા લાયક ન હોવાથી કેરીના ભાવ મળશે કે નહીં ? તેની અસમજસામાં અટવાયા છે.