વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થાય એ પહેલા જ નોકરી મેળવવા બદલ સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગિરીશભાઈ ભીમાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓનું મહત્તમ પ્લેસમેન્ટ થાય અને વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ થાય એ દિશામાં કાર્ય કરી રહી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કેન્દ્રસ્થાને હંમેશા વિદ્યાર્થીઓ રહેલા છે. શ્રેષ્ઠ શિક્ષણ થકી રાષ્ટ્રનો વિકાસ એ સૂત્રને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાર્થક કરી રહ્યા છે. શિક્ષણની સાથે સાથે સંશોધનમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અગ્રેસર છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ.બી.એ. ભવન ખાતે સેમેસ્ટર- 4 માં અભ્યાસ કરતા કુલ-62 વિદ્યાર્થીઓનું ગુજરાતની જુદી જુદી કમ્પનીઓમાં ભવનના પ્લેસમેન્ટ સેલ દ્વારા વાર્ષિક રૂપિયા 2,50,000 થી 6,00,000 સુધીના પેકેજમાં તેઓ અભ્યાસ પૂર્ણ કરે તે પહેલાજ પ્લેસમેન્ટ થયેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ નોકરી મેળવવા બદલ એમ.બી.એ. ભવનના બધા જ વિદ્યાર્થીઓ તથા એમ.બી.એ. ભવનના અધ્યક્ષ ડો. સંજયભાઈ ભાયાણી તથા સમગ્ર પ્રાધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતા.
ભવનના અધ્યક્ષ ડો. સંજયભાઈ ભાયાણી એ જણાવ્યું હતું કે એમ.બી.એ. ભવનમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ એ ભવિષ્યમાં પોતાની કંપની બનાવી રોજગારીની તકો ઉભી કરે અને રાષ્ટ્ર સેવામાં પોતાનું યોગદાન આપે એ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે.