રંગનું મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને રંગો સાથે જોડી અભ્યાસ કરે છે, તેનો ઉપયોગ મોટી મોટી કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કરે છે, મનોવિજ્ઞાન ભવને રંગોને લઇ જુદા જુદા તારણો બહાર પાડ્યા
આપણી આસપાસ ઘણા રંગો હોય છે પરંતુ તેમાંથી આપણને કોઈ એક ખાસ રંગ વધારે પસંદ હોય છે. આ પસંદગીનો રંગ આપણા કપડાથી લઈને આસપાસની ઘણી બધી વસ્તુઓમાં જોવા મળતો હોય છે. આ રંગોની પસંદગી વ્યક્તિની સાયકોલોજી વિશે ઘણું બધું કહે છે. રંગનું મનોવિજ્ઞાન વ્યક્તિના વર્તનને રંગો સાથે જોડી અભ્યાસ કરે છે. તેનો ઉપયોગ મોટી મોટી કંપનીઓ પણ ગ્રાહકોને આકર્ષિત કરવા માટે કરે છે.
લાલ રંગ
લાલ રંગને સૌથી વધારે આકર્ષિત રંગ માનવામાં આવે છે. આ રંગ તરત જ લોકોનું ધ્યાન તેમના તરફ આકર્ષિત કરે છે. જો લાલ રંગ વધારે પસંદ હોય તો એ તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધું દર્શાવે છે. આ સંબંધો માં વ્યક્તિના વર્તન વિશે પણ ઘણું દર્શાવે છે. જેમને લાલ રંગ પસંદ હોય તેઓને નવા રિસ્ક લેવા પણ પસંદ હોય છે. લાલ રંગ પેશન અને ખતરો બંને દર્શાવે છે. આ જ બે ગુણો આ રંગ પસંદ કરનાર વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ જોવા મળે છે. આવા લોકો નવા પ્રયોગો કરવાનું પસંદ કરતા હોય છે અને તેના માટે કોઈપણ ખતરામાં પડવા પણ તૈયાર હોય છે. જોકે તેના કારણે તેઓ ઘણી વખત મુશ્કેલીમાં પણ પડી જતા હોય છે. પરંતુ કંઈ મેળવવા માટેની તેમની પ્રબળ ઈચ્છા / પેશન તેમને મુશ્કેલી માંથી બહાર લાવવામાં પણ મદદ કરે છે અને સફળતા અપાવે છે.લાલ રંગ પ્રેમ, જનુન અને ઈચ્છા સાથે જોડાયેલ છે. એક અભ્યાસમાં એ પણ જોવા મળ્યું હતું કે, લાલ કપડા, લિપસ્ટિક અને નેઇલ પોલિશ કરનાર સ્ત્રીઓ વિજાતીય આકર્ષણ સારું કરી શકે છે.
વાદળી રંગ
જે વ્યક્તિને વાદળી રંગ પસંદ હોય તેવો ખૂબ ઊંડા વિચાર કરનારા હોય છે. તેઓ દરેક બાબતો વિશ્લેષણ કરવાનું પસંદ કરતા હોય છે. આ રંગ પસંદ કરતા લોકો દરેક બાબતને તર્ક સાથે જોડીને જુએ છે. આવી વ્યક્તિ ઉત્સાહી, સહાનુભૂતિશીલ, વાતચીત કરનાર, દયાળુ, આદર્શવાદી, નિષ્ઠાવાન અને કલ્પનાશીલ હોય છે. તેઓ પોતાની અને તેમની આસપાસના લોકોની કાળજી રાખવાનું વલણ ધરાવે છે. તેઓ સંબંધો સારી રીતે સાચવી શકે છે. તેઓ અન્યની વાત શાંતિથી સાંભળી શકે છે અને શાંતિથી પ્રતિક્રિયા આપવાનું પસંદ કરે છે. તેઓ અન્ય લોકોની લાગણી ને તેમજ વાતને મહત્વ આપે છે. તેઓમાં સ્વમૂલ્યનો ગુણ હોય છે તેમજ તેઓ પોતાની સિદ્ધિઓને ઓળખી શકવા સક્ષમ હોય છે. તેઓ વિશ્વાસપાત્ર હોય છે. આવી વ્યક્તિ અન્યને માર્ગદર્શન તેમજ નવી તકો આપવાનું પસંદ કરે છે.વાદળી રંગ પસંદ કરનાર વ્યક્તિને એક જ કામ લાંબો સમય કરવામાં મુશ્કેલી લાગે છે. તેઓ પોતાનું કાર્ય ઝીણવટ ભર્યું, વિશ્લેષણાત્મક તેમજ વ્યવસ્થિત કરવાનું પસંદ કરે છે. તેઓમાં લોકો વચ્ચે સમાધાન કરાવવાનું સારો ગુણ હોય છે. તેઓ પોતાના કાર્યનો આનંદ સારી રીતે માણી શકે છે તેમજ પોતાના વિચારોને વધારે લોકો સુધી પહોંચાડવા તેઓ પ્રયત્ન કરતા હોય છે.
લીલો રંગ
લીલો રંગ પસંદ કરનાર લોકોનું વ્યક્તિત્વ ઘણું અલગ હોય છે. તેઓ તણાવ મુક્ત અને શાંત રહે દરેક બાબતને ધીરજ સાથે જોઈ શકે છે. કોઈપણ બાબતને જોવાનો તેમનો દ્રષ્ટિકોણ બધા કરતા અલગ હોય છે. તેઓનું દૃષ્ટિ કોણ સકારાત્મક જોવા મળે છે. આ રંગ પસંદ કરતા લોકો માં ગુસ્સા નું પ્રમાણ ઓછું જોવા મળે છે.લીલો રંગ પસંદ કરતી વ્યક્તિમાં પ્રકૃતિ પ્રેમ વધારે જોવા મળે છે. તેઓ ડાઉન ટુ અર્થ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ સ્થિર રહી પરિસ્થિતિમાં સંતુલન લાવી શકે છે. તેઓ લાગણીશીલ હોવાથી ક્યારેક બેચેન બની જાય છે.લીલો રંગ પસંદ કરનાર વ્યક્તિ સમાજમાં સારી રીતે તાલમેલ સાધી શકે છે. દરેક સામાજિક પરિસ્થિતિમાં તેઓ સમાયોજન સાધી શકે છે. તેઓને સમાજના લોકો સાથે મળવાનું પસંદ હોય છે. તેઓના નૈતિક ધોરણો ઉચ્ચ હોય છે અને યોગ્ય રીતે કાર્ય થાય તેને મહત્વ આપે છે. આવી વ્યક્તિ સમાજમાં લોકો સાથે સારી રીતે હળી મળી શકે છે અને લોકોને સમજવામાં પણ સક્ષમ હોય છે અને આ જ કારણે ઘણી વખત સમાજ દ્વારા તેમની પ્રસંશા પણ કરવામાં આવતી હોય છે. તેઓ વફાદારી પૂર્વક તેમજ વિશ્વાસ પૂર્ણ મિત્ર બની શકવા સક્ષમ હોય છે.લીલો રંગ પસંદ કરતી વ્યક્તિ એક ઉત્તમ કાઉન્સેલર, મનોવૈજ્ઞાનિક, સામાજિક કાર્યકર બની શકે છે કારણ કે તેઓમાં સહાનુભૂતિ, સ્પષ્ટતા, વિશ્લેષણ કરવાની ક્ષમતા, શાંતિથી સાંભળવાની ક્ષમતા અને દરેક પાસાને જોઈને નિર્ણય લેવાની ક્ષમતા વધારે હોય છે. તેઓ પોતાની જાતને અન્યોની જગ્યા પર મૂકીને તેમને સમજવાનો પ્રયત્ન કરે છે.
પીળો રંગ
પીળો રંગ પસંદ કરતા લોકોની સાથે અન્ય લોકોને હળવા મળવાનું પસંદ પડે છે. આવી વ્યક્તિ કે મિલનસાર અને સારી કલ્પનાશક્તિ ધરાવતી હોય છે. તેઓ ઉત્સાહી અને સકારાત્મક હોય છે. આવી વ્યક્તિ ઊંડા તેમજ ધારદાર વિચારો ધરાવે છે અને તેમના વિચારોને કોઈ દબાવી રાખે તે તેમને પસંદ નથી. પીળો રંગ પસંદ કરતી વ્યક્તિનું વ્યક્તિત્વ તેજસ્વી અને ખુશાલ હોય છે તેઓ મૈત્રી પૂર્ણ હોય છે પરંતુ તેઓ નાના જૂથમાં રહેવાનું વધારે પસંદ કરે છે. તેઓનું વ્યક્તિત્વ રમુજી હોય છે અને સર્જનાત્મક શક્તિ તેમનામાં સારી હોય છે. તેઓની સર્જનાત્મક શક્તિ દ્વારા તેઓ નવા વિચારો સૂચવી શકે છે. પીળો રંગ પસંદ કરતી વ્યક્તિ આશાવાદી હોય છે પરંતુ તેમની પાસે વિશ્લેષણાત્મક વિચારસરણીનું સ્તર નીચું હોય છે. તેઓ નિર્દોષ વ્યક્તિત્વ ધરાવે છે. તેઓમાં વાતચીત કરવાની કળા સારી હોય છે અને તેના દ્વારા તેઓ વધારે લોકો ને પોતાની તરફ આકર્ષિત કરી શકે છે.
કાળો રંગ
કાળો રંગ પસંદ કરનાર વ્યક્તિના વ્યક્તિત્વ વિશે અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. તેઓ અન્યની પસંદ અને પ્રતિષ્ઠાને સ્વીકારી શકે છે. તેઓ કયા સમયે શું કરશે તેનો અંદાજ લગાવવો ખૂબ અઘરો હોય છે. આ રંગ પસંદ કરનાર વ્યક્તિ ઝડપથી ગુસ્સે થઈ શકે છે. કાળો રંગ પસંદ કરનાર વ્યક્તિ રૂઢિચુસ્ત હોય છે. તેઓમાં અહંકારનું પ્રમાણ વધારે જોવા મળે છે. તેઓ સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તેઓને અન્ય સાથે કોઈ બાબતો વહેંચવાનું પસંદ પડતું નથી. તેવું મોટાભાગે સત્તા મેળવવા માટેના પ્રયત્નો કરતા હોય છે. તેઓ ઘણી વખત તેમની લાગણીને કારણે અનિયંત્રિત વર્તન કરી બેસે છે. કાળો રંગ પસંદ કરનાર વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષિત પરંતુ લોકોમાં આભા બનાવે તેવું હોય છે. તેઓ પોતાની ઈચ્છા પ્રત્યે ખૂબ જ સજાગ હોય છે અને સતત પ્રયત્નશીલ હોય છે. તેઓ અડગ રહી કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકે છે. આવી વ્યક્તિ ખુશહાલ, બહિર્મુખી તેમજ વધારે લોકોની સાથે હળી મળી શકે છે. તેઓ સાહસિક હોય છે અને ભૂલો કરતા ડરતા નથી.