વિધાનસભાની ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ વર્તમાન સંગઠન માળખામાં મોટા પાયે ફેરફારની સંભાવના: પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદારને બેસાડશે

ગુજરાત વિધાનસભાની ગત સામાન્ય ચુંટણીમાં કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. રાજયમાં છેલ્લા ર7 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસને ગુજરાતની જનતાએ એવો જાકારો આપ્યો છે.

હવે કોંગ્રેસ માન્ય વિપક્ષની લાયકાત પણ ધરાવે તેટલી બેઠકો પણ જીતી શકી નથી. પરાજયની સમીક્ષા માટે રચાયેલી કમીટી દ્વારા ધગધગતો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી દિવસોમાં પ્રદેશ પ્રમુખ સહિતનું આખુ સંગઠન માળખુ વેરવિખેર કરી નવા અઘ્યક્ષની વરણી કરવામાં આવશે જિલ્લા અને મહાનગરોમાં પણ સંગઠન માળખાનું વિસર્જન કરી દેવામાં આવશે.

ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસનો શરમજનક પરાજય થયો હતો. 2017માં કોંગ્રેસ 77 બેઠકો પર વિજેતા બની હતી. અને બહુમતિથી માત્ર 15 બેઠકો જ દુર રહી હતી. વર્ષ-2022 માં કોંગ્રેસ માત્ર 17 બેઠકોમાં સમેટાય ગઇ છે ગુજરાત વિધાનસભાની કુલ 182 બેઠકો છે. કોંગ્રેસને પુરી 10 ટકા  બેઠકો પણ મળી શકી નથી. પક્ષ દ્વારા વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજમાંથી આવતા અમિતભાઇ ચાવડાની નિયુકત કરવામાં આવી છે. પરંતુ 10 ટકાથી ઓછું સભય સંખ્યા બળ હોવાના કારણે વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા કોંગ્રેસને વિપક્ષી નેતાનું પર ફાળવવામાં આવ્યું નથી. ગુજરાતમાં મળેલા પરાજયનું પોસ્ટ મોર્ટમ કરવા માટે હાઇકમાન્ડ દ્વારા એક સમીટીની રચના કરવામાં આવી હતી. આ સમીતીએ વિવિધ સ્તર પર સમીક્ષા કર્યા બાદ એક ધગધગતો રિપોર્ટ તૈયાર કર્યા હોવાનું ચર્ચાય રહ્યું છે.

ગુજરાતમાં કોંગ્રેસ લોકસભાની છેલ્લી બે ચુંટણી અર્થાત વર્ષ 2014 અને વર્ષ 2019 માં એકપણ બેઠક જીતી શકી નથી. હવે લોકસભાની ચુંટણીના આડે માત્ર

એક વર્ષનો સમય ગાળો બાકી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં સંગઠન માળખામાં મોટાપાયે ફેરફાર કરવાનું મન બનાવી લીધું છે. પ્રદેશ પ્રમુખ, કાર્યકારી પ્રમુખ, જિલ્લા અને મહાનગરોના વર્તમાન સંગઠન માળખાને વિખેરી નાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી એકાદ પખવાડીયામાં નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે. આગામી દિવસોમાં રાજયમાં વિવિધ નગરપાલિકા, બે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની સામાન્ય ચુંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ દ્વારા સ્થાનીક સ્વરાજયની અને લોકસભાની આગામી ચુંટણીને ઘ્યાનમાં રાખીને નવા હોદેદારોની વરણી કરવામાં આવશે.

હાલ વિધાનસભાના વિપક્ષી નેતા તરીકે કોંગ્રેસ દ્વારા ઓબીસી સમાજમાંથી આવતા અમિતભાઇ ચાવડાની વરણી કરી છે. ત્યારે પ્રદેશ પ્રમુખ તરીકે પાટીદાર સમાજમાંથી આવતા આગેવાનની નિમણુંક કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે.

દિલ્હી હાઇકમાન્ડ દ્વારા ગુજરાતમાં વર્તમાન સંગઠન માળખામાં મોટા પાયે ફેરફાર કરવાનો નિર્ણય લઇ લીધો છે. ટુંક સમયમાં નવા પ્રદેશ અઘ્યક્ષના નામની ઘોષણા કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.