5જી કરતા અધધધ 1000 ગણી સ્પીડ મળશે, જેની અત્યારે તો ઈન્ટરનેટ યુઝર્સ કલ્પના પણ ન કરી શકે!
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 5જી આવ્યાના છ મહિનામાં ભારતે 6જીને લઈને જે પહેલ કરી છે તે દેશનો વિશ્વાસ દર્શાવે છે. તાજેતરમાં 6જી એપ્રોચ પેપરનું અનાવરણ કરતાં મોદીએ કહ્યું હતું કે એક સમયે ભારત માત્ર ટેલિકોમ ટેક્નોલોજીનો ઉપભોક્તા હતો, આજે તે એક મુખ્ય નિકાસકાર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. પીએમ મોદીએ કહ્યું, 5જી ટેક્નોલોજી લોન્ચ થયાના છ મહિનાની અંદર, અમે 6જી વિશે વાત કરી રહ્યા છીએ. તે દેશનો વિશ્વાસ દર્શાવે છે.”
પીએમ મોદીએ કહ્યું કે આજે અમે એક વિઝન પેપર લઈને આવ્યા છીએ, જે 6જી ટેક્નોલોજીની રજૂઆત માટે મુખ્ય આધાર બનશે. ટેલિકોમ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ’એપ્રોચ પેપર’ જણાવે છે કે 5જી ટેક્નોલોજી 40-1,100 એમબીપીએસની સ્પીડનું વચન આપે છે અને તેની મહત્તમ સ્પીડ 10,000 એમબીપીએસ સુધી જઈ શકે છે. અને 6જી એક ટેરાબિટ પ્રતિ સેક્ધડની સ્પીડ ઓફર કરશે.
આ 5જી ની સ્પીડ કરતા 1,000 ગણી વધારે છે. પીએમ મોદીએ બુધવારે ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનના નવા ’રિજનલ ઓફિસ એન્ડ ઇનોવેશન સેન્ટર’નું ઉદ્ઘાટન કર્યું.
પ્રાદેશિક કાર્યાલય સંપૂર્ણ રીતે ભારત દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ ટેલીમેટિક્સ બિલ્ડીંગ સ્થિત છે. તેમણે કહ્યું કે આ આઈટીયુ ઓફિસ દેશમાં 6જી માટે યોગ્ય વાતાવરણ બનાવવામાં મદદ કરશે. મોદીએ જણાવ્યું હતું કે ટેલીકોમ ટેકનીક માત્ર તાકાત દેખાડવાની રીત નથી, બલ્કે તે લોકોને સશકત બનાવવાનું મિશન છે પીએમે જણાવ્યું હતું કે ભારતમાં 125 શહેરોમાં 5-જી કનેકશન શરૂ થઈ ગયા છે. 100 5-જી લેબ દેશભરમાં બનાવવામાં આવશે.
કાર્યક્રમ દરમ્યાન ઈન્ટરનેશનલ ટેન્સ કોમ્યુનિકેશન યુનિયનની મહાસચીવ ડોરીન બોગડાને કહ્યું હતું કે ભારત એ દેશો માટે રોલ મોડેલ છે જે ડિઝીટલ પરિવર્તન ઈચ્છે છે ભારતની સ્ટાર્ટઅપ ઈકો સીસ્ટમ આજે સૌથી મોટી છે સાથે સાથે ડીઝીટલ પેમેન્ટ માર્કેટ અને ટેકનીકલ કામના મામલામાં પણ ભારત દુનિયાના અગ્રણી દેશ છે.
ફાઇલ ડાઉનલોડમાં સમય લાગશે નહીં
જેમ જેમ જનરેશનલ ટેક્નોલોજીનો વિકાસ થાય છે તેમ, ફાઇલો ડાઉનલોડ કરવાનો સમય ઘટતો જાય છે. 4જી માં તે લગભગ 50 મિલીસેક્ધડ લે છે. 5જીમાં 5 મિલીસેક્ધડનો સમય લાગે છે અને 6જી આવ્યા પછી આ સમય ઘટીને માત્ર એક મિલીસેક્ધડ થઈ જશે. આનો અર્થ એ છે કે સૌથી મોટો ડેટા મિલિસેક્ધડમાં ટ્રાન્સફર અથવા ડાઉનલોડ થશે.
5 જી અને 6 જી બે અલગ અલગ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરશે
5જી અને 6જી બંને ટેક્નોલોજી વધુ ઝડપથી, વધુ ડેટા ટ્રાન્સફર કરવા માટે વાયરલેસ સ્પેક્ટ્રમ પર ઉચ્ચ ફ્રીક્વન્સીઝનો ઉપયોગ કરે છે. 6જી નેટવર્ક આવ્યા બાદ યુઝર્સને વધુ સારા સિગ્નલ મળશે. 6જીમાં 5જી કરતાં 1,000 ગણી ઝડપી સ્પીડ પ્રદાન કરવાની ક્ષમતા છે.
6 જીમાં સારી કનેક્ટિવિટી
5જી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતો ધીમી ગતિએ પૂરી થઈ રહી છે. એટલા માટે લોકોને 5જી એક્સેસ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ 6જીમાં આવું નહીં થાય. કારણ કે 6જી ની શરૂઆત પહેલા પહેલાથી જ સ્થાપિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર 5જી ટેક્નોલોજી માટે તૈયાર થઈ જશે.
6 જી ટેકનોલોજી ઈન્ટરનેટ ઓફ થિંગ્સને ઝડપી બનાવશે
5જીના આગમન સાથે, વપરાશકર્તાઓને ઈન્ટરનેટ ઓફ થિંગ્સને સપોર્ટ મળી રહ્યો છે અને 6જીના આગમન પછી, પ્રદર્શન વધુ સારું રહેશે. ઈન્ટરનેટ ઓફ થિંગ્સનું ટ્રેક્શન સારું રહેશે.
6 જી એ 5 જીનું અપગ્રેડેડ વર્ઝન નહિ હોય, સાવ અલગ જ હશે
4જી ટેક્નોલોજી એ 3જી ટેક્નોલોજીનું અપગ્રેડેડ વર્ઝન છે. પરંતુ 5જી અને 6જી ટેક્નોલોજી એ બે અલગ અલગ વાયરલેસ કનેક્ટિવિટીના વર્ઝન છે. એટલા માટે 6જી 5જી ટેક્નોલોજીનું સ્થાન લેશે નહીં. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે 6જી ટેક્નોલોજીનો ઉપયોગ મોબાઈલ માટે નહીં, પરંતુ બિઝનેસ, મિલિટરી અને ઈન્ડસ્ટ્રીયલ સેક્ટર માટે કરવામાં આવશે.
6 જી ક્યારે આવશે?
6જી ટેક્નોલોજી પર સંશોધન અને વિકાસ વર્ષ 2020માં જ શરૂ થયો હતો. આ ટેક્નોલોજી લોન્ચ કરતા પહેલા આપણી મોબાઈલ ટેક્નોલોજીને વધુ વિકસિત કરવી પડશે. આ માટે વધુ જ્ઞાનાત્મક અને વધુ સુરક્ષિત ડેટા નેટવર્કની જરૂર પડશે. આ માટે સ્પેક્ટ્રલ બેન્ડવિડ્થ પણ વધારવી પડશે. ચીને 6જી ટેસ્ટ સેટેલાઇટ લોન્ચ કર્યો છે, જે ટેરાહર્ટ્ઝ સિસ્ટમથી સજ્જ છે. જો કે એવું કહેવામાં આવી રહ્યું છે કે 6જી ટેક્નોલોજી વર્ષ 2030 પહેલા કોમર્શિયલ રીતે લોન્ચ કરવામાં આવશે નહીં.