ધારાસભ્ય ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટે આપ્યો ચુકાદો : અતિકના ભાઈ અશરફ સહિત 7 આરોપી નિર્દોષ જાહેર
17 વર્ષ જૂના ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટે અતીક અહેમદ સહિત 3ને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે ત્રણેય દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે. ભાઈ અશરફ સહિત 7 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં 11 લોકો આરોપી હતા, જેમાંથી એકનું મોત થયું હતું.
બસપાના ધારાસભ્ય રાજુ પાલની 25 જાન્યુઆરી 2005ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
ઉમેશ પાલ અપહરણ કેસમાં કુલ 11 આરોપીઓ હતા. તેમાંથી એકનું મોત થયું હતું. કોર્ટે 3ને દોષિત ઠેરવ્યા છે. જ્યારે 7ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટે અતિક અહેમદ સહિત ત્રણને આજીવન કેદની સજા સંભળાવી છે. અતિખ અહેમદ, દિનેશ પાસી ખાન અને શૌલત હનીફને દોષિત જાહેર કર્યા છે જ્યારે અતીકના ભાઈ અશરફ, અંસાર બાબા, ફરહાન, ઈસરાર, આબિદ પ્રધાન, આશિક મલ્લી અને એજાઝ અખ્તરને નિર્દોષ જાહેર કર્યા છે.
પ્રયાગરાજની સાંસદ-ધારાસભ્ય કોર્ટે ઉમેશ પાલ અપહરણ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે માફિયા અતિક અહેમદ સહિત ત્રણ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. ત્રણેય દોષિતો પર એક-એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દંડની રકમ ઉમેશ પાલના પરિવારને આપવાની રહેશે. ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની કોર્ટે 17 વર્ષ બાદ પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આઈપીસી કલમ 364-એ હેઠળ અતીક સહિત 3 આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
અતિકને ફાંસી આપો…ફાંસી આપો…ના નારા લાગ્યા
આ તરફ કોર્ટ પરિસરમાં વકીલોએ અતીકને ફાંસી આપો, ફાંસી આપોના નારા લગાવ્યા છે. અતીક અહેમદને ગઈકાલે સાંજે પ્રયાગરાજની નૈની જેલમાં લાવ્યા બાદ આજે સવારે એમ.પી. એમ.એલ.એ કોર્ટમાં હાજર કરવા માટે પોલીસ અતીક-અશરફને લઈને કોર્ટમાં પહોંચી હતી. જેલમાંથી પ્રથમ વાન ખાલી રવાના થઈ હતી. બીજી વાનમાં ફરહાન, પછી ત્રીજી વાનમાં અશરફ અને છેલ્લી વાનમાં અતીકને લઈને નૈની સેન્ટ્રલ જેલમાંથી 50 સુરક્ષાકર્મીઓ સાથે પોલીસ કોર્ટ જવા રવાના થઈ હતી. યુપી પોલીસ દ્વારા સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો.
અતિક સામે 101 કેસ, પ્રથમવાર દોષિત જાહેર થયો!
અતીક સામે કુલ 101 કેસ નોંધાયા હતા. હાલમાં કોર્ટમાં 50 કેસ ચાલી રહ્યા છે, જેમાં એનએસએ, ગેંગસ્ટર અને ગુંડા એક્ટના દોઢ ડઝનથી વધુ કેસ છે. તેમની સામે પહેલો કેસ 1979માં નોંધાયો હતો. આ પછી અતીકે ગુનાની દુનિયામાં પાછું વળીને જોયું નથી. તેની સામે હત્યા, લૂંટ, ખંડણી, અપહરણના અનેક કેસ નોંધાયેલા છે. મુકદ્દમાઓની સાથે તેમનો રાજકીય દરજ્જો પણ વધ્યો.
અતિક અહેમદને સુપ્રીમ કોર્ટથી પણ મળ્યો ઝટકો
પ્રયાગરાજ કોર્ટના ચુકાદા પહેલા અતીક અહેમદને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો હતો. અતીકના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને અતીકના જીવને જોખમ હોવાનું જણાવાયું હતું. વકીલે કોર્ટ પાસે આ મામલે સુરક્ષા માટેની માંગ કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે અતીકને જેલમાં લાવવામાં આવ્યો છે. તે આ કોર્ટનો મામલો નથી. તમે હાઈકોર્ટમાં જાઓ.