ભૂકંપનું કેન્દ્ર બિંદુ વિગાના દરિયા કિનારા નજીક: સુનામીની કોઈ આશંકા નહિ
ફિલિપાઇન્સમાં વિગાના દરિયાકિનારે મંગળવારે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તેમ યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરએ જાહેર કર્યું છે. વધુમાં ભૂકંપનું કેન્દ્ર વિગાથી લગભગ 120 કિમી પૂર્વમાં અને 45 કિમીની ઊંડાઇએ હોવાનું જણાવાયું છે.
રેડ ક્રોસના અધિકારી એમજે ઓક્સમેરે મસ્બેટ શહેરમાંથી ટેલિફોન દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે પહેલો આંચકો ખરેખર ખૂબ જ જોરદાર હતો. મળતી માહિતી મુજબ ફિલિપાઈન્સમાં ઘણા ઘરોમાં તિરાડો જોવા મળી રહી છે. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. વાસ્તવિક નુકસાનનો અંદાજ નથી. આ પહેલા માર્ચ મહિનામાં ફિલિપાઈન્સમાં 6 રિક્ટર સ્કેલનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.
આંદામાન- નિકોબારમાં 4.6ની તીવ્રતાનો આંચકો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર મંગળવારે રાતે આંદામાન અને નિકોબાર ટાપુઓના 140 કિમી ઇસ્ટ નોર્થ ઇસ્ટ તરફ,પોર્ટ બ્લેરમાં રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ રાત્રે લગભગ 10.47 કલાકે આવ્યો હતો. જો કે હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર મળ્યા નથી. અગાઉ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, 1 એપ્રિલના રોજ રાત્રે 11:56 વાગ્યે પોર્ટ બ્લેર, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હતો.