સરકારે દરોમાં રાહતની હૈયાધારણા આપી: જીએસટી રિટર્ન ત્રિમાસિક ભરવાની જાહેરાત થવાની અપેક્ષા
જીએસટીના કારણે સુરતના ટેકસટાઈલ્સ વેપારીઓ સરકારથી ભારે નારાજ છે. ત્યારે વિધાનસભાની ચુંટણીને ધ્યાને લઈ જીએસટીમાં જરૂરી સુધારા કરવાની હૈયાધારણા સરકારે આપી છે. જોકે વેપારીઓની સમસ્યાનો ઝડપી ઉકેલ લાવી તેમને રાજી કરવા ભાજપના નેતાઓ દિલ્હી દરબારમાં રજુઆતો કરી રહ્યા છે. ગઈકાલે નવસારીના એમપી સીઆર પાટીલ, સુરતના એમપી દર્શના જરદોશ, એમએલએ હર્ષ સંઘવી, મંત્રી નાનુ વાનાણી સહિતના ભાજપના નેતાઓ દિલ્હી ખાતે રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢીયાને મળવા દોડી ગયા હતા અને તેમણે સુરતના વેપારીઓની વાસ્તવિક સ્થિતિથી માહિતગાર કર્યા હતા.
ગુજરાત અને હિમાચલમાં આવી રહેલી ચૂંટણીઓમાં જીએસટીથી નારાજ વેપારીઓ રિઝલ્ટ બગાડી શકે છે. માટે હવે સરકારે ઇલેક્શનને ધ્યાનમાં લઇને જીએસટીમાં જરૂરી સુધારા કરવાની હૈયાધારણા આપી છે. તાજેતરમાં જ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા નાણાં મંત્રી અરૂણ જેટલીની મુલાકાત લઇ તેમને વેપારીઓની સમસ્યાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા. વેપારીઓની સમસ્યાઓની માહિતી મેળવી જેટલીએ જીએસટીમાં કેટલીક હળવાશ લાવવાની હૈયાધારણા આપી હતી. દર મહિનાને બદલે હવે વેપારીઓ ત્રિમાસીક જીએસટી રિટર્ન ફાઇલ ભરી શકે તેવ જોગવાઇ કરવા ઉપરાંત એડવાન્સ પર જીએસટી નહિ લેવાની અને લેટ ફી કે પેનલ્ટી નાબૂદ કરવાની જાહેરાત કરવાની હૈયાધારણા આપી હતી.
જીએસટીનો અમલ શરૂ થયો ત્યારથી જ વેપારીઓ માટે જુદી જુદી તકલીફો ઉભી થઇ રહી છે. પહેલા તો જીએસટી પોર્ટલ ઠપ થઇ જવાથી વેપારીઓ રિટર્ન ફાઇલ કરી શકતા નથી. આ ઉપરાંત વારંવાર જીએસટીના રિટર્ન ફાઇલ કરવામાં જ મોટા ભાગનો સમય વેડફાઇ રહ્યો છે. સાથે સાથે સરકાર દ્વારા જીએસટી પર લેટ ફી કે પેનલ્ટી વસુલ કરવામાં આવતાં વેપારીમાં ભારે નારાજગી છે. સરકારે એવી હૈયાધારણા આપી છે આગમી જીએસટી કાઉન્સિલની બેઠકમાં વેપારીઓને દર મહિનાને બદલે ક્વાર્ટરલી જીએસટી રિટર્ન ભરવાની સુવિધા કરી આપવામાં આવશે. સાથે સાથે જીએસટી પર કોઇ જ પેનલ્ટી લેવાશે નહિ. જે પેનલ્ટી લેવામાં આવી છે તે રિફંડ કરવામાં આવશે.
આ ઉપરાંત એડવાન્સ પર જીએસટી વસુલ કરવામાં આવશે નહિ. સાથે સાથે ઘણી પ્રોકેક્ટ કે જેના ઉપર ૨૮ ટકા જીએસટી છે. તેને ૧૮ ટકામાં આવરી લેવામાં આવશે. જેને લઇને વેપારીઓની નારાજગી દુર કરી શકાય. સુત્રોના જણાવ્યા મુજબ ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ આઇટમ અને સિરામિક્સ ૨૮ ટકા જીએસટી છે. જે ઘટાડીને ૧૮ ટકા કરી દેવામાં આવશે. સાથે સાથે એક્સપોર્ટના રિફંડ પણ વહેલા રીલીઝ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવશે.