સબસીડીવાળા ગેસ સિલિન્ડર લઈ તેમાંથી નાના ગેસ સિલિન્ડર ભરીને બેફામ કમાણી કરાતી હતી
પુરવઠા વિભાગે દરોડો પાડી 503 જેટલા બાટલા, 06 વજનકાંટા, 06 ઇલેક્ટ્રિક મોટર રીક્ષા સહીત આશરે 8.30 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પુરવઠા વિભાગે રાજકોટ શહેરનાં દૂધસાગર રોડ ઉપર હાઈવે નજીક આવેલા માજોઠી નગરનાં ખૂણે એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. આ કામગીરી કરનાર ઈસમો સામે ગુનો નોંધી ગેસ સીલીન્ડર, ઇલેક્ટ્રિક મોટર, વજન કાંટા, માલવાહક રીક્ષા સહીત 503 જેટલા બાટલા સાથે કુલ રૂ. 8,31,532/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મળેલ માહિતીના આધારે ઈન. જિલ્લા પુરવઠા અધિકારી એસ. એન. સુથાર, રાજકોટ શહેર પૂર્વ મામલતદાર રૂદ્ર ગઢવી તેમજ પુરવઠા નિરીક્ષક કિરીટસિંહ એમ. ઝાલા તથા અમિતભાઈ પરમારની ટીમ દ્વારા રહેણાંક વિસ્તારમાં ચાલતાં ગેરકાયદે ગેસ રીફીલીંગ કૃત્ય સામે દરોડો પાડી આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ શહેરમાં આવેલ દૂધસાગર રોડ ઉપર શેરબાનુ મસ્જિદની બાજુમાં આવેલ માજોઠીનગરના ખૂણે હાઇવે નજીક એક મોટા વંડામાં ગેરકાયદેસર રીતે મોટાપાયે ગેસ રીફીલિંગની કામગીરી થતી હતી. અધિકારીઓની તપાસ દરમિયાન સ્થળ પર હાજર સલીમ અલી મોહમ્મદ નામના શખ્સ આ કામગીરી કરતો હોવાનું જણાયું હતું. મોટા સીલીન્ડરમાંથી ઇલેક્ટ્રિક મોટરની મદદથી નાના નાના ગેસ સીલીન્ડર ગેરકાયદે ભરવામાં આવતા હતા. આ વંડાની નજીક જ મસ્જિદ આવેલી હોવાથી, લોકોની સતત અવરજવર રહેતી હોય છે.
રહેણાંક વિસ્તારમાં અમુલ્ય માનવ જીવનને જોખમમાં મૂકીને કોઈપણ પ્રકારના અગ્નિશામક યંત્રો રાખ્યા વગર જ અતિ જોખમી અને જવલનશીલ એવા એલ.પી.જી. ગેસ રીફીલિંગનું ગેરકાયદેસર રીતે બેદરકારીભર્યું કૃત્ય આચરી ગેસની ચોરી કરવા બદલ પ્રવાહી પેટ્રોલિયમ ગેસ પુરવઠા અને વિતરણ નિયમન હુકમ 2009 તથા ગેસ સીલીન્ડર રૂલ્સ 2004 તથા 2016ની જોગવાઈઓના ભંગ બદલ કાર્યવાહી કરી ગુનો નોધવામાં આવ્યો હતો.
આ તપાસ દરમિયાન રાંધણગેસના 21 કી.ગ્રા.ના ભરેલા 24 બાટલા, 5 કી.ગ્રા.નાં 68 બાટલા, 6 વજનકાંટા, 06 ઇલેક્ટ્રિક મોટર, 01 માલવાહક રીક્ષા, 21 કી.ગ્રા.ના 85 ખાલી બાટલા, 19 કી.ગ્રા.નાં ખાલી 26 બાટલા, 5 કી.ગ્રા. નાં 199 ખાલી બાટલા, 101 ગેસના ખાલી બાટલાનો ભંગાર સહીત કુલ રૂ. 8,31,532/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. નિયમોનુસાર વધુ કાર્યવાહી માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુને રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.