ભાજપ સંગઠન માળખા અને સરકારમાં એપ્રિલ માસમાં મોટા ફેરફારોની અટકળો
શહેર ભાજપ પ્રમુખ પદ માટે પૂર્વ ડેપ્યૂટી મેયર અશ્ર્વિન મોલીયાનું નામ સૌથી આગળ: વિધાનસભાની ચુંટણીમાં કમળ ખીલવવા કાળી મજૂરી કરનાર કાર્યકર્તાઓએ બોર્ડ-નિગમમાં સાચવી લેવાશે
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આગામી 29મી માર્ચે પૂર્ણ થતાંની સાથે જ એપ્રિલ માસમાં સરકાર અને પ્રદેશ ભાજપના સંગઠન માળખામાં મોટા ફેરફારો કરવામાં આવે તેવી અટકળો હાલ ચાલી રહી છે. મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવશે. જ્યારે નવું સંગઠન માળખું પણ જાહેર કરવામાં આવે તેવી સંભાવના હાલ નકારી શકાતી નથી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી અને સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન કશ્યપભાઇ શુક્લને બોર્ડ-નિગમ કે પ્રદેશ સંગઠનમાં સ્થાન આપવામાં આવે તે લગભગ નિશ્ર્ચિત માનવામાં આવી રહ્યું છે. બીજી તરફ વિધાનસભાની ચુંટણીમાં ભાજપને જીતાડવા માટે રાત-દિવસ જોયા વિના કાળી મજૂરી કરનાર કાર્યકર્તાઓને બોર્ડ-નિગમ કે સંગઠનમાં સાચવી લેવામાં આવશે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી આગામી 31મી માર્ચના રોજ પ્રમુખ પદે સાત વર્ષ પૂર્ણ કરી રહ્યાં છે. ભાજપના બંધારણ મુજબ કોઇ વ્યક્તિ વધુમાં વધુ બે ટર્મ એટલે કે છ વર્ષ માટે પ્રમુખ રહી શકે છે. પરંતુ મિરાણી છેલ્લા સાત વર્ષથી એક સફળ પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી રહ્યાં છે. વિધાનસભાની ગત ચુંટણીમાં રાજકોટ પશ્ર્ચિમ બેઠક પરથી તેઓનું નામ ચર્ચામાં હતું પરંતુ પક્ષ દ્વારા દર્શિતાબેન શાહને ટીકીટ આપવામાં આવી હતી. મિરાણીના નેતૃત્વમાં ભાજપ રાજકોટ શહેરમાં બે વખત વિધાનસભાની ચારેય બેઠકો જીતવામાં સફળ રહ્યું છે. સાથોસાથ લોકસભાની બેઠક પણ જીત્યું છે અને કોર્પોરેશનની ચુંટણીમાં રેકોર્ડબ્રેક બેઠકો જીતવામાં સફળ રહ્યું હતું.
છેલ્લા સાત વર્ષથી તેઓની પક્ષ પ્રત્યેની નિષ્ઠાની હવે કદર કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા કમલેશ મિરાણીની બોર્ડ-નિગમના ચેરમેન કે વાઇસ ચેરમેન પદે નિયુક્તી કરવામાં આવે તેવું હાલ કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન અને પૂર્વ શહેર ભાજપ મહામંત્રી કશ્યપ શુક્લને પણ બોર્ડ-નિગમ કે સંગઠનમાં સ્થાન આપવામાં આવે તેવી શક્યતા હાલ નકારી શકાતી નથી. બીજી તરફ પૂર્વ મેયર ધનસુખભાઇ ભંડેરી અથવા પ્રદેશ ભાજપ ઉપાધ્યાક્ષ ડો.ભરત બોઘરાને પણ સંગઠનમાં કોઇ સારો હોદ્ો મળે તેવી અટકળો ચાલી રહી છે.
રાજકોટ શહેર ભાજપના સંગઠન માળખામાં પણ ફેરફાર થવાની સંભાવના છે. હાલ પ્રમુખ પદની રેસમાં પૂર્વ ડે.મેયર અને શહેર ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અશ્ર્વિનભાઇ મોલીયાનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. જો કોઇ કારણોસર કશ્યપ શુક્લનો સંગઠન કે બોર્ડ-નિગમમાં સમાવેશ કરી શકાય નહિ તો તેઓને પણ પ્રમુખ પદે બેસાડવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. જ્યારે નવા સંગઠન માળખામાં મહામંત્રીના પદ માટે મુકેશ રાદડીયા, વલ્લભ દુધાત્રા, અશ્ર્વિન ભોરણીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, જીગ્નેશ જોષી, માધવ દવે, વિક્રમ પુજારા અને ધર્મેન્દ્ર મિરાણીના નામ પણ ચર્ચાઇ રહ્યા છે. બોર્ડ-નિગમના સભ્ય તરીકે કિશોરભાઇ રાઠોડ, જીતુભાઇ કોઠારી, રક્ષાબેન બોળીયા અને રાજુભાઇ બોરીચાને તક મળે તેવી સંભાવના જણાઇ રહી છે.
પક્ષ દ્વારા એક વ્યક્તિ, એક હોદ્ાના નિયમની હવે કડક અમલવારી કરવામાં આવશે. કોર્પોરેટર પદે રહેલા એકપણ વ્યક્તિને બોર્ડ-નિગમ કે સંગઠનમાં સ્થાન આપવામાં આવશે નહિં. જો કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જ્યારે ટિકિટની ફાળવણી કરવામાં આવી ત્યારે જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી હતી અને તે સંગઠનમાં સ્થાન ધરાવતો હોય તો તેની પાસેથી રાજીનામા લઇ લેવામાં આવ્યા હતાં. કોર્પોરેશનમાં મેયર સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની અઢી વર્ષની મુદ્ત આગામી સપ્ટેમ્બર માસમાં પૂર્ણ થઇ રહી છે ત્યારે સંગઠન માળખામાં જે નિમણૂંકો થઇ હશે તેના આધારે જ્ઞાતિ-જાતિના સમીકરણો ધ્યાનમાં રાખી નવા પદાધિકારીઓ નિમાશે.