સી.આર. અને વી.આર.ની જોડી ફરીવાર મેદાનમાં !
156 બેઠકો છતા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલ થોડા ઢીલા પડી રહ્યા હોવાનો સુર: સંગઠન પર મજબૂત પકડ ધરાવતા સી.આર.પાટીલને હવે સરકારના સરતાજ બનાવવા ભાજપનો માસ્ટર પ્લાન: ભૂપેન્દ્રભાઇને કેન્દ્રમાં લઇ જવાશે
ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ખૂબ જ મોટો ફેરફાર આવી રહ્યો છે. સંગઠનના સરતાજ સી.આર.પાટીલના શીરે મુખ્યમંત્રીનો તાજ મૂકવા ભાજપ હાઇકમાન્ડ દ્વારા નિર્ણય લેવામાં આવી ચૂક્યો છે. જ્યારે સંગઠનની જવાબદારી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મજબૂત ખભા પર ફરી મૂકવામાં આવશે. ભાજપ દ્વારા ગમે તે ઘડીએ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં નેતૃત્વ પરિવર્તન અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.
ભાજપ હાઇકમાન્ડ દ્વારા સપ્ટેમ્બર-2021માં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું હતું. જેમાં વિજયભાઇ રૂપાણીના સ્થાને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઇ પટેલની નિયૂક્તી કરવામાં આવી હતી. ભૂપેન્દ્રભાઇ સ્વભાવે ખૂબ જ શાંત અને રહેણી-કરણીએ સાદા છે. તેઓની જીવનશૈલી પર ગુજરાતની જનતા ઓળખોળ થઇ ગઇ હતી. ડિસેમ્બર-2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપને ભૂપેન્દ્રભાઇના નેતૃત્વમાં રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીતી હતી. જે રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ બેઠક જીતી સત્તારૂઢ થવાનો એક વિક્રમ છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગત 12મી ડિસેમ્બરના રોજ ભૂપેન્દ્રભાઇ પટેલે સતત બીજીવાર શપથ લીધા હતા. મંત્રી મંડળ પણ માત્ર 16 સભ્યોનું હતું. નવી સરકાર રચાયેલાની ચાર મહિના જેવો સમય થવા આવ્યો છે. સરકાર સામે કોઇ વિરોધ કે વિખવાદ નથી. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સ્વભાવે ખૂબ જ શાંત હોવાના કારણે રાજ્યમાં અધિકારી રાજ જેવો માહોલ સર્જાઇ ગયો છે. ભાજપના જ ધારાસભ્યો સરકારની કામગીરી સામે અવાજ ઉઠાવવા લાગ્યા છે.
156 બેઠકો જીતીને આવેલા ભૂપેન્દ્રભાઇ પટેલને મુખ્યમંત્રી તરીકે ચાલુ ન રાખવાનો નિર્ણય ભાજપ હાઇકમાન્ડ દ્વારા લઇ લેવામાં આવ્યો છે. તેઓને હવે કેન્દ્રમાં કેબિનેટ મંત્રીનું પદ આપવામાં આવશે. જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સી.આર.પાટીલને બેસાડી દેવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. બીજી તરફ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સંગઠનના માણસ ગણાતા વિજયભાઇ રૂપાણીને પ્રદેશ ભાજપ અધ્યક્ષ બનાવવામાં આવશે. ગુજરાત માટે મોદી અને શાહની જોડીએ સરકાર અને સંગઠનની નવી ડિઝાઇન તૈયાર કરી લીધી છે. ભૂપેન્દ્રભાઇ પટેલને પણ વિશ્ર્વાસમાં લઇ લેવામાં આવ્યા છે.
તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાજભવન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ અમિત શાહ અને જે.પી.નડ્ડાએ પણ દિલ્હી ખાતે ભાજપના તમામ સાંસદો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ તાત્કાલીક અસરથી બોલાવી લેવામાં આવ્યા હતાં. છેલ્લા એકાદ પખવાડીયાથી ગુજરાત માટે દિલ્હી દરબારમાં કંઇક અલગ જ ખીચડી રંધાઇ રહી છે. ભાજપના કેટલાક ધારાસભ્યો અને મોટા નેતાઓને આ વાતની ગંધ પણ આવી ચુકી છે.
નવી સરકાર રચાયાને ભલે ચાર મહિના પણ થયા ન હોય પરંતુ પીએમ અને એચ.એમ.ના હોમ સ્ટેટમાં ભાજપે ફરી નેતૃત્વ પરિવર્તન કરવાનું મન બનાવી લીધું છે. ખૂબ જ ટૂંક સમયમાં મોટો ધડાકો કરવામાં આવે તેવી શક્યતા પણ હાલ વર્તાઇ રહી છે. ચાલુ સાલ કર્ણાટક, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત દેશના પાંચ મોટા રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં મળેલી જીત માટે અન્યો રાજ્યોમાં પણ આશિર્વાદરૂપ સાબિત થશે. પરંતુ જે રિતે 156 બેઠકો હોવા છતાં રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અધિકારી રાજ ચાલી રહ્યું છે. તે જોતા એવું લાગી રહ્યું છે કે ફરી ભાજપ પોતાની પોલિટીકલી લેબ સમા ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનનો શંખ ફૂંકશે.
કિરણ પટેલ અને હિતેશ પંડ્યાના કેસ બાદ ગુજરાતમાં સરકાર સામે કેટલાક સવાલો ઉભા થયા છે. લોકસભાની ચૂંટણીને આડે હવે સવા વર્ષ જેટલો સમયગાળો બાકી રહ્યો છે. ત્યારે ભાજપ ગુજરાતમાં મુખ્યમંત્રી બદલે તેવી અટકળો જોરશોરથી ચાલી રહી છે. સંગઠનમાં છેલ્લા ત્રણ વર્ષથી મજબૂત પકડ ધરાવતા સી.આર.પાટીલને ગુજરાતની ગાદી પર બેસાડી દેવામાં આવશે. જ્યારે સંગઠન થકી જ સરકારના સરતાજ બનેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવશે. નેતૃત્વ પરિવર્તન અંગે ભાજપ ગમે તે ઘડીએ સત્તાવાર ઘોષણા કરી દે તેવું હાલ દેખાઇ રહ્યું છે.