પટોળા અને દુપટ્ટા મંગાવી પેમેન્ટ સમયે હાથ ઉંચા કરી દેતા હૈદરાબાદના શખ્સ સામે નોંધાતો ગુનો
શહેરમાં દીન પ્રતિદિન છેતરપિંડીના બનાવો એકાએક વધી રહ્યા છે ત્યારે વધુ એક છેતરપિંડીનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. જેમાં અંબિકા ટાઉનશીપ પાસે રહેતા પટોળાના વેપારી પાસેથી હૈદરાબાદના શખ્સે પટોળા અને દુપટ્ટા મંગાવી પૈસા આપવાના સમયે હાથ ઊંચા કરી લેતા તેને તાલુકા પોલીસ સ્ટેશનમાં હૈદરાબાદના શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
વિગતો મુજબ અંબીકા ટાઉનશીપ પાસેના શુભ આર્કેડમાં રહેતા અને ગજાનંદ સિલ્ક નામનની પેઢી ધરાવતા ધર્મેશ કમલેશભાઈ પાલા (ઉ.વ.23) પાસેથી હૈદરાબાદના વેપારી વિકાસ અગ્રવાલે રૂા. 2.17 લાખની કિંમતના પટોળા અને દુપટ્ટા મંગાવી પેમેન્ટ બાબતે હાથ ઉંચા કરી દેતા રાજકોટ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.જેમાં ધર્મેશભાઇએ જણાવ્યું છે કે, તેના બનેવી રાજેશભાઈ હીંગરાજીયાના નામે પેઢી ધરાવી પટોળા સાડી લે- વેચનું કામ કરે છે. પેઢીનું તમામ કામ બનેવીના ઘરે જ કરે છે. ગઇ તા. 25- 8-2022ના રોજ આરોપીએ કોલ કરી પોતાની હૈદરાબાદમાં વિનાયક સિલ્ક નામની સાડીના દુકાનના માલિક તરીકે ઓળખ આપી સાડી ખરીદવાની વાત કરતા તેને 12 ટકા ડીસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું હતું.
બાદમાં આરોપીએ પટોળા-સાડી અને દુપટ્ટાનો ઓર્ડર આપ્યો હતો. એક મહિનામાં પેમેન્ટ કરવાનું નક્કી થયું હતું. તેણે કુરિયર મારફત માલ મોકલી દીધો હતો. જે માલ મળી ગયાનું આરોપીએ કોલ કરી કહ્યું હતું. પરંતુ આજ સુધી પેમેન્ટ કર્યું ન હતું. અવારનવાર કહેવા છતા પેમેન્ટ નહીં કરતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.તાલુકા પોલીસે વિશ્વાસઘાત- છેતરપિંડીની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.