ઠગ મહિલા દાગીના લઇ રફુચકકર
જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં રહેતા એક મહિલા કે જેઓને વૃદ્ધ મહિલા પેન્શનની 25 હજાર રૂપિયાની સહાય આપવાના બહાને એક ઠગ મહિલા નો ભેટો થઈ ગયો હતો, અને તેણીએ લાલ બંગલે સહાય મેળવવાના બહાને લઈ ગયા પછી તેઓના 4.20 લાખની કીમતના ઘરેણાં ઉતરાવીને લોકરમાં જમા કરાવવાના બહાને પોતાની પાસે રાખી રફુચક્કર થઈ જતાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં ચાંદી બજાર ઝવેરીનો ઝાંપો વિસ્તારમાં રહેતા રમાબેન રમેશચંદ્ર મહેતા નામના વૃદ્ધ મહિલા કે જેઓ પોતાના ઘેર એકલા હતા, જે દરમિયાન એક અજ્ઞાત સ્ત્રી આવી હતી, અને સરકાર દ્વારા વૃદ્ધ માણસોને રૂપિયા 25000 ની સહાય આપવામાં આવે છે. જે સહાય મેળવવા માટે મારી સાથે લાલ બંગલા વિસ્તારમાં ચાલો તેમ કહી અજ્ઞાતએ સ્ત્રી રમાબેનને વિશ્વાસમાં લીધા હતા અને પોતાની સાથે લાલ બંગલા તરફ લઈ ગઈ હતી.
દરમિયાન તેણીએ બુઝુર્ગ મહિલા રમાબેનના હાથમાં કાનમાં પહેરેલા દાગીના કે જે ઓફિસમાં પહેરીને જવાની ના પાડી, અને પોતે લોકરમાં મૂકી દેશે તેમ કહી ઘરેણા ઉતરાવી લીધા હતા. જેમાં સોનાની ચાર નંગ બંગડી, સોનાનો હાર, સોનાનો ચેન, બે નંગ સોનાની પાટલી, એક નંગ સોનાનો ચેન અને સાચા મોતીની લટકણી ઉપરાંત અંગ્રેજીમાં આર લખેલી સોનાની એક વિટી તથા મોતીવાળી સોનાની વિટી વગેરે ચાર લાખ 20 હજાર ની કિંમતના સોનાના ઘરેણા, કે જે દાગીના ઉતરાવી દઈ બેંકના લોકરમાં જમા કરાવી દેશે, અને તેની રીસીપ્ટ આપી હશે તેવું કહી દાગીના મેળવી લીધા હતા. ત્યારબાદ અજ્ઞાત મહિલા એકાએક લાપતા બની ગઈ હતી.
પાંચ દિવસ સુધી કોઈ પણ પ્રકારની રસીદ દેવા માટે નહીં આવતાં આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો. જ્યાં વૃદ્ધ મહિલાની ભાણેજ નુતનબેન નવીનચંદ્ર મહેતા દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા આવી હતી. સીટી એ. ડિવિઝન પોલીસે અલગ અલગ વિસ્તારના સીસીટીવી કેમેરાઓની મદદથી સોનાના દાગીના પડાવીને રફુચક્કર થઈ જનાર મહિલાની શોધખોળ હાથ ધરી છે.