જ્યાં ફ્લૂ જેવો જ ખતરો છે ત્યાં કોવિડ રોગચાળો આ વર્ષે સ્થિર થઇ શકશે: 2025 સુધીમાં વૈશ્વિક કટોકટીનો અંત થઇ શકશે: ભારતે માતા અને બાળકોના મૃત્યુંદરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે
નેશનલ હેલ્થ પ્રોફાઇલ ઇન્ડિયા મુજબ ભારતના 28 રાજ્યો પૈકી 11 રાજ્યો જ WHO ની સ્ટાન્ડર્ડ ડોક્ટર વસ્તીના રેશીયાને પૂર્ણ કરે છે: આપણો દેશ બિન-સંચારી રોગોના ભારે બોજનો સામનો કરી રહ્યો છે, જે દેશમાં થતાં તમામ મૃત્યુના 66 ટકા ગણાય છે
વિશ્વ આરોગ્ય દિવસ એચ.આઇ.વી./એઇડ્સ, ટીબી, મેલેરીયા જેવી મહાબીમારીઓ માટે જાગૃત કરવાનો છે: આ વર્ષની ઉજવણી થીમ ‘બધા માટે સ્વાસ્થ્ય’ પસંદ કરી છે
આજે વિશ્વ આરોગ્ય દિવસ છે ત્યારે પવર્તમાન વૈશ્વિક રોગચાળા વચ્ચે સૌના માટે આરોગ્ય અને તે પણ અસમાનતા વગરની વાત વિશ્વ આરોગ્ય સંસ્થા કરી રહી છે, વિશ્વના બધા દેશો માટે નિદાન, ટેસ્ટીંગ, સારવાર, ટ્રીટમેન્ટ બાબતે એક જ માર્ગદર્શિકા જાહેર કરીને WHO સુંદર કાર્ય કરી રહ્યું છે. કોવિડ-19ના વૈશ્વિક રોગચાળા બાદ વાયરસના વિવિધ વેરીએન્ટને કારણે આવતી વિવિધ સમસ્યા વચ્ચે આ 2023નું વર્ષ થોડી રાહતવાળું પ્રારંભથી જ જોવા મળે છે. વિશ્વમાં પ્લેક, સાર્સ, એન્થ્રેક્સ, જીકા, ઓમીક્રોન, સ્વાઇન ફ્લૂ, બર્ડ ફ્લૂ, HIV/AIDS, એચ-1 એન-1 સાથે હાલમાં H3N2 જેવા વિવિધ વાયરસો આવી ગયા છે ને હજી પણ નવા-નવા વેરિયન્ટ આવતાં જ રહેશે ત્યારે પૃથ્વીવાસીઓએ તેની સાથે જીવતા શીખી લેવું પડશે.
1950થી ઉજવાતો આ વર્લ્ડ હેલ્થ ડે ઉજવણીને આજે 72 વર્ષ પૂર્ણ થયા તો વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપનાને 75 વર્ષ થયા છે ત્યારે ગ્લોબલ વોર્મિંગ, પ્રદૂષણ, બદલાતી જીવનશૈલી વચ્ચે ઘણા બધા રોગોને માનવજાતે સામેથી આમંત્રણ આપેલ છે. અત્યારે જ્યાં સ્વાઇન ફ્લૂ જેવો ખતરો છે ત્યાં કોવિડ-19નો રોગચાળો સ્થિર રહી શકશે તેવું નિષ્ણાંતો કહે છે, અને આ સમસ્યાને પણ 2025 સુધીમાં અંત આવવાની આશાઓ રાખવામાં આવશે. આપણાં દેશો માતા-બાળકોના મૃત્યુદરમાં નોંધપાત્ર સુધારો કર્યો છે, પણ હજી દેશના ઘણા બધા લોકો સુધી આપણે આરોગ્ય સેવા પહોંચાડી શકતા નથી.
દેશના કુલ રાજ્યો પૈકી એક ડઝન રાજ્યો જ WHOની સ્ટાન્ડર્ડ ડોક્ટર વસ્તીના રેશીયાને પૂર્ણ કરે છે. આપણા જ દેશ બિન-સંચારી રોગોનો સામનો કરી રહ્યો છે ત્યારે આર્થિક બોજનો સામનો પણ કરવો પડે છે. આજે મેડીકલ શોધ-સંશોધનોને કારણે અને અદ્યતન મેડિકલ સાધનોની મદદથી નિદાન-સારવારમાં પ્રગતિ કરી હોવા છતા, હજી અસાધ્ય રોગો બાબતે આપણે ઘણું કરવાની જરૂર છે.
હાલ વિશ્વની પાંચ મુખ્ય સ્વાસ્થ્ય સમસ્યામાં બિનચેપી રોગો, ચેપી રોગો, માતા-બાળ આરોગ્ય, પર્યાવરણીય જોખમોને સાર્વત્રિક આરોગ્ય સમસ્યાને મુખ્ય ગણવામાં આવે છે. આ વર્ષની થીમમાં પણ “સૌને માટે આરોગ્ય” ઉપર સમગ્ર વર્ષ દરમ્યાન ફોક્સ રહેશે. આટલી પ્રગતિ કરી હોવા છતાં 21મી સદીમાં પણ વિશ્વના 30 ટકા લોકો એવા છે જ્યાં આરોગ્ય સેવા આપણે પહોંચાડી શક્યા નથી. આજના યુગમાં સ્વસ્થ રહેવા માટે પૂરતી ઊંઘ, તણાવમુક્ત જીવન, સંતુલિત આહાર, વ્યાયામ અને સમયસર નિદાન જેવી બાબતે સૌએ જાગૃત રહેવાની જરૂર છે.
સારો ખોરાક સારૂ લોહી બનાવે તે સારૂ લોહી સારૂ હિમોગ્લોબીન આપે, જેનાથી સારી પ્રતિકારક શક્તિ મળતાં રોગો સામે તમારૂ શરીર લડી શકે છે. માનસિક સ્વાસ્થ્ય પણ ખૂબ જ જરૂરી છે. હેલ્થ જ આજના યુગમાં સાચી વેલ્થ (સંપતિ) ગણાય છે. તમારી તબિયત સારી હશે તો જ તમે સુંદર દેખાય શકો છો. સ્વસ્થ રહેવાનો અર્થ જ શારિરીક, ભાવનાત્મક અને સામાજીક છે, નિરોગી રહેવું ખૂબ જ જરૂરી છે. સ્વસ્થ શરીર એક આર્શિવાદ ગણાય છે. તમે દવા નથી લેતા તેનો મતલબ તમે માંદા નથી તેવો થતો નથી. પૃથ્વીના વિવિધ ખંડોમાં આરોગ્ય સેવા સુધરી રહી છે.
WHO ને 75 વર્ષ થયા ત્યારે વર્ષો પહેલાની પ્લેગની બિમારીને આજના કોરોના મહામારી વચ્ચેના સફળતાના ગાળાને જોવાની જરૂર છે. મેડીકલ સંશોધકો દિવસ-રાત મહેનત કરીને રોગને કંટ્રોલ માટે રસી બનાવતા હોય છે ત્યારે આપણે આપણને રોગ જ ન થાય તેવી જીવનશૈલી કે સાવચેતી કેમ નથી રાખતાએ પ્રશ્ર્ન છે. આજે સૌને ગુણવત્તાયુક્ત અને સસ્તી આરોગ્ય સેવા મળે એ જરૂરી છે. આપણાં દેશે આરોગ્યના તમામ માપદંડોમાં સારી પ્રગતિ કરી છે. આપણે શીતળા, પોલિયો, રક્તપિત્ત જેવી સમસ્યાને નાબૂદ કરી શક્યા છીએ. આપણાં રસીકરણ કાર્યક્રમની વૈશ્વિકસ્તરે સરાહના થઇ છે.
વિશ્વના તમામ ધર્મો તંદુરસ્ત શરીર અને તંદુરસ્ત મનના મહત્વ પર ભાર મુકે છે. આરોગ્ય એટલે જ માનવીની સંપૂર્ણ માનસિક, સામાજીક અને ભાવનાત્મક સુખાકારીની સ્થિતિ છે. કેટલાય દેશોમાં નાગરીકોને બંધારણીય સ્વાસ્થ્યના અધિકારો આપવામાં આવ્યા છે. આબોહવા પરિવર્તનને કારણે થતી વિવિધ બિમારી બાબતે પણ હવે જાગૃત થવાની જરૂર છે. વૈશ્વિકસ્તરની આરોગ્ય સમસ્યા આપણને એક કરે છે. લોકોની એકંદર આરોગ્ય અને સુખાકારી સારી હોય તો દેશ ઝડપથી પ્રગતિ કરી શકે છે. આજે બધાએ તંદુરસ્ત જીવનશૈલી પ્રોત્સાહન આપવું જરૂરી છે, બાકી વાયરસો અને તેના વેરિયન્ટો, જીવાણું, બેક્ટેરીયા જેવું નવું-નવું હવે આવ્યા જ કરશે એમાં જેની રોગપ્રતિકારક શક્તિ સારી હશે તે જ ટકી શકશે.
“પહેલું સુખ તે…. જાતે નર્યા”
તંદુરસ્ત રહેવા અપનાવો આ પાંચ વસ્તુઓ
- સંતુલિત આહાર
- વ્યાયામ કે નાની-મોટી કસરતો
- સમયસર નિદાન-તપાસને સારવાર
- તણાવ મુક્તિ
- પૂરતી ઊંઘ
આ છે, વિશ્વની પાંચ સ્વાસ્થ્ય સમસ્યાઓ
આજે વિશ્વ આરોગ્ય દિવસ છે ત્યારે વૈશ્વિકસ્તરની મુખ્ય પાંચ સમસ્યાઓ પર વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય કાર્ય કરીને વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં બિનચેપી રોગો, ચેપી રોગો, માતા અને બાળ આરોગ્ય, પર્યાવરણી જોખમો, સાર્વત્રિક આરોગ્ય સમસ્યાને મુખ્ય ગણવામાં આવી છે.
એચ.આઇ.વી./એઇડ્સ માટે તેની જુદી પાંખ ‘યુએન એઇડ્સ’ કાર્યરત છે. વિશ્વની કુલ વસ્તીના 30 ટકા લોકો સુધી આવશ્યક આરોગ્ય સેવા-ઉપયોગ હજી પહોંચી નથી. વિશ્વસ્તરના લગભગ એક કરોડ લોકો તેના પારિવારિક બજેટના 10 ટકા ખર્ચ સ્વાસ્થ્ય સેવા પાછળ કરતાં ગરીબ બનવાના જોખમ ઉપર છે. કોવિડ-19 રોગચાળાને કારણે વિશ્વના ઘણા દેશોના અર્થતંત્રને અસર થઇ છે.