અજાણ્યો શખ્સ છેલ્લા 10 વર્ષથી હેરાનગતિ કરતો હોવાનો મહિલાઓનો આક્ષેપ

જસદણમાં મહિલાઓએ ક્યારેય સાંભળ્યો ન હોય અને ક્યારેય આવું વિચાર્યું ન હોય તેવો ચોંકાવનારો એક શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં જસદણના ચિતલીયા રોડ પર આવેલ ઉમિયાનગર વિસ્તારમાં રહેતી 200 જેટલી મહિલાઓને બદનામ કરવા માટે તેમના રહેણાંક મકાનમાં અવારનવાર એક અજાણ્યા માનસિક વિકૃત શખ્સ દ્વારા છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ચલણી નોટોમાં અને કાગળમાં અતિ બીભત્સ શબ્દો લખેલી ચિઠ્ઠીઓ નાંખી હેરાનપરેશાન કરતો હોવાની વિસ્તારની મહિલાઓ અને પુરૂષો દ્વારા જસદણ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.

આ શરમજનક કિસ્સા અંગે આજદિન સુધી વિસ્તારની મહિલાઓ પોતાની બદનામી થવાના ડરથી કોઈને કહેતી ન હતી. પરંતુ એક અજાણ્યા વિકૃત માનસિકતા ધરાવતા શખ્સે પોતાની હદ વટાવી દેતા મહિલાઓ ભારે મુંજવણમાં મુકાઈ ગઈ હતી.

જેથી ઉમિયાનગર વિસ્તારના આગેવાન બીપીનભાઈ નાકરાણી, ભરતભાઈ ભાલાળા, નીકુલભાઈ રામાણી, પરેશભાઈ શેખલીયા, રવીન્દ્રભાઈ છાયાણી અને જયદીપભાઈ રામાણી સહિતના આગેવાનોએ માનસિક વિકૃત માણસના ત્રાસથી કંટાળી જઈ તે વિસ્તારના નગરસેવક નરેશભાઈ ચોહલીયાને આ શરમજનક બાબત અંગે જાણ કરતા નગરસેવ સમસમી ઉઠયા હતા અને આ અજાણ્યા વિકૃત માણસથી છૂટકારો અપાવવા રજૂઆત કરી હતી. જેથી ઉપરોક્ત તમામ આગેવાનોએ મહિલાઓની સહીવાળી તૈયાર કરેલી લેખિત રજૂઆત જસદણ પોલીસ સ્ટેશને આપતા પોલીસ પણ આ શરમજનક કિસ્સો સાંભળીને અને પુરાવાઓ જોઈને ચોંકી ઉઠી હતી. હાલ આ બનાવમાં જસદણ પોલીસે તે વિસ્તારની મહિલાઓની રજૂઆતના પગલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.