રાજ્ય સરકારની સ્પષ્ટતા: રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રહેશે

રાજ્યભરમાં આગામી 15મી એપ્રિલથી જંત્રીના નવા દરની અમલવારી થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરવામાં આવી છે. મિલકત ખરીદનાર અને વેચનાર વ્યક્તિ બન્નેની સહિત હશે તેવા સ્ટેમ્પમાં 15 એપ્રિલ બાદ પણ જૂના દરે જંત્રીની વસુલાત કરવામાં આવશે.

15 એપ્રિલ-2023થી ગુજરાત રાજ્યમાં જમીનો/સ્થાવર મિલકતોના જંત્રીના ભાવોમાં થનાર સંભવિત વધારા અંગે નોંધણી નિરીક્ષક દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે.

15 એપ્રિલ બાદ નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજમાં બંને પક્ષકારોની સહી થઇ નોંધણી માટે તૈયાર હશે અને જરૂરી રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે. તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજમાં સંભવિત જંત્રી વધારાના દરો લાગુ પડશે નહીં. પરંતુ, તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડયુટી ગણવામાં આવશે.

15મી એપ્રિલ પહેલા પક્ષકારો વચ્ચે મિલકતના વેચાણનો બાનાખતનો દસ્તાવેજ કરવામાં આવેલ હશે અને તા.15 એપ્રિલ પછી આવા બાનાખતમાં સમાવેશ થયેલ મિલકતનો તે જ પક્ષકારો વચ્ચે વેચાણ દસ્તાવેજ કરવામાં આવશે, તેવા કિસ્સામાં વેચાણ દસ્તાવેજ થયાની તારીખે અમલી જંત્રીના (એટલે કે વધારેલ) ભાવ મુજબ થતી મિલકતની બજારકિંમત મુજબની સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી બાનાખત ઉપર રૂ.300/- થી વધુ રકમની વાપરેલ સ્ટેમ્પ ડ્યુટી વેચાણ દસ્તાવેજ ઉપર ભરવાની થતી સ્ટેમ્પ ડ્યુટીની રકમમાં મજરે ગણવામાં આવશે.

રાજકોટની સબ રજીસ્ટ્રાર કચેરીઓ ખાતે દસ્તાવેજ નોંધણીની કામગીરી 4, 7 અને 8 એપ્રિલની જાહેર રજાના દિવસોએ નિયમિત દિવસની જેમ જ ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.