ગંજીવાડામાં દારૂ પીવા બાબતે ટપારતા યુવાનને માર માર્યો
શહેરમાં આવેલા ઘંટેશ્વર 25 વારીયામાં ઉછીના આપેલા રૂ.500ની ઉઘરાણી કરવા ગયેલી પરિણીતા પર મહિલા સહિત ત્રણ શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઘંટેશ્વર 25 વારીયામાં રહેતી તેજલબેન વિપુલભાઈ વડજોડીયા નામની 25 વર્ષની પરિણીતાએ ભાનુબેનને 500 રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. જે રૂપિયાની ઉઘરાણી કરતા તેજલબેન વડજોડીયા ઉપર ભાનુબેન અને કલ્પેશ સહિતના શખ્સોએ હુમલો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં ગંજીવાડામાં રહેતા વજુભાઈ માયાભાઇ સોલંકી નામના 42 વર્ષના યુવાને રાત્રિના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે દારૂ પિતા શખ્સોને દારૂ પીવાની ના પાડતા જીગર ચાવડા અને ભરત સહિતના શખ્સોએ વજુભાઈ સોલંકીને માર માર્યો હતો. યુવાનને ઇજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.