કાંતિ અમૃતિયાએ વર્ષ ૨૦૧૭ની ચૂંટણીના ઉમેદવારીપત્રકમાં સરકારી આવાસ ધરાવતા હોવાનો કર્યો હતો ઉલ્લેખ !!
મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે તેમની જીતને પડકારતી ઇલેક્શન પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. હાઇકોર્ટએ ઇલેક્શન કમિશનર, કાંતિ અમૃતિયા સહિતના પક્ષકારોને નોટિસ પાઠવી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ભારે બહુમતી સાથે જીત મેળવી હતી. જોકે, જીતેલા કેટલાક ધારાસભ્યની જીતના ગુજરાત હાઇકોર્ટમાં પડકાર કરવામાં આવ્યા છે.
હવે મોરબી ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને પડકારવામાં આવી છે. કાંતિ અમૃતિયાની જીત સામે હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજદારે કાંતિ અમૃતિયાના એફિડેવિટ સામે વાંધો ઉઠાવ્યો છે.
ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને તેમના પ્રતિસ્પર્ધી નિરૂપાબેન મધુએ ગુજરાત હાઇકોર્ટમાં પડકારી છે. ગુજરાત હાઇકોર્ટમાં જે ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી છે. તેમાં કાંતિ અમૃતિયા સામે તેમની એફિડેવિટ અને તેમના આચરણ સામે વાંધો ઉઠાવવાના કારણો આપવામાં આવ્યો છે. જે એફિડેવિટ ફાઈલ કરવામાં આવ્યો છે તેમાં ભૂલ હોવા છતાં પણ રીટર્નિંગ ઓફિસરે એફિડેવિટ મંજુર કર્યા હોવાની રજૂઆત કરવામાં આવી છે.
અરજીમાં કાંતિ અમૃતિયાએ એફિડેવિટમાં એક ખાનું ખાલી રાખ્યું હતું જે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે તેવું જણાવવામાં આવ્યું છે. અરજદારે કહ્યું છે કે, ફોર્મમાં એવું પૂછવામાં આવ્યું હતું કે, શું ઉમેદવારે છેલ્લા ૧૦ વર્ષમાં સરકારી આવાસ મેળવ્યું છે ? જો હા તો તે સરકારી આવાસનું કોઈ લેણું બાકી છે ? જે કોલમમાં કાંતિ અમૃતિયાએ કોઈ જવાબ લખ્યો ન હતો. ઉલ્લેખનીય છે કે, અરજદારે એવું પણ કહ્યું છે કે, વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં કાંતિ અમૃતિયાએ તેમના એફિડેવિટમાં સ્વીકાર્યું હતું કે, તેઓ સરકારી આવાસ ધરાવે છે. ત્યારે વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં આ અંગે જવાબ નહીં રજૂ કરવો તે ક્ષતિ છે તેવું અરજદારનું કહેવું છે.
આ સમગ્ર મામલે હાઇકોર્ટે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચ કમિશનરને, સરકારને તેમજ કાંતિ અમૃતિયા સહિત તમામ પક્ષકારો સામે નોટિસ ઇશ્યુ કરી છે. આગામી સપ્તાહ સુધીમાં આ મામલે જવાબ રજૂ કરવા માટે આદેશ કર્યો છે. મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી હમણાં તાજેતરમાં જ પૂરી થઈ છે, પરંતુ કોંગ્રેસ અને ભાજપના અનેક ઉમેદવારો દ્વારા જીતેલા ધારાસભ્યો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેમની સામે ઇલેક્શન પિટિશન ફાઈલ હાઇકોર્ટમાં કરવામાં આવી છે. જેમાં વિવિધ નામી ધારાસભ્યોનો સમાવેશ થાય છે. ત્યારે હવે વધુ એક ધારાસભ્ય કાંતિ અમૃતિયા સામે ઇલેક્શન પિટિશન ફાઈલ થઈ છે. આ મુદ્દે આગામી સપ્તાહે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
વકીલ મારફત જવાબ રજૂ કરીશું, ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો : કાંતિભાઈ અમૃતિયા
આ અંગે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોર્ટમાં જવાનો તમામને અધિકાર છે અને અમને ન્યાયતંત્ર પર સંપૂર્ણ ભરોસો છે. હાઇકોર્ટ દ્વારા અમને જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે તેના વકીલ મારફત જવાબ રજૂ કરીશું. તેમણે વધુમાં અરજદારના વાંધા અંગે જણાવ્યું હતું કે, મને જે સરકારી આવાસ જે તે સમયે આપવામાં આવ્યું હતું તેનું ભાડું અમે ચૂકવી આપેલ છે જેથી કોઈ બાકી લેણું રહેતું ન હોવાથી તેનો ઉલ્લેખ કરવાની જરૂરીયાત રહેતી નથી.