ટ્રકમાં જેક લગાવી ટાયરની ચોરી કરી પંચરનું કામ કરતા શખ્સને વેચી દેતા :કુલ રૂ.૨ લાખનો મુદ્દામાલ કર્યો કબજે
રાજકોટમાં ટ્રકના જેક લગાવી ટાયર ની ચોરી કરતી ગેંગના તનસાગ્રિતોને ભક્તિનગર પોલીસે પકડી પાડી તેની પાસેથી કુલ રૂપિયા બે લાખનો મુદ્દા માલ કબજે કર્યો જેમાં આરોપીએ કબુલાત આપી હતી કે તેઓ રિક્ષા લઈ મોડી રાત્રે અલગ-અલગ વિસ્તારોમાં જઈ પાર્ક ટ્રકમાં જેક લગાવી ટાયરો ચોરી પંચર નું કામકાજ કરતા એક શખ્સને વેચી દેતા હતા.
વિગતો મુજબ શહેરમાં ટ્રકમાં જેક લગાવી તેના ટાયરની ચોરી કરતી ગેંગનો એક સાગરીત રિક્ષામાં ટાયર ભરી અટીકા ફાટક પાસેથી જતો હોવાની બાતમી ભક્તિનગર પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી રિક્ષામાં જતા ઉમેદ ઉર્ફે પીન્ટુ યુનુશભાઈ ખાટરીયા (ઉ.વ.૨૮ ૨હે.ત્રિમૂર્તી ચોક, ભગવતીપરા), રમઝાન ઉર્ફે રમઝુ હુશેનભાઈ મલેક (ઉ.વ.૩૫ રહે. પરસોતમ પાર્ક, ભગવતીપરા મેઈન રોડ)ની ધરપકડ કરી હતી.જેમાં પોલીસે તેની પૂછપરછ કરતા બંનેએ બે માસ પહેલા લાલબહાદુર સોસાયટી પાસે ખુલ્લા પ્લોટમાં પાર્ક ટ્રકમાં જેક લગાવી ટાયરનો જોટો ચોરી કરી હોય તે પૈકીનું એક ટાયર હોવાની કેફીયત આપી હતી.
વધુ પૂછપરછ કરાતા બંને આરોપીએ છેલ્લા છ માસમાં પુનીતનગર, ગાંધીગ્રામ વિસ્તાર,મોરબી જકાતનાકા, માનસરોવર, એસ.ટી. વર્કશોપ નજીક સહિતના વિસ્તારોમાં પાર્ક ટ્રકના ટાયરોની ચોરી કરી અમદાવાદ રાજકોટ હાઈવે રોડ પર નવાગામ પુલ પાસે પંચરનું કામ કરતાં ચાંદ રયાઝુદીન કાદરી (ઉ.વ.૧૯ રહે. નવગામ છપ્પનીયુ શેરી નં.૪)ને વેચી દેતા હોવાની કબૂલાત આપતા પોલીસે બંનેની ધરપકડ કર્યા બાદ ચાંદ કાદરીને પણ ઝડપી લીધો હતો. તેની દુકાન પાસે જઈ તપાસ કરતા અન્ય ૯ ટાયર અને શંકાસ્પદ વ્હીલપ્લેટ મળી આવતા પોલીસે રિક્ષા, ટાયરો, જેક પાના મળી કુલ રૂા.૨,૦૭,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે તપાસમાં જાણવા મળ્યું હતું કે, આરોપી ઉમેદ અગાઉ જુગારના બે ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે . તે રમઝાન સાથે મોડી રાત્રે રિક્ષા લઈ અલગ અલગ વિસ્તારોમાં પાર્ક કરેલ નવા જેવા ગણાતા ટ્રકના ટાયર જેક ચડાવી ચોરી કરી રિક્ષામાં લઈ જઈ આરોપી ચાંદને વેચી દેતા હતા.