સૌરાષ્ટ્રભરમાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ શુઘ્ધ સાત્વિક ભોજન પામી અમીનો ઓડકાર લે છે
ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ .ગિરિશચંદ્રજી સ્વામીનાં સુશિષ્ય ગુજરાત રત્ન પૂ. સુશાંતમુનિ મહારાજ સાહેબ એવં મહામંત્ર પ્રભાવક પૂજ્ય જગદીશમુનિ મહારાજ સાહેબનાં સુશિષ્ય સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી સમસ્ત જૈન સમાજના જનકલ્યાણઅર્થે રાજકોટ શહેર મધ્યે જૈન ભોજનાલય નો પ્રારંભ તારીખ 5/2/2023 ના રોજ સેન્ટ્રલ બસ સ્ટેન્ડમાં ઉપર બીજા માળે કરવામાં આવ્યો. જેને બે મહિનાનો સમય વ્યતિત થયો. સમગ્ર જૈન સમાજના અતૂટ વિશ્વાસ અને સાથ સહકારથી 15,000થી વધુ જૈન શ્રાવક, શ્રાવિકાઓએ બે મહિનામાં જૈન ભોજનાલયમાં ભોજનનો લાભ લીધો.
સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી મોટું જૈન ભોજનલય અનેક સૌરાષ્ટ્ર, હાલાર, સોરઠ, ગોહિલવાડ, ભાલકાંઠા, ઝાલાવાડ, કચ્છ આદિ પંથકોના પથિકો જે રાજકોટ શહેરમાં આવે ત્યારે તે જૈન શ્રાવક, શ્રાવિકાઓ શુદ્ધ સાત્વિક ભોજન પામી અમીનો ઓડકાર લે છે.
ભગવાન મહાવીરે નવ પુણ્યમાં પ્રથમ અન્ન પુણ્ય બતાવ્યું છે. રાજકોટ શહેરમાં અનેક સાધારણ જરૂરિયાતવાળા જૈન સાધર્મિક પરિવારો તેમજ રાજકોટની આસપાસના અનેક નાના-નાના ગામડાઓમાંથી કોઈને કોઈ કારણથી વારંવાર રાજકોટ આવતા જતા જૈન સાધર્મિકોને કંદમૂળ રહિત શુદ્ધ સાત્વિક જૈન ભોજન વ્યવસ્થિત પામે છે. અન્નં બ્રહ્મ-અન્ન જ ભગવાન છે આવા ભાવ સાથે ભોજન સઆદર ભક્તિ ભાવથી કરાવી માત્ર સાધર્મિક ભક્તિ અપાવે મુક્તિની વાતો જ ન કરી નકકર કાર્ય કરી સમાજને નવો રાહ ચિંધવાનો આ એક ભવ્ય અને નવ્ય અમારો પ્રયાસ સફળ રહ્યો છે. ટિફિન કે જમવાનું માત્ર દસ રૂપિયામાં આપવામાં આવે છે. વર્તમાન સમયે રોજ 300 આસપાસની સંખ્યા થવાથી જૈન ભોજનાલયની જગ્યા સ્થાન નાનું પડે છે.
માત્ર 10 રૂપિયામાં શુદ્ધ સાત્વિક જૈન પદ્ધતિથી બનેલું ભોજન આ માજા મુક્તિ મોંઘવારીના સમયમાં આપવું અતિ મુશ્કેલ હોવા છતાં દાતા પરિવારોના સાથ સહયોગ સહકારથી સરળ બની રહ્યું છે. દાતા પરિવારો વિશેષ રૂપે આ માનવતાના મહારથી કાર્યને આગળ ચલાવવા સહયોગી બને તેવી અપીલ ટ્રસ્ટી ગણે કરેલી છે..
ટ્રસ્ટીગણ પ્રવિણભાઇ કોઠારી, અશોકભાઈ કોઠારી, મયુરભાઈ શાહ, હિતેશભાઈ મહેતા, ડો. પારસભાઈ શાહ, શૈલેષભાઈ માઉં, અજયભાઈ ભીમાણી, અમિષભાઈ દોશી, મનિષભાઇ કામાણી, મેહુલભાઈ રવાણી, મિલનભાઈ કોઠારી, જયભાઈ ખારા, અજીતભાઈ જૈન, વિશ્વાસભાઈ મહેતાએ જણાવ્યું હતું કે સાચી જરૂરિયાતવાળા માનવ માત્ર સુધી પહોંચવાનો અમારો પ્રયત્ન છે. આગળ પણ અન્ય યોજનાઓ અમલમાં મૂકવાની અમારી ભાવના છે. ખૂબ જ જહેમત ઉઠાવી રહ્યા છે.
તેમજ હિતેશભાઈ દોશી, હિતેશભાઈ મણિયાર, જે.બી મહેતા આદિ વિશેષ રૂપે સેવા ભાવથી સેવા પ્રદાન કરી સમગ્ર કાર્યને સફળ બનાવી રહ્યા છે.
ટ્રસ્ટીગણ પર જૈન જૈનેત્તર સમાજ દ્વારા દેશ -વિદેશથી ચોમેર સેવાકાર્ય માટે અભિનંદન વર્ષા થઇ રહી છે. તારીખ 9/4/2023 નાં કાલાવડ મુકામે સદગુરુદેવ પારસમુનિ મહારાજ સાહેબ નાં સાનિધ્યમાં ટ્રસ્ટીગણે તાત્કાલિક સેવા કાર્ય ને વિશેષ ઊંચાઈ પર લઈ જવા અને માનવમાત્ર સુધી પહોંચવા માટે મિટિંગ બોલાવી. રાજકોટમાં કોઈ ભૂખ્યા ઉઠે પણ ભૂખ્યા સૂવે નહીં તેવું કાર્ય કરવાની ટ્રસ્ટીગણની નેમ છે.
પણ તે માટે હવે ટ્રસ્ટીગણ મોટા વિશાળ સ્થાનની વિચારણા કરી રહ્યું છે. તેમજ મોટું વિશાળ સ્થાન પ્રાપ્ત થાય તો જ ત્યાં માનવ માત્ર માટે જૈન ભોજનાલયમાં 10 રૂપિયામાં જમવાનું આપવાનો પ્રારંભ કરવાનો પણ ટ્રસ્ટીગણનો નિર્ધાર છે. રાજકોટ શહેર મધ્યે મહિલા કોલેજથી બસ સ્ટેન્ડ સુધીમાં કોઈ પાસે વિશાળ જગ્યા હોય અને તેઓ દાન સ્વરૂપે આપવા ભાવ ધરાવતા હોય જ્યાં હજારો લોકો રોજ તેમની આંતરડી ઠારી મીઠો ઓડકાર પામે તેનું મહા પુણ્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તે શૈલેષભાઇ માઉં મો. નં. 91 99797 68000 પર સંપર્ક કરી શકે છે.
પૂજ્ય ગુરુદેવ કે પૂજ્ય ગુરૂણીમૈયાનાં જન્મદિન/દીક્ષાદિન કે પુણ્યતિથિ નિમિત્તે તથા આપશ્રી કે આપનાં પરિવારનાં સભ્યોનાં જન્મદિન નિમિત્તે કે લગ્નદિન તથા પરિવારજનો કે વડીલોની પુણ્યતિથિ નિમિત્તે જૈન ભોજનાલય ને અવશ્ય યાદ કરશો. દાન આપવા ઈચ્છુક હોય તેઓ 100 રૂપિયાનું એક ટિફિનનાં ગુણાંકથી દાનરાશિ અર્પણ કરી શકે છે.દાન રાશિ આપવા ઈચ્છુક ને 80જી અંતર્ગત કર રાહત મળશે.