આઝાદી પહેલા અને આઝાદી પછી શિક્ષણ ક્ષેત્રે ઘણા શિક્ષણ પંચ,કમિશન અને શિક્ષણ નીતિઓ અમલમાં આવી.શિક્ષણ ક્ષેત્રે જેટલા પ્રયોગો અથવા તો અખતરા થયા છે,એટલા ભાગ્યે જ બીજા અન્ય ક્ષેત્રે થયા હશે.શિક્ષણ ક્ષેત્ર જ્યારે વિદ્યાર્થીના જીવન અને કારકિર્દીને સ્પર્શે છે,ત્યારે તેમાં અવનવા સુધાર થવા જોઈએ,પ્રયોગો થાય તે આવકાર્ય છે.ઘણા સુધારાઓ અથવા યોજનાઓ એટલી બધી આવશ્યક અને ઉપકારક હોય છે કે એ યોજનાઓ ચાલુ રહે તો વિદ્યાર્થીઓના અભ્યાસમાં ઘણા બધા ફાયદાઓ કરાવે.
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020નો અમલ કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કૃતનિશ્ચયી હોય એવું જોવા મળે છે.મોટે ભાગે જૂન 2023થી અમલ કરવા માટેના આયોજન થઈ રહ્યા છે.આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ઘણી બધી પોલિસીઓ મૂકવામાં આવી છે.શિક્ષણની પેટર્નમાં પણ ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યો છે.આ બધી બાબતો ખૂબ આવકાર્ય છે.તેમ છતાં બે બાબતો સૌથી વધારે સ્પર્શે છે.તે છે ’ભાર વિનાનું ભણતર’ અને ’ધાર્મિક શિક્ષણ.’ વિદ્યાર્થીના દફતરનો ભાર ઘટાડવાની વાત ઉપર વધુ ધ્યાન આપવું અને શ્રીમદ્ ભગવત ગીતાના અધ્યાય આધારિત સિલેબસ બનાવી ધોરણ છ થી બારના અભ્યાસક્રમમાં સમાવેશ કરવો.
કોઈપણ યોજના કે પોલીસીને સફળતા ત્યારે જ મળે કે એ પોલિસીને જ્યાં લાગુ પાડવાની છે,ત્યાં બધા પક્ષકારો પોતાનો સક્રિય રોલ અદા કરે.જાણીતા શિક્ષણ શાસ્ત્રી જહોન ડ્યુઈ એવું કહી ગયા છે કે,’શિક્ષણ એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે.વિદ્યાર્થી, શિક્ષક અને સમાજ.’જોકે વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા આપણે એવું ચોક્કસ જોઈ રહ્યા છીએ કે,આ શિક્ષણની પ્રક્રિયા ત્રિધ્રુવીય નહીં,પરંતુ ચતુર્ધ્રુવીય છે.એટલા માટે કે શિક્ષક,વિદ્યાર્થી,સમાજ અને સરકાર એમ ચાર પક્ષકારોની અહમ ભૂમિકા રહેવા પામે છે.
અત્યારે આપણે બીજા પાસાઓની ચર્ચા કરવાના નથી,પરંતુ ભાર વિનાના ભણતરની વાત કરવા જઈ રહ્યા છીએ.ખાસ કરીને અપર પ્રાથમિક વિભાગ અર્થાત ધોરણ છ થી આઠમાં ભાર વિનાના ભણતરની સંકલ્પના દાખલ કરવાની વાત છે.આ યોજના અન્વયે દરેક મહિનાના પ્રથમ 10 દિવસ વિદ્યાર્થીએ દફતર વગર સ્કૂલે આવવાનું રહેશે.’નો બેગ ડે’ આ દસ દિવસમાં વિદ્યાર્થીઓને શાળામાં પાઠ્યક્રમ આધારિત શિક્ષણ કરાવવાને બદલે પ્રવૃત્તિલક્ષી શિક્ષણ કરાવવાનું રહેશે.પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એ એક પ્રકારનું એવું શિક્ષણ છે,જેમાં બાળકો પ્રવૃત્તિઓ દ્વારા તેમની પોતાની ગતિએ શીખે છે.બાળકોને રસ પડે તેવી આકર્ષક પદ્ધતિ છે.
આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સંકલન,મન અને શારીરિક કૌશલ્ય તેમજ સામાજિક કૌશલ્ય જેવા કૌશલ્યોનો વિકાસ થાય છે.પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ બાળકોને મનોરંજક અભિગમ પૂરો પાડે છે.બાળકોના મગજના વિકાસને વેગ આપે છે.આ પ્રવૃત્તિમાં માટી કામ,બાગ કામ,સુથારી-લુહારી,દરજી કામ જેવા કામની આવડત અને તેના અનુભવો કરાવવાના રહેશે.આવી મનગમતી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને આનંદ સાથે નવા કૌશલ્યોનો અનુભવ થશે.સાથે સાથે આ યોજના અન્વયે સંગ્રહાલયો,સ્મારકો કે કોઈ ધાર્મિક સ્થળોની મુલાકાત પણ કરાવવાની રહેશે.આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં હાથ-પગ, હૃદય અને મગજની કેળવણી મળે તે આશય રાખવામાં આવ્યો છે.
જેને ત્રણ ’ઇં’ ની કેળવણી કહેવામાં આવે છે.સ્વાતંત્ર્યોત્તર કાળમાં બુનિયાદી શિક્ષણની સંકલ્પના અન્વયે વિદ્યાર્થીઓને પાઠ્યક્રમના અભ્યાસ સાથે સાથે ભરત,ગુંથણ અને કાંતણ જેવી પ્રવૃત્તિઓ ઉદ્યોગ વિષયના નામે કરાવવામાં આવતી જ હતી.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પુન: આ બુનિયાદી શિક્ષણનો વિચાર સક્રીય થઈ રહ્યો હોય,એવું દેખાઈ રહ્યું છે.દસ દિવસ સુધી ’બેગ લેસ ડે’ અર્થાત દફતર વગર વિદ્યાર્થીએ શાળામાં આવવાનું રહેશે.
વિદ્યાર્થીના દફ્તરનો ભાર વધી રહ્યો છે,ત્યારે વિદ્યાર્થીઓને તો ખૂબ મજા પડી જવાની છે,કારણ કે વિદ્યાર્થીઓ દફતરથી દૂર ભાગે છે.તેમાં વળી આ દફતર વગર શાળાએ બોલાવીને મનોવૈજ્ઞાનિક રીતે મૂલ્યશિક્ષણ-જીવન ઉપયોગી શિક્ષણ આપવાનો અભિગમ છે,ત્યારે આપણે આશા રાખીએ કે આ પોલીસી ખૂબ જ સફળ થાય.
ભારતમાં મફત,સાર્વત્રિક અને ફરજિયાત શિક્ષણ માટેના બાળકોના અધિકાર 2009ના અધિનિયમની કલમ 29 અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં એવો નિર્દેશ કરવામાં આવ્યો છે કે,વિદ્યાર્થીઓના દફતરનું વજન ઘટાડવું જોઈએ.ભારે સ્કૂલબેગ વિદ્યાર્થીઓના આરોગ્યને હાનિકર્તા છે.ગંભીર ખતરા સમાન છે.બાળકોની કરોડરજ્જુ અને ઘૂંટણને નુકસાન પહોંચાડી શકે છે.આજે મોટાભાગની શાળાઓ બહુમાળી ઇમારતોમાં ચાલે છે,ત્યારે બાળકોને ભારે દફ્તર સાથે સીડીઓ ચઢવી પડે છે.બાળકોને ગરદન,ખભા અને ઘૂંટણના દુખાવા થઈ જાય છે.ભાર વગરના ભણતરની ચર્ચા ઘણા વર્ષોથી ચાલે છે.વિદ્યાર્થીઓના દફતરનું વજન કેટલું રાખવું જોઈએ એ ચિંતાનો વિષય બની ગયો છે.
મનોવૈજ્ઞાનિક રીતે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે,બાળકના વજનના 10% જેટલું વિદ્યાર્થીના દફતરનું વજન હોવું જોઈએ.અર્થાત જો વિદ્યાર્થીનો વજન 18 કિલો હોય તો તેના દફતરનો વજન 1.8 કિલા જેટલો હોવો જોઈએ.દિલ્હી સરકારે શિક્ષણ સુધારણા બાબતે પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થી માટે દફતરનું વજન ઘટાડવા જાન્યુઆરી 2021 થી ’સ્કુલ બેગ પોલિસી’ અમલમાં મૂકી છે.જેમાં વિવિધ ધોરણના વિદ્યાર્થીઓ માટે સ્કૂલબેગનું વજન કેટલું હોવું જોઈએ એ નક્કી કરવામાં આવ્યું છે.
જેમ યુએસએ અને યુકેમાં ધોરણ એક થી દસ વચ્ચેના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેગનું વજન તેમના શરીરના વજનના 10%થી વધુ ન હોવાની પોલિસી અમલમાં છે,એમ દિલ્હી સરકારે પણ વિદ્યાર્થીના વર્ગની સામે દફતરની વજન મર્યાદા પણ નક્કી કરી છે.જેમાં ધોરણ એક અને બે ના વિદ્યાર્થીના બેગનું વજન 1.6 થી 2.2 કિલો હોવું જોઈએ કારણ કે તે ધોરણના બાળકના શરીરનું વજન સરેરાશ 16 થી 22 કિલોગ્રામ જેટલું હોય છે.ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીનું અપેક્ષિત વજન 17 થી 25 જેટલું હોય છે.આથી ધોરણ ત્રણથી પાંચના વિદ્યાર્થીના દફતરનું વજન 1.7 થી 2.5 કિલોગ્રામ હોવું જોઈએ.
ધોરણ છ અને સાતમા વિદ્યાર્થીઓનું અપેક્ષિત વજન 20 થી 30 કિલોગ્રામ જેટલું હોવાથી તેમની બેગનું વજન બે થી ત્રણ કિલોગ્રામ હોવું જોઈએ.જ્યારે ધોરણ આઠના વિદ્યાર્થીઓની બેગનું વજન તેમના અપેક્ષિત વજન 25 થી 40 કિલો ગ્રામ સંદર્ભે 2.5 થી 4 કિલો ગ્રામ હોવું જોઈએ.ધોરણ 9 અને 10 માં અંદાજિત 25 થી 45 કિલો વજન ધરાવતા વિદ્યાર્થીઓની બેગનું વજન 2.5 થી 4.5 કિલોગ્રામ જેટલું હોવું જોઈએ.ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓની બેગનું વજન 3.5 થી 5 કિલો ગ્રામ જેટલું હોવું જોઈએ.કારણ કે આ વયના બાળકોનું સરેરાશ વજન 35 થી 50 કિલો જેટલું હોય છે.
આપણા દેશમાં રાજસ્થાન, ઓરિસ્સા, મણીપુર, મધ્યપ્રદેશ, કર્ણાટક અને ચંદીગઢની સરકારોએ વર્ષ 2019-20 થી અઠવાડિયામાં એક દિવસ ’નો બેગ ડે’ અર્થાત્ ’દફતર વગરનો દિવસ’ ની વ્યવસ્થા શાળામાં અમલમાં મૂકેલી છે.તાજેતરમાં તમામ કેન્દ્રીય વિદ્યાલયોમાં પણ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.
જો કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અન્વયે ધોરણ છથી આઠના વિધાર્થીઓ માટે ’બેગ લેસ ડે’ની યોજના અમલમાં આવી જ રહી છે,ત્યારે ધોરણ છથી આઠના વિધાર્થીઓ માટે હવે વિદ્યાર્થીના વજનની સરખામણીમાં દફતરનું વજન નક્કી કરવાની ઝંઝટ નહીં રહે.પરંતુ ધોરણ નવથી બારના વિધાર્થીઓ માટે તો વિચારવું જ રહ્યું! આશા રાખીએ કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સર્વાંગ સંપૂર્ણ સફળ થાય.વિધાર્થી અને વાલીને મુંઝવતા પ્રશ્નનું કાયમી નિરાકરણ થાય.