આરોગ્ય વિભાગે ફરાળી લોટના નમૂના લઈને વડોદરા લેબોરેટરી ખાતે મોકલાવાયા
મોરબીમાં ફરાળી લોટ ખાધા બાદ ફૂડ પોઈઝનિંગના કારણે એક ડઝન જેટલા નાગરિકો ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ હતી. ફરાળી લોટની વાનગી ખાધા બાદ લોકોને ઉલટી શરૂ થવા લાગી હોવાનું સામે આવ્યું છે. જેને લઇ તમામ લોકોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે અને લાંબા સમયથી આરામ માં રહેતું ફૂડ વિભાગ પણ સફાળું જાગી ઊઠ્યું છે અને અનેક લોકો ભોગ બન્યા બાદ હવે લોટ માં લીટા કરવા જેવી કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઉપરોક્ત બનાવને પગલે આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફુડ વિભાગ દ્વારા પણ કાર્યવાહી શરૂ કરી ને શ્રીજી ફરાળી લોટના નમુના લઇને વડોદરા લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે. તેમજ બનાવને લઈ ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. અને શ્રીજી ફરાળી લોટનુ હોલસેલ વેચાણ કરતા વાવડી રોડ પર આવેલ અક્ષર નામની દુકાનમાંથી પણ નમુના લેવાયા છે. ત્યારે ઉલ્લેખનીય છે કે, ખોરાકી ઝેરના અલગ-અલગ વિસ્તારોમાં 20 કરતા વધુ કેસો નોંધાયા છે.