રાહુલની 2 વર્ષની સજાને લઈ કોર્ટમાં કાનૂની જંગ જામશે: દાંડીયાત્રાની જેમ ભારત જોડો યાત્રા પછી રાહુલ ગાંધીના આક્રમક વલણથી દેશના રાજકારણમાં નવા જૂની થશે કે પલીતો ચપાશે?
સાંસદ પદ ગયા પછી અલગ જ માહોલ ઉભો કરવાનો રાહુલનો પ્રયાસ સફળ નિવડશે?
રાહુલ ગાંધીની આજની સુરત કોર્ટના હાજરીને લઈ કોંગી નેતાઓના ગંજ ખડકાયા છે. મોદી ટિપ્પણી કેસમાં 2 વર્ષની સજા પડ્યા બાદ તેને સેશન્સ કોર્ટમાં પડકારવા રાહુલ ગાંધી સાથે દેશના અનેક ટોચના કોંગી નેતાઓ આવ્યા છે. આ ઉપરાંત શહેર-જિલ્લામાંથી હજારોની સંખ્યામાં અગ્રણીઓએ પણ સુરતમાં ધામા નાખ્યા છે.
સુરતની કોર્ટમાં રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ ’મોદી’ અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. હવે આજરોજ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવાના છે.
પ્રિયંકા, ગહેલોત, બધેલ સહિતના અનેક નેતાઓ સુરતમાં
રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરતમાં હાજર રહ્યા છે. આ ઉપરાંત અનેક બીજા દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા છે. સાથે રાહુલ ગાંધીની મોટી એવી લીગલ ટિમ પણ તેની સાથે આવી હોવાનું જાણવા મળ્યું છે.
એરપોર્ટથી લઇ સર્કિટ હાઉસ સુધીના લગાવ્યા પોસ્ટરો: મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ખડકલો
સુરતમાં અત્યારે ચૂંટણી પ્રચાર જેવો માહોલ
સુરત એરપોર્ટથી લઇ સર્કિટ હાઉસ સુધીના રસ્તા પર ઠેર ઠેર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના સમર્થનમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. જાણે માનહાનિનો કેસ ચૂંટણી પ્રચારનો રાજકીય રંગ ધારણ કરી લીધો હોય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરતમાં રાહુલ ગાંધીના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રાહુલે આપેલા સૂત્રોના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. વધુમાં સૌરાષ્ટ્રના અનેક શહેર-જિલ્લાના અગ્રણીઓ પણ મોટી સંખ્યામાં સુરત ગયા છે.
રાહુલ ગાંધીને લોકો અને વિપક્ષનો સાથ મળશે?
રાહુલ ગાંધીનું સંસદ પદ ગયા પછી વિપક્ષ જાણે એક થઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. પણ ખરેખર 2024 સુધી વિપક્ષની એકતા ટકી રહેશે કે કેમ તે પણ પ્રશ્ન છે. બીજી તરફ રાહુલ ગાંધીને લોકોનો કેટલો સાથ મળે છે તે પણ જોવું રહ્યું.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જેલમાં પૂર્ણ થશે?
એક ગાંધીજીએ દાંડી યાત્રા કાઢી હતી. તો બીજા ગાંધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે. હવે આ ગાંધીની ધરપકડ થાય તેવી દહેશત ઉભી થઇ રહી છે. જો કે હાલ રાહુલ ગાંધી જામીન ઉપર છે. અને જો તેમની ધરપકડ થાય તો કોંગી આગેવાનો હંગામો પણ મચાવી શકે તેવી શક્યતા છે.