કેન્દ્રીય મંત્રીની મુલાકાતની પૂર્વ સંધ્યાએ કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની વિશાળ મૂર્તિનું કરાશે અનાવરણ એક સાથે 10 હજારથી વધુ લોકો ભોજન લઈ શકે તેવા રાજ્યના પ્રથમ આધુનિક ભોજનાલયને ખુલ્લું મુકાશે
કેન્દ્રીય ગૃહમંત્રી મિત શાહ ગુરુવારે ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં એક સાથે 10 હજારથી વધુ લોકો ભોજન લઈ શકે તેવા રાજ્યના પ્રથમ આધુનિક ભોજનાલયનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. આની પૂર્વ સંધ્યાએ કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટની વિશાળ મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ 6 એપ્રિલે ગુજરાતની મુલાકાતે આવશે તેવું જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે, ભાજપના સ્થાપના દિવસે અમિત શાહ ગુજરાત આવવાના હોઇ તેઓ સાળંગપુર અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપશે . આ સાથે અમદાવાદમાં મનપા, જિલ્લાના અધિકારી, હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ સાથે અમિત શાહ પોતાના સંસદીય વિસ્તારના વિકાસ કાર્યોની સમીક્ષા કરશે.
અમિત શાહ સાળંગપુરમાં અનેક વાર પરિવાર સાથે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે જતા હોય છે. ત્યારે તેઓ 6 એપ્રિલે ફરી ગુજરાત આવવાના છે. આ મુલાકાત વખતે તેઓ સાળંગપુર મંદિર જશે અને ત્યાં સાળંગપૂરમાં હનુમાન દાદાના દર્શન કરશે. સાથે જ સાળંગપુરમાં કાર્યકરો સાથે બેઠક કરે તેવી પણ સંભાવના છે.
સાળંગપુરને હવે કિંગ ઓફ સાળંગપુરના નામથી ઓળખાશે. વિગતો મુજબ 5 એપ્રિલના રોજ 54 ફૂટની વિરાટ હનુમાનજી દાદાની મૂર્તિનું અનાવરણ કરાશે.હનુમાનજી દાદાની 54 ફૂટની આ મૂર્તિ કુલ 135000 સ્કવેર ફૂટ એરિયામાં મુકવામાં આવી છે અને આ મૂર્તિ નો 30 હજાર કિલો વજન છે. આ મૂર્તિ વેધર પ્રુફ અને ભૂકંપ પ્રુફ છે. આ સાથે આશરે 7 કિલોમીટર દૂરથી આ મૂર્તિના લોકો દર્શન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે.
મહોત્સવ અંતર્ગત તા.05 એપ્રિલ 2023ને બુધવારના રોજ સાંજે 4:30 કલાકે 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ કિંગ ઓફ સાળંગપુર-દિવ્ય અનાવરણ પૂ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા ધામોધામથી પધારેલ સંતોના સાનિધ્યમાં કરવામાં આવશે તેમજ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ દ્રારા હનુમાનજી મહારાજનું પૂજન કરવામાં આવશે. રાત્રે 9:00 કલાકે મ્યુઝિક લાઇવ કોન્સર્ટ એવં લોકડાયરો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં આદિત્ય ગઢવી લોકગાયક તથા નિર્મળદાન ગઢવી સાહિત્યકાર દ્વારા કિંગ ઓફ સાળંગપુરના પ્રાંગણમાં જમાવટ કરશે.ત્યારબાદ બીજા દિવસે 6 એપ્રિલે ગુજરાતનું પ્રથમ નંબરનું એક સાથે 10 હજારથી લોકો ભોજન લઈ શકે તેવું આધુનિક ભોજનાલયનું હનુમાન જયંતિના દિવસે દેશના ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન થશે.
ઉલ્લેખનીય છે કે ભાજપના 43માં સ્થાપના દિવસે અમદાવાદમાં પણ 6 એપ્રિલે યોજાનારા કાર્યક્રમમાં અમિત શાહ હાજર રહેશે.
અમદાવાદમાં તેઓ ભાજપના કાર્યકરો અને આગેવાનો સાથે બેઠક કરવાના છે. નોંધનિય છે કે, ગુજરાત ભાજપ દ્વારા 6 એપ્રિલથી 14 એપ્રિલ સુધી સેવા સપ્તાહ ઉજવાવાનો છે.