ખનીજ માફીયાઓ પર સ્ટેટ મોનીટરીંગ સેલની સર્જીકલ સ્ટ્રાઈક અવિરત
મીઠી નજર હેઠળ ચાલતાં ખનીજ ખનન ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનું મોનીટરીંગ: 20 શખ્સોની શોધખોળ
રાજકોટ જીલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. ત્યારે તે ખનીજ માફિયા ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જેમાં તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ એટલે કે પડધરી પંથકમાંથી ખનિજ ચોરીનું મસમોટુ કૌભાંડ પકડી પાડયા બાદ ગઈકાલે રાત્રે મોરબી જિલ્લાના હળવદ પંથકમાંથી ખનિજ ચોરીનું મોટું કૌભાંડ પકડી પાડી રૂા.12.63 કરોડના મુદ્દામાલ સાથે 30 આરોપીઓની ધરપકડ કરી છે. જયારે 20 આરોપીઓના નામ ખુલતા તમામ સામે નામ જોગ ગુનો નોંધી તેને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે પોલીસને અંધારામાં રાખી જ એસ એમ સી એ ખનીજ માફિયાઓ ઉપર કાર્યવાહી કરતા અને ચર્ચાઓ થઈ રહી છે.
વિગતો અનુસાર એસએમસીના ડીવાયએસપી કે.ટી.કામરીયાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ સી.એન.પરમારે ગઈકાલે રાત્રે સ્ટાફના સાથે હળવદના વાટાવદર મયુરનગર ગામમાં આવેલી બ્રહ્માણી નદીના પટ્ટમાં દરોડો પાડી ત્યાંથી રેતી ચોરીનું કૌભાંડ પકડી પાડયું હતું. સ્થળ પરથી જીતેન્દ્રસિંહ હિમતસિંહ પરમાર સહિત 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
સ્થળ પરથી 12 હીટાચી મશીન(રૂા.4.80 કરોડ), 82.130 ટન રેતી (રૂા.2.79 કરોડ), 13 ડમ્પર ટ્રક(રૂા.3.90 કરોડ), હીટાચી મશીન લેવા મુકવા માટે ઉપયોગમાં લેવાતા હળવદનાં માનસર ગામે કારનાં બે ટ્રક(રૂા.5 લાખ), 1 ટ્રેકટર લોર્ડર (રૂા.3 લાખ), 1 ટ્રેકટર ટ્રોલી(રૂા.3 લાખ), 33 મોબાઈલ ફોન (રૂા. 1.51 લાખ), 7 બાઈક(રૂા.2.10 લાખ) મળી કુલ રૂા.12.63 કરોડનો મુદ્દામાલ એસએમસીએ જપ્ત કર્યો હતો.ઝડપાયેલા 30 આરોપીઓની પુછપરછમાં 20 આરોપીઓના નામ ખુલ્યા હતા. જેમને એસએમસીએ હળવદ પોલીસ મથકમાં નોંધાવેલા ગુનામાં વોન્ટેડ દર્શાવી તેની શોધખોળ હાથધરી છે.
આ આરોપીઓમાં મુખ્ય સુત્રધાર ગણાવાયેલા સુનિલ કોળી, જેઠા વણજારા, જગો ઉર્ફે ઠુઠો ભરવાડ (રહે. ત્રણેય હળવદ), સંદિપ ડાંગર (રહે. મયુરનગર), ઉદય આહિર (રહે. મોરબી), લાલો આહિર ઉર્ફે બી.કે.કરશનભાઈ (રહે. મયુરનગર), પરેશ પટેલ(રહે. અણીયારી, મો2બી) અક્ષર ચતુરભાઈ (રહે. મીયાણી, હળવદ) નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બોલેરો, બાઈક, હીટાચી મશીન, ટ્રેકટર, લોર્ડર, ડમ્પર વગેરેના ચાલક મળી કુલ 20 આરોપીઓને એસએમસીએ વોન્ટેડ દર્શાવી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક સપ્તાહમાં સ્ટેટ મોનિટરિંગ સેલે ખનીજ માફિયા ઉપર બીજો દરોડો પાડતા ખનીજ માફીઓ માં ફફડાટ મચી જવા પામી છે.જ્યારે એસએમસીના દરોડા બાદ હળવદ પોલીસમાં પણ કાર્યવાહી થઈ શકે તેવી હાલ ચર્ચાઓ થઈ રહી છે.
હળવદના સુંદરીભવાની ગામની સીમમાં ખનીજ ચોરી કરતા બે શખ્સો સામે કાર્યવાહી
સ્ટેટ મોનીટરીંગ સેલની ખનીજ ચોરી અંગેની કાર્યવાહીના પગલે સ્થાનીક તંત્ર દોડતું થયું
મોરબી જિલ્લાના દરેક વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે. અને ખાણ ખનીજ વિભાગના અધીકારીઓ પણ સતત આંખ આડા કાન કરી રહ્યા છે અને ગત રાત્રીના સ્ટેટ વિજીલન્સની ટીમ હળવદ પંથકમાં ત્રાટકીને કરોડોનો મુદામાલ જપ્ત કર્યો છે ત્યાર બાદ મોરબી ખાણ ખનીજ વિભાગ દ્વારા ખનિજ ચોરી કરતા ઈસમો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી અનુસાર, ખાણ ખનીજ વિભાગ મોરબીએ સુંદરીભવાની નજીક ફાયર ક્લેની દોઢ લાખ મેટ્રિક ટનથી વધુની ખનીજ ચોરી મામલે બે શખ્સ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત તા.24/03/2023 ના રોજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સુંદરીભવાની ગામની સીમમા આવેલ સર્વે નંબર-252 કહાર્ટે રેઇડ કરી હતી અને જમીનમા અલગ-અલગ ત્રણ જગ્યાએ ફાયર ક્લે(માટી)ની બિન-અધિકૃત રીતે ચોરી કરતા સગરામભાઈ કમાભાઈ ભરવાડ તથા જગદીશભાઈ સગરામભાઈ ભરવાડ વૃદ્ધ ગુનો નોંધ્યો હતો.
ત્યારે ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ સ્થળ પરથી 1,06,849.49 મેટ્રિક ટન ફાયર ક્લે(માટી)ની ચોરી કરી હતી. જેની પ્રતી મેટ્રિક ટનના રૂ.225/- લેખે રૂ.2,40,41,136/- ફાયર કલે(માટી) ખનીજનું બિન અધિકૃત ખનન કરતા સમગ્ર મામલે હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને લઇ ખનીજ ચોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.