હજારો માઇ ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ જુકાવ્યું
ચામુંડા માતાજીના મંદિરે ચૈત્રી પૂનમ નિમિત્તે ભક્તોનું અભૂતપૂર્વક ઘોડાપૂર ઉમટી પડ્યું. ચૈત્રી પૂનમ વર્ષમાં આવતી સૌથી મોટી પૂનમ હોવાથી તેનું મહત્વ અનેરૂ હોય છે. ચૈત્રી પૂનમમાં હજારો માઇ ભક્તો પગપાળા ચાલીને માતાજીના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવે છે. તે ઉપરાંત ચોટીલા ડુંગર ટ્રસ્ટ તેમજ અનેક ગ્રુપો દ્વારા સેવા કેમ્પ ખોલીને આવનાર તમામ યાત્રિકો માટે પ્રસાદરૂપી ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે. પોલીસ જવાનોનો મસ મોટો કાફલો ખડકી દેવાયો છે.
ચૈત્રી પૂનમ હોવાથી ચોટીલામાં બિરાજમાન માં ચામુંડાના ડુંગર પર લાખોની સંખ્યામાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. અને ચોટીલા ચામુંડા માતાજીના ડુંગરે અભૂતપૂર્વ માનવ મહેરામણ સાથે શ્રદ્ધાળુઓ આસ્થાભેર દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે ચોટીલા ચામુંડા માના દર્શનાર્થે આવતા યાત્રિકો સાથે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડીવાયએસપી સહિત 10 અધિકારીઓ તેમજ 200 પોલીસ જવાનોનો મસ મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
માતાજી ના નારાઓથી હાઇવે ગુંજી ઉઠ્યો:
અત્રે ઉલ્લેખનીય છે કે ચૈત્રી નવરાત્રી અથવા શારદીય નવરાત્રી તેમજ ચૈત્રી પૂનમ ઉપર દેશભરમાંથી શ્રદ્ધાળુઓ પદયાત્રીઓ માતાજીના રથો તેમજ હાથમાં ધજાઓ સાથે જય માતાજીના નારાઓ થી ચોટીલા હાઈવે ગુંજી ઊઠે છે. તેમજ ભક્તો મોટી સંખ્યામાં માતાજીના મંદિર ખાતે ઉમટી પડતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ત્યારે ચોટીલા ખાતે ચૈત્રી પૂનમ નિમિત્તે પ્રાંત તેમજ મામલતદાર કચેરીના અધિકારીઓ તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સેવા કેમ્પની મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુલાકાત લીધી હતી.
ચોટીલામાં ચૈત્રી પૂનમ નિમિત્તે ચામુંડાના દરબારમાં પગપાળા સંઘ સમગ્ર ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી બે દિવસ અગાઉ પહોંચ્યા હતા. ચોટીલા હાઇવે પર ભક્તોની આરામ જમવા અને ચા પાણી નાસ્તા માટે 24 કલાક માટે કેમ્પો ખોલીને ચાલીને આવનારા લોકો માટે અનેક ગ્રુપના મંડળે લોકોની સેવામાં જોતરાઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ચોટીલા ચામુંડા માતાજીના ડુંગર પર માતાજીનો જય નાદ ગુંજી ઉઠ્યો હતો. જ્યારે ચૈત્રી પૂનમે બે લાખથી વધુ શ્રદ્ધાળુ દર્શનનો લ્હાવો માણવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.