વડોદરાના ફતેહપુર ગરનાળા પાસે પણ રામનવમી નિમિતે શોભાયાત્રા દરમિયાન અગાઉથી જ કાવતરૂં ઘડીને ઉભેલા ટોળાએ શોભાયાત્રા પર પથ્થરમારો કરતા કોમી તંગદીલી ફેલાઇ હતી. હિન્દુઓ અને મુસ્લિમોના ટોળા આમને-સામને ઘાતક હથિયાર વડે આવી જતા પોલીસે વિફરેલા ટોળાને કાબૂમાં લાવવા માટે લાઠીચાર્જ કર્યો હતો ત્યારે હનુમાન જયંતી નિમિતે વડોદરામાં પોલીસ સતર્ક બની છે.
હનુમાન જયંતિને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વડોદરામાં પોલીસ વધુ સતર્ક બની છે. કોઈ અઘટિત ઘટના ન ઘટે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં ક્રાઈમ બ્રાન્ચ ડ્રોન કેમેરાથી નિરિક્ષણ કર્યું હતું. ધાબા પર પથ્થર કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ તો નથીને તે બાબતે ચેકિંગ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતીની શોભાયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે તે રૂટ અને રામનવમીના દિવસે જે વિસ્તારોમાંથી પથ્થર મારો થયો હતો તે વિસ્તારમાં ડ્રોન દ્વારા સર્વે, સર્ચ એન્ડ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.
ગૃહ રાજ્યમંત્રીએ ગઈ કાલે યોજી હતી પ્રેસ કોન્ફરન્સ
વડોદરામાં ફતેહપુર વિસ્તારમાં ગરનાળા પાસે રામનવમી નિમિતે થયેલા શોભાયાત્રા પર પથ્થરમારાને લઈને ગૃહમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે શોભાયાત્રા પર પથ્થરમારો કરી રાજ્યની શાંતિને પલિતો ચાપનારાઓને છોડવામાં નહીં આવે. શોભાયાત્રા પર પથ્થર મારો કરી રાજ્યની બહાર નાસી છૂટેલા તોફાની તત્વોને પણ ઝડપી પાડી કડક કાર્યવાહી કરવામાં આવશે તે ઉપરાંત અફવા ફેલાનારાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરશે તેવું ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. તો બીજી તરફ વડોદરામાં પોલીસ કમિશનર રજૂઆત બાદ વધુ એક એડિશનલ કમિશનરની પોસ્ટ ઊભી કરવામાં આવી છે.