રેકોર્ડ રિક્ધસ્ટ્રકશન માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને કમિટીની રચના, શક્ય તેટલો રેકોર્ડ ભેગો કરવાની પ્રક્રિયા ચાલુ
વાવડીનો મહેસુલી રેકોર્ડ ગુમ થયા બાદ હવે તંત્ર દ્વારા કોર્ટ અને રેવન્યુના જુના કેસોના સહારે વાવડીનો રેકોર્ડ એકત્ર કરવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે. આ માટે પ્રાંતની અધ્યક્ષતામાં એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. આ કમિટીએ રેકોર્ડ રિક્ધસ્ટ્રક્શનની કામગીરી શરૂ કરી દીધી છે.
રાજકોટની વાવડી ગ્રામ પંચાયતનો વિસ્તાર મહાનગરપાલિકામાં ભળી ગયા બાદ તેનો મહેસુલી રેકોર્ડ મહાનગરપાલિકાના કબ્જાવાળી ઓફિસમાં રાખવામાં આવ્યો હતો. જેમાં હક્કપત્રકના સાધનિક કાગળો સહિતનો કિંમતી રેકોર્ડ ગુમ થઈ જવાનો બનાવ તાજેતરમાં સામે આવ્યો હતો. જો કે આ બનાવ બાદ પોલીસ ફરિયાદ પણ થઈ હતી. આ બનાવને પગલે જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારીને તપાસ સોંપવામાં આવી હતી. પ્રાંતે તપાસ પૂર્ણ કરી કલેક્ટરને રિપોર્ટ સોંપ્યા બાદ કલેકટરે તલાટીને સસ્પેન્ડ કર્યો હતો. જો કે આ બનાવમાં હજુ સુધી પોલીસ તપાસમાં શુ બહાર આવ્યું તે કઇ પણ જાહેર કરવામાં આવ્યુ નથી.
બીજી તરફ વાવડીનો ગુમ થયેલ અસલી રેકોર્ડ હવે પરત તો મળે તેમ ન હોય, તંત્રએ મહામહેનતે આ રેકોર્ડ રિક્ધસ્ટ્રક્શન કરવાનું નક્કી કર્યું છે. આ માટે સિટી 2 પ્રાંત સંદીપકુમાર વર્માના અધ્યક્ષ સ્થાને કમિટી રચવામાં આવી છે. આ કમિટીમાં મામલતદાર, ઇ ધરા નાયબ મામલતદાર,શિરસ્તેદાર અને બે તલાટીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કમિટી દ્વારા જુના કોર્ટ કેસ અને રેવન્યુ કેસમાથી રેકોર્ડની નકલો મેળવીને શક્ય તેટલો રેકોર્સ રિક્ધસ્ટ્રક્શન કરવાના પ્રયાસો શરૂ કર્યા છે.
મહાપાલિકામાં ભળેલા છ જેટલા ગામોનો રેકોર્ડ પણ મંગાવી લઈ સુરક્ષિત કરાયો
વાવડીનો મહેસુલી રેકોર્ડ ગુમ થયાની ઘટના બાદ તંત્રએ સાવચેત બનીને અન્ય રેકોર્ડને પણ સુરક્ષિત કર્યો છે. છેલ્લા થોડા વર્ષોમાં રાજકોટ તાલુકાના વાવડી સહિતના 7 જેટલા ગામો મહાનગરપાલિકામાં ભળ્યા હતા. વાવડીનો રેકોર્ડ તો ગુમ થયો હોય, બાકીના કોઠારીયા, મુજકા, માધાપર, મોટામવા, ઘંટેશ્વર અને મનહરપુરનો મહેસુલી રેકોર્ડ મામલતદાર કચેરીએ મંગાવીને સુરક્ષિત કરી લેવામાં આવ્યો છે.તેવું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.