શું આપણે કલ્પના કરી શકીએ કે ખેતરમાં ઊગતી નકામી શૂળ(કાંટા)થી ધન પામી શકાય? કદાચ નહીં. પરંતુ આ કલ્પના વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ શકે છે. બીજા વિશ્ર્વ યુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ભારતથી ઘણું લોખંડ બ્રીટનમાં નિકાસ કર્યું હતું. જેના પરિણામે ભારત દેશમાં નાની ટાંકણીની પણ ખેંચ ઊભી થાય ત્યાં સુધીની લોખંડની તંગી સર્જાઈ હતી. તેથી તે સમયે સામાન્ય ટાંકણીના ભાવ પણ આસમાને પહોચ્યા હતા. આવી કપરી પરિસ્થિતિમાં ગોંડલ રાજ્યના રાજવી શ્રીભગવતસિંહજી મહારાજે એક દિવસ પોતાની કચેરીમાં સૂક્ષ્મ નજરે એક દ્રશ્ય જોયું. કાગળ સાથે ટાંકણી પણ કચરાપેટીમાં જાય છે. તેઓ વિચારમગ્ન થયા કે, ‘એક તો લોખંડની અછત અને તેમાં આ ટાંકણી કચરાપેટીમાં જાય છે.

શું કરીયે તો તેની બચત થાય.’ અને તેમના મનમાં એક વિચાર સ્ફુરયો. બીજે દિવસે તેઓએ રાજ્યના દાતણ વેચનારાઓના મુખીને બોલાવી ફરમાન જાહેર કરાવ્યુ, ‘તમામ સેવકોએ બાવળના દાતણ કાપીને વધેલી શૂળો ફેંકવી નહીં. પરંતુ સારી, મજબુત અને કાગળમાં ભરાવવામાં કામ લાગે તેવી શુળોનું બંડલ બનાવી રોજ સાંજે કચેરીમાં પહોંચાડવી.’ ત્યારબાદ બધા જ ટાંકણીને બદલે શૂળ વાપરવા માંડ્યા. 2 વર્ષ બાદ ભગવતસિંહજીએ દીવાન પાસે આંકડો કઢાવ્યો. ત્યારે આશ્ચર્ય, રાજ્યની તિજોરીને 1,22,000 રૂપિયાનો ફાયદો થયો હતો.

અંગ્રેજીમાં કહેવાયું છે, “There is only one degree of difference between hot water and steam.’ સફળતા અને નિષ્ફળતા, નફો અને ખોટ વગેરે પામવામાં ક્યારેક આપણે જેની ગણતરી પણ ન કરી હોય તેવા વિચાર, વસ્તુ કે વ્યક્તિ કારણભૂત હોય છે.

એક જહાજ એડન બંદરેથી મુંબઈ આવવા નિકળ્યું. હોશિયાર ખલાસીએ એક માણસને હોકાયંત્ર પાસે બેસાડ્યો. સાથે સૂચના પણ આપી કે સોય તેની જગ્યા બદલે, તો તરત જાણ કરવી. આગળ જતા જહાજે સહેજ દિશા બદલી. હોકાયંત્રનો કાંટો એક ઈંચના વીસમા ભાગ જેટલો ખસ્યો. ત્યાં બેસાડેલ માણસને થયું, ‘એટલામાં શી જાણ કરવી?’ એમ વિચારી ખલાસીને કહેવાનું ટાળ્યું. એમ કરતાં-કરતાં જહાજે પંથ કાપી નાખ્યો. છેવટે ભારતનો કિનારો દેખાયો પણ પોતાનું ધ્યેયસ્થાન મુંબઈ 500 માઈલ ઉત્તરે રહી ગયું હતું.કયાં એક ઈંચના વિસમા ભાગના બે છેડા વચ્ચેનું અંતર અને કયાં 500 માઈલનું અંતર. શૂળ હોય કે સોય. સામાન્ય રીતે દેખાતી આ બે સૂક્ષ્મ વસ્તુએ પરિણામ ઉપર ઘણો મોટો તફાવત સર્જી દીધો.

‘ટીપે ટીપે સરોવર ભરાય.’, ‘કાંકરે કાંકરે પાળ બંધાય…’ આવી કહેવતો લોકજીભે વારે વારે આપણને સંભળાય છે તે પુસ્તકોમાંથી નહીં પરંતુ, અનુભવ અને પરિસ્થિતિઓમાંથી પ્રવર્તી છે. તેથી જીવનમાં નાની નાની વાતો અને સિદ્ધાંતોનો ખ્યાલ રાખવો જોઈએ.તા.24/4/1987માં પ્રમુખસ્વામી મહારાજ સારંગપુર હતા. દુષ્કાળની કપરી પરિસ્થિતી હતી. આવી વિકટ પરિસ્થિતીને નાથવાની શરૂઆત સ્વામીશ્રીએ સ્વયંથી કરી. તેઓએ કેવળ એક જ બાલટી પાણીથી સ્નાન કરવાનું શરૂ કરી દીધું હતું. તે સમયે સ્વામીશ્રી સર્વને શુન્યમાંથી સર્જન કરવાની પદ્ધતિ સમજાવતા કહેતા, ‘ટીપે-ટીપે સરોવર ભરાય.

પંખા, લાઈટો વગેરેનો પણ ગણતરીપૂર્વક ઉપયોગ કરીએ તો બાર મહિને વીસ-પચીસ હજાર રૂપિયા બચે.’ આ પથ પર ચાલીને જ તેઓએ તેમના જીવનકાળ દરમિયાન 1200થી વધુ મંદિરોની રચના કરી છે. અરે! લંડન મંદિર જેવા પત્થરના કળા-કોતરણી વાળા બેનમૂન મંદિર અને સુરતની બી.એ.પી.એસ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ જેવા ઘણા પ્રકલ્પો પ્રમુખસ્વામીએ હરિભક્તોના સમર્પણની સાથે કચરામાં નાખવાલયક ટીન કે પસ્તી જેવી મામૂલી વસ્તુને એકત્ર કરાવીને તેના મૂલ્યમાંથી કર્યા છે.

ઘણીવાર આપણાં મનમાં નાની વસ્તુ, માપ કે માનવનું કોઈ મૂલ્ય નથી હોતું. પરંતુ, કોઈ પણ નાનામાં નાની વસ્તુનું કઇંક મૂલ્ય હોય છે. જે જીવનમાં કોઈ પણ ક્ષણે ઉપયોગમાં આવી શકે છે. વિકાસ હોય કે વિનાશ, પ્રગતિ હોય કે અધોગતિ. જેમ એક નાની કુંચી જ મોટા મકાનમાં પ્રવેશવાનો દ્વાર ખોલે છે. તેમ નાના વિચારોને જ ધ્યાનમાં રાખી જીવતા મહાનપુરુષોએ સિદ્ધિના શિખરો સર કર્યા છે. અંતે આપણે પણ આપણી આજુબાજુથી પ્રાપ્ત થતા નાના પરંતુ સારા વિચારોને અમલમાં મૂકીએ અને નાના પરંતુ ખરાબ વિચારોની ગૌણતા કરી કારણ કે જે દેખાય છે નાનું તેનું કામ હંમેશા મોટું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.